Thursday 28 January 2016

વહેમ...

સબંધમાં..
વિશ્વાસના વન..જયારે.. 
વહેમના રણ બને..ત્યારે ..
મૌનની આંખમાં અહેસાસ રડે.. 
સંવેદનાની તરસને જવાની ચડે...
જીવ ઝંખે લાગણીના વીરડા..
પણ..અહિતો પગલે પગલે..
ટોણાના બાવળ છળે..
ઉપેક્ષાના કાંટા કળે..
ઝંખનાના ઝાંખરા નડે..
પછી તો.. 
આત્મવિશ્વાસનેય હાંફ ચડે..
તોય મનમૃગ થાક્યા વગર..
સતત દોડ્યા કરે..
કે ક્યાંક સ્હેજ છાંયો મળે.. 
જ્યાં આશાનો આસવ વેચાતો મળે..
ત્યાં થોડો સ્વમાનનો નશો ચડે 
તો કદાચ થોડું ચૈન મળે..
ને ઝાંખી પડેલી આત્માની આરસીમાં..
પડછાયો પોતીકો જડે ..
ને સફરને સુખદ અંત મળે..
કાશ!!!! વહેમ પર વિશ્વાસ ભારી પડે..
..દીપા સેવક.

Friday 15 January 2016

થતુ નથી ...

લાગણીઓ પર નિયંત્રણ થતુ નથી
દર્દનું એથી નિવારણ થતુ નથી

સ્વાર્થનો ઉપદ્રવ છે ચારેકોર પણ
જાત વેરી હો ત્યાં મારણ થતુ નથી

આંખ થાકી આચમન આંસુનું કરી
પણ તરસનું એમ તર્પણ થતુ નથી

આંખમાં પીડાનો પરપોટો ખુચે
સાંત્વનાની ફુકથી શમન થતુ નથી

પાનખર ને ઉપરથી ઘેલો પવન
વીજળીથી વેલનું રક્ષણ થતુ નથી

સમય છેડે રાગ દીપક છો સતત
ઓલવાયેલું જે અગન થતુ નથી

આ કલમને  કાટ શાયદ છે ચડ્યો
કે ગઝલનું અહિ અવતરણ થતુ નથી

કાશ કો'દીપાનું મન વાંચી શકે
કે હવે કઇ કે'વાનું મન થતુ નથી
...દીપા સેવક.