Friday 29 March 2013

ટેલીપથી...

તને વિચારમગ્ન બેઠેલ જોઈ હિંચકે મન તારી તરફ ખેંચાય
તું ધીમે ધીમે હડસેલે હિંચકો સાથે મન મારું ઝોલા ખાય.
પણ જો બોલાવું તુજને તો તારા વિચારોમાં ખલેલ થાય
પછી તું નારાજ થાય મુજથી એ પણ મને ના પોસાય
એટલામાં કૈક યાદ આવતા તારો હીંચકો રોકાય
પગની એક ઠેસ મારી તું તો રોકે હિંચકો પણ
મારા ઉમંગોના ઝૂલણા મારાથી રોક્યા ના રોકાય
.કહેવા મનના ઉમંગો મારું મન ઉતાવળુ બહુ થાય
શું કરું તો એ વાત કહ્યા વિના તને સમજાય
તું આટલો નજીક હોવા છતાં મારાથી દુર કેમ રહેવાય
તું જ બતાવ કોઈ ઉપાય કે હવે મારાથી ના સહેવાય
એટલી વારમાં તારી બુમ મને સંભળાય કે અહી આવ
દોડીને પહોચું હું તારી પાસે અને જોઉં તો
તારા હોઠો પર એક શરારત ભર્યું સ્મિત મને દેખાય
તારી આંખોમાં છલકાતા મારા અરમાન જોઈ મનનું પારેવું હરખાય
અને હસીને તું કહે તારા હૃદયમાં ઉઠતા અવાજો મારા હૃદયમાં પડધાય
શું આનેજ ટેલીપથી કહેવાય ?

…..દીપા સેવક

Monday 18 March 2013

સંભારણા તારી યાદોના

સંભારણા તારી યાદોના મારી દોલત મારો ખજાનો છે
કોણ મને લુંટી શકે હવે એના પર પહેરો મારી વફાનો છે

આ બે આંખમાં સાગર.. તારી ગહેરાઈને સમાવી બેઠી છુ
તારા પેટાળ નો લાવા પ્રેમ બની મારા હૃદયમાં સમાણો છે

મારી આ દુનિયા બસ વણાઈ ગઈ છે તારી આસપાસ 
સપના ભરેલી આ દુનિયાનો અનુભવ બહુ મજાનો છે  

ખબર છે એટલી આસાન નથી જે સફર આદરી છે મેં
અડચણ ઘણી છે રાહમાં ને દુશ્મન આખો જમાનો છે

અનજાણ સફરમાં દિલને ભલે રસ્તાની કોઈ ખબર નથી
ભોમિયો બની છે પ્રીત તારી પછી ક્યાં ડર ભુલા પડવાનો છે

હવે તો બસ સતત ચાલતું રહેવું છે પ્રણયની રાહ પર 
ઈરાદો મક્કમ દિલનો અચૂક મંજિલ પર પહોચવાનો છે
....દીપા સેવક ....

Wednesday 6 March 2013

હું મને શોધ્યા કરું.....


એક પંખીની આંખમાં હું મને શોધ્યા કરું
એક ટહુકો એ કરે તો એના અવાજથી ડોલ્યા કરું
તડપ એના ટહુકાની સાંભળી અંતર મારું વલોવ્યા કરું
પંખી તારા અંતર સાથે અંતર મારું એકાકાર કરું
દઈ દે થોડી જગ્યા તારા આકાશમાં તો સંગાથ હું તારો કરું
સમાવી લે તારી પાંખમાં તારી સાથે જ બસ ઉડ્યા કરું
પણ શું કરીએ પંખી આ ગગન નથી તારું નથી મારું
પછી કેવી રીતે આપણે એને વહેચવાનું
અહી તો સૌ એ સૌ સૌની આંખોથી પાંખો વચ્ચેજ ઊડવાનું
પોત પોતાનું ગગન પોતે જ શોધવાનું ..
તોય ઘણી આશાઓ સાથે તારી સામે હું જોયા કરું 
એમજ મારી કિસ્મત હું તારી સાથે જોડ્યા કરું 
તારી આંખમાં ખુદને શોધ્યા કરું
Deepa sevak.

Tuesday 5 March 2013

અમે સમજી ગયા ...


તમે સમજાવ્યું શાનમાં અમે સમજી ગયા પીગળી ગયા
તમે આપેલું અંધારું સ્વીકારી અમે રાતમાં ઓગળી ગયા
Deepa Sevak.


Friday 1 March 2013

ક્યાં કોઈ આવ્યું છે?


 ના કર જુઠી આશા એ દિલ અહી કયા કોઈ આવ્યું છે?
ના બોલાવ કોઈને તારી પોકાર પર ક્યાં કોઈ આવ્યું છે?

નથી છુપાવી શકતી એ દર્દ જે દિલમાં ભરાયું છે
આંખોથી નહી તો આજે મેં એ કલમથી વહાવ્યુ છે

ઝાંખીને દિલમાં જોવે કોઈ તો દેખાય કંઈક
દિલના કયા ખૂણામાં દર્દનું વાદળ છુપાયું છે

તૂટેલા સપનાનો ભાર હવે આંખોને લાગતો
આંખથી વહેલા સપનાથી રાતનું દામન ભીંજાયું છે

ઘાયલ મારા સપનાના ઘાવ લોહી ટપકાવતા
સપનાનું લોહી રાતની ચાદર પર ઢોળાયું છે

સપનાના લોહીથી સિંચાઈને કાંટા ઉગ્યા પથારીમાં
સહેજ આડે પડખે થઇ ત્યાં આખું બદન છોલાયું છે
Deepa Sevak.

યાદ હજુ હું તને કરું.....

નારાજગીમાં તારાથી મારી પણ હું આંખો ભરું
અણગમતી વાતો કહું હું તોય ગમતું હું કામ કરું
ભૂલવાના ભરમમાં રહીને યાદ હજુ હું તને કરું
 
સવારની સોડમમાં હું ચાંદનીની શીતળતા ભરું
ચાહું અજવાળાની આંખો લઈને અંધારાને દુર કરું
તોય અંધારાની આડ લઈને યાદ હજુ હું તને કરું
 
વાદળને વેરીને આભે ઇન્દ્રધનુષની રંગોળી ભરું
ચાહું સુરજને રાખું સંગાથે, કિરણોની સાવરણી કરું
તોય કિરણોને ખોબે ભરીને યાદ હજુ હું તને કરું
 
ફૂલોના લુછીને આંસુ ઝાકળને ખુશ્બુથી ભરું
ચાહું પવનને પાયલ પહેરાવી વસંતને વહેતી કરું
તોય વસંતનો પાલવ પકડીને યાદ હજુ હું તને કરું
 
મોસમની મહેકથી તારી યાદોનું ઉપવન હું ભરું
ચાહું યાદોના ઉપવનમાં તને સાથે લઈને ફર્યા કરું  
આમ સતત વિના કોઈ વાતે યાદ તને હું કર્યા કરું
Deepa Sevak