Tuesday 29 April 2014

જો અવગણુ હું ...

જો અવગણુ હું ખાસ, કનડે છે કે નહિ?
જો બોલુ ના હું, પ્યાસ ચવળે છે કે નહિ?

છે બોલકી.. ખામોશ, સંધ્યાનુ રાજ જો
ત્યાં શૂન્યતાનો શોર ખખડે છે કે નહિ?

જ્યાં યાદના ભારા, મુકી માથે દોડતી
પગલા એ..તારો હાથ પકડે છે કે નહિ?

તારી જુદાઈમા રડે ....રાણી રાતની
ત્યાં ચાંદની આંસુથી પલળે છે કે નહિ?

અવહેલના મારી કર્યાના ખ્યાલો પછી
જો વેદનાના સાપ મન કરડે છે કે નહિ?

નારાજગી તારાથી ક્યાં પોસાશે મને?
પણ જોઉ છુ કે તું'ય કકળે છે કે નહિ?
(ગાગાલગા ગાગાલગા ગાગાગાલગા)

...દીપા સેવક

Monday 28 April 2014

ચાહ તારી શબ્દની...

ચાહ તારી શબ્દની, હું પ્રવાસી મૌનની
આંગળીની આશ છે,માંગણી ના હાથની

આજ વાદળ ટળવળે ,કેમ ઝાકળ ખળભળે
સૂર્યની સામે પડે?... શું વિસાત છે ધુંધની

મફતમાં સાગર મળે, પણ એ પીને શું કરું?
પ્યાસ મારી ચાતકની કે હું પ્યાસી બુંદની

હાસ્યનું હિલ્લોળ તું વ્હેચ આખા જગમહી
આપ પ્રેમથી તું મને,હું અભિલાષી સ્મિતની

મોહ રૂપનો છે તને, આશ મારી સાથની
ફૂલ કાગળના નથી,બારમાસી બાગની

સાથ તારો માંગતી,વાત સમજ તું આંખની
સંગ જીવનભરનો છે,વાત ના બસ રાતની
(ગાલગાગા ગાલગા ગાલગાગા ગાલગા)

...દીપા સેવક  

એ ક્ષણ....

તારા જ હાથથી ઘવાઈને છટકેલી એ ક્ષણ
ભરોસાની નનામી જોઇને બટકેલી એ ક્ષણ

વર્ષોથી હતી સમયના સ્પર્શથી અબોટ પણ
તારી નજર પર વારી, રાહ ભટકેલી એ ક્ષણ

અબોલાના ખંડેરમાં ચીસો પાડી થાક્યું મૌન
ને અહમના ગાળીએ પ્રીત લટકેલી એ ક્ષણ

તું મારો હોવાના વહેમથી હું આકાશે ઉડતી
કાપી પાંખો જેને મને નીચે પટકેલી એ ક્ષણ

સંજોગોના નામે સજી જે ભાડાની ભીત પર
મારા હાસ્યની અટારીએ લટકેલી એ ક્ષણ

સુકી છે આંખો પણ દર્દમાં ડૂબેલુ છે ભીતર  
ભીની પાંપણના પગથારે અટકેલી એ ક્ષણ

ભૂલી કાલને ડગ ભરવા આવતીકાલ તરફ
જેને સમયની શાખથી મેં ઝટકેલી એ ક્ષણ
....દીપા સેવક 




Saturday 26 April 2014

આ સાંજની ક્ષિતિજે....

આ સાંજની ક્ષિતિજે
રંગ તારી પ્રીતનો છલકે તો
તારી યાદોના ફૂલ મહેકે મનચમનમાં

મળીને રાતને તું
આભે ચાંદ બની ચમકે તો
પ્રણય વેરાઈ જાય આખા ગગનમાં

અડધી નિંદરમાં તું 
મારા સપનામાં ઝળકે તો 
મન સુકાઈ જાય મિલનની તરસમાં 

જો મારી તરસ
તારી આંખોમાં ઉતરે તો
રોમ રોમ મારુ ડૂબી જાય શરમમાં

ત્યાં અમસ્તુ જ તું
મને આંખોથી અડકે તો
આગ લાગી જાય આખા બદનમાં

તારા સ્પર્શની સુગંધ
મારા ટેરવેથી ટપકે તો
રોમાંચની લહેરો ઉછળે કાગળમાં

..દીપા સેવક.




Friday 25 April 2014

કઈ માંગવા જેવું નથી...

જગતમાં કઈ માંગવા જેવું નથી  
ભીખમાં તો સ્વર્ગ પણ લેવુ નથી

માનુ માનવતાના ધર્મને જ હું 
ઈશ માળાથી જ મળે એવું નથી

બાળ કોઈ રડતુ હસાવી જો શકુ
માનુ કે માથે પછી દેવુ નથી 

હું ભલે મંદિર દીવો ના ધરુ
પણ ભુખ્યુ જણ અવગણુ તેવું નથી 

મોક્ષ પણ જો ઝાંઝવાની જાત છે
ભરમમાં આ જીવને રે'વુ નથી
(ગાલગાગા ગાલગાગા ગાલગા)

....દીપા સેવક  


Thursday 24 April 2014

ખાલીપો ભીતરનો...

મનાવીને દર્પણ તું એવુ નહિ કરી શકે
ખાલીપો ભીતરનો એમ નહિ ભરી શકે

એમ લગાવવાથી પ્રતિબિંબ પર મલમ
હૃદયની વેદનાનો ડંખ નહિ મરી  શકે

આંસુની પારદર્શકતા આઇનામાં ક્યાં 
તિરાડો અંતરની એ તો નહિ ભરી શકે  

આંખ પર પડદો પાડી આડા કાન ધરે
પણ હકીકતનો ચહેરો સ્હેજે નહિ ફરી શકે

છે શૂન્યતાનો પહેરો રાતની નદી પર 
છતાં યાદના ઉના અંગાર નહિ ઠરી શકે

આ સ્વપ્ન પણ છે છળ જાણું છું છતાં    
આંખ આ જીવતા ઝાંઝવા નહિ હરી શકે

પહોચી શકુ મારા સુધી જો એ રસ્તો મળે
તો સફરના થાકથી મન મારુ નહિ ડરી શકે 

....દીપા સેવક    


Wednesday 23 April 2014

જો પ્રણય હોય તો...

એક નજર નાખ આ તરફ જો સમય હોય તો .. 
વગર કહે સમજી લે તડપ જો પ્રણય હોય તો

રાતદિન છે હૃદયમાં ઊર્મિઓની ઉથલપાથલ

સમજ તું લાગણીની તરસ જો હૃદય હોય તો

નથી વાદળ નથી વીજળી તોય આભ ઘનઘોર

અંતરથી અનરાધાર વરસ જો પરિણય હોય તો 

તારી પાસે આખા બાગની તો મને આશ નથી
એક ફૂલ ધરી આંખોથી વળગ જો શક્ય હોય તો   

માંગ્યા વગર આપી શકે તો આપ મારો હક મને 
હકની શાને કરવી પડે અરજ જો નિશ્ચય હોય તો

રોશની વિના જ અંધારુ થાય એવુ તો હોતુ નથી
દિલને છેતર્યા પછી નોંધ ફરક જો સંશય હોય તો  

....દીપા સેવક 



Tuesday 22 April 2014

અઘરુ પડતુ નથી...

પોતાનાને પારકા ગણવું તો પરવડતુ નથી
પણ હકીકતને અવગણીને કઈ વળતુ નથી

ફક્ત હું સમજુ છું તને દાવો મારો નથી એવો
પણ મારા જેટલુ તો કોઈ બીજુ ઓળખતુ નથી

સંબંધ જે હાથથી સરકી રહ્યા હો રેતની જેમ
એને મુઠ્ઠીમાં જકડી રાખીને કઈ મળતુ નથી

જાણું છું નથી મળી કિસ્મત  ફૂલના જેવી પણ
દિલ કાંટાની ઉપમાનો ભાર સહી શકતુ નથી 

ભલે ગણીને કાંટો કોઈ કાઢવાની કરે કોશિશ
કોઈને ખૂંચવા કરતા તુટવું મને નડતુ નથી

વહેતા સમયને રોકવો તો નથી કોઈને હાથ
પણ સમય સાચવીએ તો અઘરુ પડતુ નથી
....દીપા સેવક 

Sunday 20 April 2014

મારું હૃદય પણ...

મારું હૃદય પણ ક્યાં મારી મરજીને ચલાવે છે 
મારી હજારો ના છતાં સદા તને જ બોલાવે છે

આંખોની રતાશ ચાડી કરી દે છે ઉજાગરાની 

મોકલી સપના આંખોમાં મને શાને સતાવે છે

તારા ખયાલથી ખાલી ના થતી દિલની દુનિયા 

શું મહેફિલ યાદની તારું દિલ પણ સજાવે છે?

શબ્દોને શણગારવામાં નથી કહેવાતુ કઈ તને 

અને મૌન મારું જો ગલતફહેમી ઉપજાવે છે

મૃગજળ સીંચીને નથી ઉછેર્યા પ્રેમના છોડ મેં 

રેડ્યા રુધિર તો ખીલ્યા ફૂલ જે તને મહેકાવે છે

આપીને આલિંગન હરી લે પીડા મારા હૃદયની 

રહીને ચુપ શું કામ મારી પ્રીતને આજમાવે છે 

....દીપા સેવક  

    

Wednesday 16 April 2014

વ્હાલ વાવી જોઈએ....

બળતી બપોરે ચાલ વગડે વ્હાલ વાવી જોઈએ
બાવળની શુળનેય જરીક સન્માન આપી જોઈએ

સ્વભાવ છે ચુભવાનો પણ એનેય વાગતુ તો હશે
કાંટાની નોકે.... ચાલને... રૂમાલ બાંધી જોઈએ

કોયલના ટહુકાને  જરા આંબાથી ઉછીનો લઇ
બાવળના બાગમાં ચાલ વસંત લાવી જોઈએ

થોડીક સમજીએ રણના વાદળની છાની વેદના
એ ઝાંઝવાની તરસ થોડી તો બુઝાવી જોઈએ

હોતી નથી આસાન એકલપંથીની સફર છે ખબર
તો ચાલ એને સાદ પાડી સાથ આપી જોઈએ      

માથું નમાવી બહુ મનાવ્યા મંદિરના દેવને તેં
ચાલને ઝુકીને કોઈને સ્વજન બનાવી જોઈએ
(ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા)
....દીપા સેવક.

Monday 14 April 2014

એક સપનુ તરડાયુ તો .....

એક સપનુ તરડાયુ તો આંખમાં ખુંચ્યુ આખી રાત
અરમાનોની તિરાડમાંથી લોહી ટપક્યું આખી રાત

ઘાવ તો ગહેરો હતો પણ મન પીડા સહન કરી ગયું
બધુ સારુ થશેની એ પાટાપીંડી કરતુ રહ્યુ આખી રાત

વેદનાની વાત પર એને મહેફિલમાં થોડું હસી લીધું
પછી ગુનાના ભારથી અંતર, છાનુ રડ્યુ આખી રાત

જાણીતુ હતુ નગર પણ રસ્તા બધા સુમસામ હતા
તો એકાંતના મેળે મારુ દર્દ નાચતુ રહ્યુ આખી રાત 

હતી ઠંડી હવા તોયે બેચેનીનો લાવા ઉકળતો રહ્યો 
તો યાદોના પરસેવાથી ઓશીકું પલળ્યુ આખી રાત

....દીપા સેવક 

  

ન્હોતી ખબર ...

ન્હોતી ખબર સમયની સાથે તુંએ ફરી જશે 
ન્હોતી ખબર મળવુય તને સપનુ બની જશે 

લાગ્યું'તુ હમણાં જ થઇ'તી સવાર સંબંધની  
ન્હોતી ખબર સાંજ આટલી જલ્દી ઢળી જશે

વાદળ વાયદાના ઘેરાયા'તા કાળા ડીબાંગ 
ન્હોતી ખબર વરસ્યા વગર પાછા ફરી જશે 

જોયુ છતાં ના જોયું જે મેં કર્યું'તું ઘણું બધું 
ન્હોતી ખબર કે આંખના ગુને મન મરી જશે 

અજાણ્યાને કશી ફરિયાદ કરીનેય શું કરુ હવે?
ન્હોતી ખબર જે હતા અંગત અજાણ્યા બની જશે 
....દીપા સેવક. 



Friday 11 April 2014

વરસાદી સાંજ...

તારા સપના સંજોવતા સાંજે આંખ લાગી ગઈ 
વાદળોના ગરજાટથી હું ઝબકીને જાગી ગઈ 

આકરા એ ઉકળાટમાં અંતરનો ઉકળાટ ભળ્યો
વીજળી ચમકી વરસાદના એંધાણ આપી ગઈ

વરસાદી સાંજની આ એકલતા બહુ પજવે મને
બહાર ભીનુ ભીનુને અંતરની તરસ મારી ગઈ

હથેળીમાં પડતી બુંદમાં સ્પર્શ તારો અનુભવાય
વરસાદી વાછંટ તારો પ્યાર બની તારી ગઈ

લાગે ડોકાય તારા નૈન ડાળી બની બારીમાંથી
વ્યાકુળ મનને તારા ખયાલની ખુશ્બુ મહેકાવી ગઈ

દીપા સેવક.


Thursday 10 April 2014

સાંજના તું સ્હેજ ....

સાંજના તું સ્હેજ આંખોને અડી સરકી ગયો
એક આછા સ્પર્શથી રગરગ મહી ગરકી ગયો

આગમન તારું વિચારીને બિછાવું આંખ જ્યાં
તું બની સુગંધ ત્યાં સુના રસ્તે ફરકી ગયો

યાદના વાદળ જો ઘેરાયા હ્રદયના આંગણે
આંખમાં ઓજસ બની તું ધીમુ ત્યાં મરકી ગયો

સ્હેજ ગ્હેક્યો મોરલો તુજ નામનો સમી સાંજના
રાત એ ટહુકો પછી એક જ ઘુંટમાં ગરકી ગયો

ચાંદને તારા બની તુ ઝગમગે જો આભમાં  
રાતનો પાલવ તને સંકોરતા સરકી ગયો

સરકતા પાલવની ભીની એ કિનારી જોઇને
મુજ નસનસમાં તુ નૃત્યના રૂપે થરકી ગયો
(ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા )
....દીપા સેવક

Monday 7 April 2014

જો નથી આ પ્રેમ તો ...

જો નથી આ પ્રેમ તો આ ભાવનાને શું કહુ?
તુજ અવગણનાથી ઉઠતી વેદનાને શું કહું ?

આંખ બીછાવી રસ્તે તારા દિ'આખો તપ કરુ
કે ઝલક તારી મળે.... એ ખેવનાને શું કહું?

રાતના અંધારમાં જ્યાં આંસુ અજવાળા કરે
આંખમાં ઉગીને તુટતી એષણાને શું કહું?

સ્હેજ ફેકે કોક જો ટહુકો જ તારા નામનો
ત્યાં બદનમાં જાગતી ઉતેજનાને શું કહું?

શોર ભીતર છે સતત મારામાં તારી યાદનો
ચોતરફ પડઘાય એ સંવેદનાને શું કહું?

સાવ જુદો છે અનુભવ દિલને આ જે થાય છે
બસ તને  જે ચાહતી એ ચાહનાને શું કહું?

(ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા)

....દીપા સેવક 



  

Wednesday 2 April 2014

શું કરું?

સમજાશે નહિ કદી જેને,એને દિલનું દર્દ કહીને શું કરું?
ફેલાશે જ્યાં આંખનું કાજળ ત્યાં આગળ વધીને શું કરું?

હું છુપાવું દર્દ હાસ્યમાં ને એ આંસુમાં ખુશી છુપાવે છે
જે મહોરા ચડાવી બતાવે દર્પણ એને ઝંખીને શું કરું?

ઉજ્જડ અને વિરાન રાતો પર્યાય જિંદગીનો બને જ્યાં
ત્યાં ઝરમર વરસતી ચાંદની આંખોમાં આંજીને શું કરું?

રણની રેતમાં ના ખીલે મોગરા એ હકીકત જાણું છું હું
છે પથરાળ જમીન ત્યાં લીલી લાગણી રોપીને શું કરું?

દીવાનગી પર મારી ખડખડાટ હસતો જોયો હોય જેને 
એને આંસુના તોરણની દિવ્ય પવિત્રતા અર્પીને શું કરું?

...દીપા સેવક.

Tuesday 1 April 2014

યાદનું તરણું....

એક જણ સપનુ બની સતાવી ગયુ
ચૈનની ચિતા ઘડીમાં જલાવી ગયુ

એક માસુમ ઈચ્છાની અવેજમા એ
સર્વસ્વ લુંટી હૈયુ મારું ધખાવી ગયુ

આગ ઓઢી સુતેલી સળગતી રાતને
મુજ આંખમાં રોપી આગ લગાવી ગયુ

છે ચાંદની શીતલ તોય શે બાળે મને
કે કોઈ વિરહની વાંસળી બજાવી ગયુ

તારા ગણી શી રીતે વિતાવું રાત હવે
સ્મરણ એનું ત્યાય આતંક ફેલાવી ગયુ

મૃગજળ સરીખુ ભાસતુ એ જણ મને
હરણ જેવુ મન મારુ,રણને હંફાવી ગયુ

હા અધુરી લાગતી જિંદગી એના વગર
તોય એની યાદનું તરણું ભવ તરાવી ગયું

...દીપા સેવક