Wednesday 11 April 2018

જાણું છું કે..

હા ..હું સારી રીતે જાણું છું કે..
સર્વગુણ સંપન્ન હું નથી..
ખામીઓ..હશે..ને..
ઘણી બધી હશે..
મારામાં...તારામાં...
પણ... ચાલને એકબીજાની..
ખામીઓ અવગણી
ખૂબીઓ જોઇને જીવીએ..
કે..
રોશની મારી..
નથી પુરતી તારા માટે સમજુ છું..
હા... નથી આભનો ચાંદ હું..
કે વાર ને તિથી પ્રમાણે ચમકુ...
પણ... એ દીવો છું
જે બસ તારા માટે જ પ્રગટું છું..
ને તને અજવાળવા આઠે પ્રહર સળગુ છું...
...દીપા સેવક.

Wednesday 4 April 2018

તારી યાદ


આ ધડીયાળ નો કાંટો 
લાગે ખોડંગાતો..
જયારે તારા આવવાના.. 
વાયદે અટવાતો ..
આ સમય..
ભલે ધીમેથી વહેતો
તારા વિરહમાં એની
હરચાલ હું વધાવું છું..
ભીડમાં કે એકાંતમાં..
તારી યાદ મને હંફાવે..
હું સમયને હંફાવું છું
..
  ...દીપા સેવક.

માછલી હું ઝાંઝવાના જળની ...

છો મળ્યું સંબંધમાં રણ, રેતમાંએ મોતી ગોતી લઉ છું
માછલી હું ઝાંઝવાના જળની તરસ પી ને તૃપ્ત થઉ છું

રાતપાળી સુરજ કરે આંખોમાં, તોયે ભીતર છે અંધારૂ
તે જે ભરમનાં દીવા ધર્યા, એને આંજીને ઉજળી રઉ છું

મહેફિલ મન મારું મૂંઝવતી,સન્નાટાની સોબત ગમતી
એથી આજકાલ તારી આંખમાં ઝાંખું તો છળી જઉ છું

આંસુ,અવહેલનાને અગન બધુ પચાવ્યું હસતા હસતા
પણ તારું નકલી હાસ્ય જોયા પછી સાવ તૂટી જઉં છું

'દીપા' નથી મેલતી ઓછપ કઈ લાગણીની વાવણીમાં
પછી મ્હોરે કે મુરઝાય, સઘળું સંજોગ પર છોડી દઉં છું.

...દીપા સેવક.

પ્રોમિસ..

સાચું કહું છું..
તારા પ્રેમની શીતલ છાયા હશેને તો.. 
જીવનની બળબળતી બપોરમાંય 
તારી સાથે ખુલ્લા પગે..
સ્હેજ પણ ફરિયાદ વગર હું ચાલીશ
પ્રોમિસ..પણ..
તાપ આવો આકરો
તારાથી સહેવાય નહિ કહી..
લાગણીઓ ને મારી..
આમ જીવતી ના બાળીશ.. દીપા સેવક.