Wednesday 29 July 2015

છે કવિતાના કણકણમાં તું ...

આકાશે વાદળ ઘેરાયને વિચારોના વૃંદાવનમાં તું..
અહેસાસની આંખો છલકેને વરસે નીલગગનથી તું..

વીજળી જેમ ચમકે ખાલીપો શૂન્યતાની આંખમાં,
ને માટીની મહેક બની એકલતાના અખોવનમાં તું..

યાદોની મોસમ મહેકેને રાતરાણીને આવે શરમ,
મોરલો ટહુકે આંગણમાં ને ગહેકે મનચમનમાં તું..

વિરહની વાતો કરીને દિલ નથી વિચલિત થાતુ,
કે આંસુ વહેશે આંખોથી તો રેલાશે અશ્રુવનમાં તું..

અંધારાની આંખો ચુએ જોઈ અમાસનું અજવાળુ,
કાયમ લાગે પુનમ જેવુ જ્યારથી છે જીવનમાં તું ..

તારી પ્રીત જ લખાવે "દીપા"ને ટેરવે ટકોરા દઇ,
એથી જ જીવંત લાગે કે છે કવિતાના કણકણમાં તું.. 

...દીપા સેવક.




Monday 27 July 2015

આ વરસાદ.. 

આકાશે વાદળ ઘેરાય જરા ત્યાં ..
તારી યાદની ભીની સુગંધ..
રોમરોમ મહેકાવે છે ..
શ્વાસ ઉછાળતો સ્નેહનો રેશમી કીડો..
કોશેટામાંથી બહાર આવે છે..
આ પવનની લહેર જયારે...
તારો ઉષ્માભર્યો સ્પર્શ લહેરાવે છે .
ત્યારે છાતીની બખોલમાં..
કેટલાય પતંગીયા પાંખ ફફડાવે છે..
જેના ગલગલીયા આખા બદનમાં..
ઉતેજનાની આંધી ઉપજાવે છે
પછી...ઘેરાય બેહોશીના વાદળ..
ને અંતરમાં ઉઠે પ્રણયભીનો સાદ
ભીતર ગમતો ગરજાટ..
ને સંવેદનોનો સળવળાટ
સપનાનો સોનેરી સંગાથ..ને આ વરસાદ.. 
જો લથબથ વ્હાલ વરસાવે છે ..
બહાર ભીતરથી તરબતર એવી મને .
હવે ..દશે દિશામાં 
તું..તું અને બસ તું જ ..નજર આવે છે...
હવે તો આવ સજન.. શાને તરસાવે છે..J

  ...દીપા સેવક.

Thursday 23 July 2015

આઝાદીનું પિંજર...

કે'વુ છે ઘણુ પણ એમ ક્યાં કે'વાય છે.
હૈયા સાથે જો હોઠ પણ તરડાય છે.

ખુદની ફરિયાદો ખુદ કરીને શું કરું?
ફરિયાદોથી ક્યા કોઇ ઘા રૂઝાય છે.

શબ્દો કરતા મોટી છે ગર્જના મૌનની,
ભીતરના તાળા સૌ ઉઘડી જાય છે.

વિરહના વાદળ, વેદનાની વીજળી,
આ ઈચ્છાના વરસાદથી જીવ જાય છે.

આંખે લીલો દુકાળ તોયે દિલમાં રણ,
સપનાના સાતે સુર્ય ડૂબી જાય છે.

કાંટા ભોકાતા ટેરવે દિલ ખોલતા, 
કાગળ ચિત્રે ક્યાં કવિતાઓ થાય છે.

જો આઝાદીના પિંજરે પૂરીને જાતને, 
પારેવુ પોતાની જ પાંખે પીંખાય છે.

"દીપા" બોલ્યા કરવુ સતત જરુરી નથી,
સંબંધો શબ્દો વગર પણ સચવાય છે.
...દીપા સેવક.


Thursday 16 July 2015

મૌનના તાળા...

ચાહુ તો પણ હોઠ જોને ખુલતા નથી
મૌનના તાળા અઠંગ.. તુટતા નથી

છે સતત બોલ્યા પછીનો સુનકાર આ
શૂન્યતાના શ્વાસ એથી ફૂલતા નથી

પ્રીત પિયુની પામવા દિલ બેચેન છે
પણ અબોલા શબ્દ સાથે છૂટતા નથી

ઉપરવાસે આંખના તો આવ્યું છે પૂર
વ્હાણ સપનાના છતાંયે ડુબતા નથી

યાદના વરસાદથી ભીતર ભર્યું રહ્યુ
એથી તો તડ છતા તળ ખુટતા નથી

ના નથી દર્પણ કે પડછાયો પણ નથી 
પ્રીત છે "દીપા"ની પૂજા, મૂર્ખતા નથી 
(ગાલગાગા ગાલગાગા ગાગાલગા)
....દીપા સેવક.




Thursday 9 July 2015

સ્મરણનો શોર...

ટહુકા કરે મન જ્યાં પડે છે પડઘા યાદના
તારા સ્મરણનો શોર છે સોનેરી સાંજમાં

દર્પણનો આભાસી એ તડકો, આંજે આંખને
ભીતર સુધી ઉજાશના જો ઉધડે છે બારણા 

ભીનાભુરા સપનાનો પથરાઈ ગ્યો ફાલ જ્યાં  
ઇન્દ્રધનુષ ત્યાં મ્હોરી ઉઠ્યા છે મારી આંખમાં   

આછી ના ઓછી થઇ જરાએ વરસો બાદ પણ 
ધડકે તું દિલમાં ત્યાં સુગંધ આવે છે શ્વાસમાં

ઊગી છે રોમેરોમ મુજ કુંપળો આવેગની
યાદોના પડછાયે જો મ્હેકી મોસમ વ્હાલમાં

રમમાણ છે "દીપા" સ્મરણ સાથે સંભોગમાં 
તરબતર છે એની પળેપળ પ્રીતના અહેસાસમાં
....દીપા સેવક.   

Monday 6 July 2015

मुहोब्बत के अफसाने...

रोज दिल को मनाने के नए बहाने नहीं ढूंढे जाते
एहसास की आँखोंसे बरसते आंसू नहीं देखे जाते

जानते है मुह फेर हकीकतसे ख्वाब नही पुरे होते
वक्त जो तोड़े उन ख्वाबो के टुकडे नहीं जोड़े जाते

वक्त की शाख से गिरे कुछ पत्ते आंखोमें सिमटे
चुभन है फिरभी उन्हें पलकों से नहीं ज़टके जाते

चाहत है तुजसे जुड़े रहेने की या जिद ये दिल की
चाहकर भी तेरे दिये दर्द से रिश्ते नहीं तोड़े जाते

थकी है निगाहे पर दिल के होसले है बुलंद "दीपा"
मायूसी से मुहोब्बत के अफसाने नहीं लिखे जाते

...दीपा सेवक.


Thursday 2 July 2015

કસ્તુરી....

આખી રાત દોડ્યા કર્યું પણ કઇ ના આવ્યું હાથમાં
અફાટ રણ જેવી રાત હતી ને સપના જાણે ઝાંઝવા

અચાનક ઊંઘમાંથી ઝબકીને જાગુ તો લાગે જાણે 
અહેસાસની પરીઓ ભૂલી પડી બાવળના બાગમાં

વરસે છે વિરહનો તાપ પણ યાદનો છાયો એમ પડે
જેમ આ વાદળની દાદાગીરી તડકાને રાખે બાનમાં

મૃગલા જેવુ મન ના જાણે જાતમાં જણસ છુપાયેલી  
ભટકે જે સુગંધની શોધમાં એ કસ્તુરી એની કાંખમાં

ગગનના ચાંદમાંને પવનની પાંખમાં શું કામ શોધે?
મળી ગયુ છે "દીપા"ને તારું સરનામુ એના શ્વાસમાં.

...દીપા સેવક.