Thursday 30 June 2016

સર્જનની તૃપ્તિ...

મારી જ કવિતાને મનાવી શકતી નથી
જયારે હું શબ્દોને સજાવી શકતી નથી

સાગર ઉછળતા શબ્દના કાગળ પર છતાં
પ્યાસી કલમની તરસ છિપાવી શકતી નથી

કરુ વાત શું કાગળમાં ઘુંટાતા એહ્સાસની
કે લાગણી પરદો હટાવી શકતી નથી

કહુ આંખને કે ના વરસ બસ બહુ થયુ હવે
પણ આંસુનો ઉભરો શમાવી શકતી નથી

ઝંખે છે 'દીપા' થાય બસ સર્જનની તૃપ્તિ
જો ના મળે એ, કલમ ઉઠાવી શકતી નથી

...દીપા સેવક.

Thursday 23 June 2016

રાત...

આખો દિ' ધોમ ધખ્યા પછી ..
જયારે થાકેલો સુરજ 
સાંજનો પાલવ પકડી
ક્ષિતિજે ખોવાય..
ત્યારે..ધીમા પગલે..
આવતી એકલતાના શ્વાસ
રાહ જોતી સજનીને સ્પષ્ટ સંભળાય..
ત્યાં ગમતી આહટનો આભાસ થાય..
દિવસભરની થાકેલી આંખોમાં..
સાજન અંજાય..
ત્યાંચાંદનીના અજવાળે..
મંદ મંદ પવનના સથવારે 
આંગણની રાતરાણી મહેકી જાય..
પછી.. સોનેરી સપનાની બાથમાં..
બે પડછાયા ઝંપી જાય..
તેને જ તો રાત કહેવાય
..
..દીપા સેવક.

Friday 17 June 2016

લાગણીનો સુરજ..

તારાથી  વિખુટા પડ્યા પછી
અટકી ગયેલી જિંદગી..
જો શૂન્યતાની સાંજને ઓળંગે તો..
કદાચ.. થોડીક આગળ વધે.. 
જો તારી યાદોનો પડછાયો
સહેજ ઝાંખો પડે..
તો.. આગળ વધવાનો
કોઈ રસ્તો જડે..
પણ.. એ થશે નહિ..
કારણ..લાગણીનો સુરજ
એમ આસાનીથી થોડો ઢળે?
એ તો ધ્રૂવતારાનું રૂપ ધરી
સદીઓ સુધી ..
અંતરની ક્ષિતિજે ઝળહળે
    ..દીપા સેવક.