Thursday 28 July 2016

તારે નગર...

તારે નગર વરસાદ ને ભીંજાય મારું આંગણ
દિલ તારુ હો બેચૈન ને ભીંજાય મારી પાંપણ

વધતી ઇન્તેજારની ધડકન સમયના પગલે પગલે
સુરખી ભરી આ સાંજ બનતી આંખનું આંજણ

ચાતક સરીખી પ્યાસ ભડકે આખુ ભીતર સળગે
ઘેરાય અડધુ પડધુ જ્યાં આ આંખનું વૃંદાવન

છો રાતભર વ્હેતા બે કાંઠે ઝાંઝવાના ઝરણા
ભાંગે તરસ ભીતરની એવું ના મળ્યુ એક ઝરણ

અંતરના ઊનાળે મનહરણ રણમાં પરબ બાંધે
મટકી ફુટી તારા સ્મરણની કે છે ઝરમર શ્રાવણ

'દીપા' ઝુલે.. યાદોનો વરસાદી પવન ઝુલાવે 
કારીગરી કરતી કિસ્મત વરસે ને તરસાવે પણ

...દીપા સેવક. 

Tuesday 26 July 2016

બોલ કરીશ તું ?..

આ સાંજની શૂન્યતા 
આંખોમાં ઉતરે તે પહેલા 
પાછળથી આવી આંખ દાબીશ તું?
વાયદાની વેલ પર
ફૂટી તો છે અસંખ્ય કળીઓ 
એમા એકાદ બે ફૂલ
મારા નામે રાખીશ તું?
સપનાની સોડમાં સુતેલી જિંદગીને  
જરા હળવે હાથેથી બાથમાં લઈ
તારા હોઠોના પરવાળાથી પોંખીશ તું?
મારે ક્યાં તારા બધ્ધા 
અરમાનોની પાલખીમાં બેસવું છે
એકાદ બે સ્વપ્નય પુરા કરીશ
તોય હું ખુશ છું!!!
બોલ કરીશ તું ?
 ..દીપા સેવક.

Thursday 21 July 2016

મનગમતી સાંજ...

તારી હથેળીમાં હાથ મુક્યા પછી..
એક મનગમતી સાંજના ટહુક્યા પછી..
મનમાં મિલનની આગના પ્રગટ્યા પછી.. 
તારા સાનિધ્યને લૂટ્યા પછી..  
સાંજનો રંગ..
મારા ગાલ પર પથરાઈ ગયો.. 
ને મારી ઢળેલી પલકો પર.. 
ચમકતા ઇન્દ્રધનુષી અજવાળા જોઈ ને તો..
કાયમ ઇતરાતો પેલો..  
સંધ્યાનો આકાશી સુરજ પણ 
શરમાઈને વાદળ પાછળ સંતાઈ ગયો.. 
...દીપા સેવક.

મને પણ...

સોહામણી સાંજે..
સુરજને ક્ષિતિજમાં ઓગળતો જોઇ 
હાથ હાથમાં લઇ..
કેટલી સહજતાથી તે કહ્યું ..
સાંભળને ..
આ સંધ્યાના બાહુપાશમાં
ઓગળતા સુરજની જેમ જ 
મને પણ ઓગળવું ગમે તારામાં
..
ત્યાં જ. તારી આંખોમાં ઉતરેલી
એ સંધ્યાની સુરખી..
છવાઈ મારા ગાલ
પર..
સોનેરી અંધારામાં..
મને તારી કહેવાની એ રીત.
બહુ ગમી મને ...
સનમ તે ઘણુ ઘણુ કહી દીધુ
એક ઈશારામાં ..

...દીપા સેવક.

Wednesday 20 July 2016

અસ્તિત્વ..

જેમ પાણી બરફ ભીતર જીવવા માટે મથે
એમ મારું અસ્તિત્વ તારામાં છાનુ સળવળે

કેટલુ દિલને મનાવ્યુ તોય ના છોડે મમત 
માનતુ ના, આગ સાથે ખેલશે તો દાઝશે 

પ્રેમ જેવુ પારણુ ને યાદ લોરી ગાય પણ 
ઊંઘ જ્યાં વેરી બને ત્યાં સપન ક્યાં શોધ્યા જડે 

રણ સરીખી રાત છે ને મેઘછાયી આંખ પણ
પ્રીતના પારેવડા પીડાથી સ્હેજે ક્યાં ડરે?

લાગણી કે'વી નથી જરૂરી તો પણ કહુ છું તને  
એક તારો સાથ 'દીપા' જાન સાટે પણ ચહે
(ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા)

...દીપા સેવક.

Saturday 16 July 2016

निजात...

मुंद लू आँखे मै भी..
जो उसके खयालो से 
थोड़ी निजात मिल जाये.. 
जिसको ख्वाबोमे आने की
हमने दावत दे रक्खी  है..
पर क्या करे ..
जिसके शाने पर सर रखके
कभी सोया करते थे 
उसी जालीमने..आजकल.. 
मेरी नींदे ऊड़ा रक्खी  है
..दीपा सेवक.

Thursday 14 July 2016

તારુ સ્મરણ..

જેમ અમાસની મેઘલી રાતે
સદા અવગણાયેલુ 
આગિયાનું અસ્તિત્વ 
અચાનક નિખરે છે 
એમ જ..
વરસાદી રૂમાની રાતે
સદા ભીતર સંતાયેલું 
વિ:સ્મરણના વહેમથી અંજાયેલું
તારુ સ્મરણ..  
એકલતાના અડાબીડ જંગલમાં
સ્હેજ તારા નામનો પવન અડે ત્યાં..
અચાનક પ્રગટે છે.. 
પછી તું..મારા રોમેરોમથી નીતરે છે.. 
..દીપા સેવક.

અંગારા સ્વપ્નના ...

અડધી રાતે આંખો ખુલતા ભીતર ભડકે છે
જ્યાં બારીએથી આ ચાંદો આંખને વળગે છે

છે નહિ પાસે તોયે ચોપાસે તું છલકે છે
યાદમાં ઠંડી આહો ભરતા શ્વાસો સળગે છે 

દર્દની ખાલી ચડતી જો ખાલી સેજના સળને
શીતળતાથી દાઝેલા અરમાનો તડપે છે

આશાઓનું દર્પણ છે ઘણુ નાજુક તેથી તો 
નિરાશાની નાની તડથી અંતર કણસે છે  

ખાલીપાની ખોળ ચડાવી આવે સન્નાટો 
હાલત મારી દેખી શુન્યતા છાનુ મલકે છે 

આખી રાતની જાગેલી આંખે છેલ્લા પ્હોરમાં 
સપનાના સુતેલા સાપો, આળસ મરડે છે

'દીપા' દાઝે તોયે યાચે અંગારા સ્વપ્નના 
આંખોમાં ઉગતા એ સૂરજ તો જીવન અર્પે છે
...દીપા સેવક.  

Tuesday 12 July 2016

પ્રેમની બાજી...

પ્રેમની બાજી મેં તો..
બંધ આંખોએ જ રમી'તી યાર..
જાણતી હતી.. 
તે કર્યો છે પ્યાર..સમજીને વેપાર.. 
સોદો નુકશાનનો મેં કર્યો'તો જાણીને 
કે નફાની લાલચમાયે..
તું કદાચ નિભાવે પ્યાર.. 
ગીરવે રાખ્યું મારું ચૈન
કે મિલનની પળ મળે બેચાર.. 
મંજુર રાખ્યો લાંબી રાત જેવો ઇંતજાર 
કે કદી તો મળશે સોનેરી સવાર જેવો સાથ    
પણ ..તું તો પાક્કો વેપારી..
પ્રીતમાં પહેલેથી જ ..
રાખ્યો રોકડો વ્યવહાર
કહીને કે..
લાગણીના બજારમાં નથી ચાલતું ઉધાર ..
હું તો આવો જ છું.. હજુ..કરી લે વિચાર .
પણ ..હુંય ક્યાં પાછી પડું એમ..
મેંય કહી જ દીધું..
એમ વિચારીને થોડો થાય કઈ પ્યાર?
તું જેવો છે ..એવો જ મંજુર છે સરકાર..
...દીપા સેવક.

Thursday 7 July 2016

કોશિશ તો કરુ..

જે નથી એ માનવાની કોશિશ તો કરુ
સાંજને શણગારવાની કોશિશ તો કરું

રાતને આપી વિસામો આંખની ભીતર
તિમિર છેદી નાખવાની કોશિશ તો કરુ   

ભીતરી ભાવોને આપી ભાથુ ભક્તિનુ
માંહ્યલો ચમકાવવાની કોશિશ તો કરું

આશ લોરી ગાય ને નાચે ઈચ્છાઓ 
ભરમ આંજીને સુવાની કોશિશ તો કરું 

ખાતરી એવી નથી સ્વપ્ન સાચા પડશે 
તોય એને આંબવાની કોશિશ તો કરુ..
..દીપા સેવક.

Wednesday 6 July 2016

વળાંક!!!...

એમ તો કહે..
આટલી અધીરાઈ શાને?

નવલકથા વાંચવાની 
શરૂઆત કરતા પહેલા જ.. 
અંતને જોઈ લેવાની..
તારી આદત..
સ્હેજે સારી નથી..
મારુ માને તો..
કહાનીની સાચી મજા તો ..
અનુક્રમથી વાંચવામાં જ છે

જેમ જિંદગી.. ભવિષ્ય જાણ્યા વગર 
મેં કેટલીયે વાર્તાને..
જિંદગીની જેમ ..જ 
મધ્યાંતરે વળાંક લેતા જોઈ છે.. 
...દીપા સેવક.

Friday 1 July 2016

યાદના વાદળ ...

તારી યાદના જો વાદળ ઘેરાયા
તો મારી આંખે ચોમાસા વાવ્યા 

આછા અરમાની કિરણો રેલાયા
ત્યાં સપનાના મેઘધનુ સરજાયા

મન ગરજાટે અંજાતા ખ્વાબો પર 
જો રેશમ રેશમ અંધારા છાયા

ખીલ્યો ભ્રમણાનો આભાસી તડકો 
સ્મરણો સંગેમરમર સમ પથરાયા 

તું છલકાયો મારી આંખોમાં તો
જો એ જળ સઘળા મેં ભીતર રાખ્યા 

તું ત્યાં ભીજાયો વરસાદમાં ને અહિ 
'દીપા'ના શ્વાસો યાદમાં ભીંજાયા..
...દીપા સેવક.