Thursday 28 April 2016

અંતહિન...

જ્યાં સ્વાર્થનો સૂરજ ઝળહળ થાય છે
સંવેદના ત્યાં મનમાં જ બળી જાય છે 

સામ્રાજ્ય ક્યાં વિશ્વાસ ત્યાં સ્થાપી શકે? 
શંકા જ્યાં પાંચે આંગળે પૂજાય છે

છે ઝંખનાના જંગલો ચારેતરફ 
રસ્તા બધા જ્યાં અંતહિન દેખાય છે 

વાદળ બનીને વેદના વરસે પછી
ભીતર શ્રધ્ધાના શ્વાસ પણ રૂંધાય છે 

ખંડેર જેવું જીવવું મંજુર નથી 
"દીપા" એથી સંબંધથી ગભરાય છે
 ....દીપા સેવક 

Wednesday 20 April 2016

ટૂંકીવાર્તા...

મારી નવજાત લાગણીઓ...
જે તારી એક નજર પડતા જન્મી હતી ...
તે તારા આછા સ્મિતથી જવાન થઇ ગઈ ..
તું તો બેફીકર..બેખબર પસાર થઇ ગયો 
પણ બેચેની.. વણનોતરી..
મારા મનની મહેમાન થઇ ગઈ..
મારી આંખમાં અટકી ગયુ સાંજનું આકાશ..
માંડ છેક અડધી રાતે..નિંદરના ટકોરે પામ્યા આરામ 
તારા સ્પર્શને તરસતા..ભડકતા મેઘધનુશી શ્વાસ.. 
બંધ પલકોની પાછળ..
આપણા મિલનની ઘડીને માણવાના
ઓરતા હજુ તો પનપતા હતા.. 
ત્યાં તો ઝંઝોડીને એણે જ જગાડી મને,
મારા માસુમ સપનાના ખૂનની 
આ હકીકતને આપો સજા...
ઉફ્ફ..એક લાંબી પરીકથા.. 
પલટાઇ ને ટૂંકીવાર્તા થઇ ગઈ...
...દીપા સેવક. 

Wednesday 13 April 2016

એકરારનામું...

તે કદી કહ્યું નહતું.. પણ..
મારી આંખોએ સાંભળ્યું હતું 
હતું વણલખ્યું પણ ..
તારી ચાહતનું એકરારનામું
મેં વાંચ્યું હતું..
એ વિના કારણ તારુ
મારી ગલીમાં ઘુમવુ
રાખીને નજર મારા ઝરુખે
પાડોશીનું સરનામુ પૂછવું..
એક અછડતી નજર નાખી
તારું મને આંખોથી ચુમવું..
મને તો યાદ છે.. શું તને યાદ છે ?..દીપા સેવક

Friday 8 April 2016

ઉકળતી લાગણી...

અંધારુ લિપિ રાતે છો મારી આંગળી ઝાલી છે
આશા ભરેલી સાંજ હજુ મુજ આંખમાં બાકી છે

લાગે છે આ જે સ્પંદનો ઉપરથી બરફ જેવા એ
લાલચ દઈ હુંફની ઉકળતી લાગણી ઠારી છે

આવેશમાં આવેલ ઉભરા પર ના અંકુશ લાગે
એથી તો આંખને ભેજની આદત અમે પાડી છે

આંસુ તણો આસવ તો સ્હેજે અસર ના કરતો પણ
પીને સ્મરણ તારુ નશામાં ચકચુર ઉદાસી છે

ખખડધજ ખાલીપાનો જાળવવા મલાજો ભીતર
તારાપણાની ખોળમાં શુળ સાચવી રાખી છે

સંવેદનો જે ભીડમાં રાખ્યા હતા કોસો દુર
એકાંતમાં એ વેદના છાતીએ વળગાડી છે

જડતી નથી જિંદગી છતાં "દીપા" નથી હજુ થાકી
તો શું કે રસ્તો ધૂંધળો ને મંજિલ અજાણી છે

...દીપા સેવક.

સાબિતી...

મૌન મારું બોલતા ડરતુ નથી 
છો ને શબ્દમાં સળવળતું નથી

હોઠ મારા મૌન છે તો શું થયુ?
લાગણીને બોલવુ પડતુ નથી  

માંગ ના તું સાબિતી રોજ પ્રેમની 
સત્યને સાબિત થવુ પડતુ નથી

પીંજરું વર્ષોથી ખુલ્લુ હોવા છતાં   
કેમ પંખી છતી પાંખે ઉડતુ નથી  

આંખ ખોલી જોનારને દેખાય છે
એક હદ પછી અંધારું નડતુ નથી

હાથ ઝાલી યાદનો "દીપા" કર સફર
જ્યાં સુધી સરનામુ સાચુ મળતુ નથી 

...દીપા સેવક.