Friday 28 March 2014

મૌનનો મહિમા ઘણો છે હજુ ...

 

ઘાયલ મારા દિલનો ખૂણો છે હજુ
છે સાથે તોયે દુર તું ઘણો છે હજુ

આંખોથી નજરનો ફાંસલો નથી
પણ દ્રષ્ટિમાં ભેદ બમણો છે હજુ

મેં કરી કાયમ પ્રેમની પુજા.. ને તને
નશો તારા અધિકાર તણો છે હજુ

મારે કઈ કેવું નથી એવું તો નથી
પણ ચુપ છું કે તું સમજણો છે હજુ

આડું બોલી વાત બગાડવા કરતા
માન્યું મૌનનો મહિમા ઘણો છે હજુ

....દીપા સેવક

Thursday 27 March 2014

ઈશની કૃપાદ્રષ્ટિ ...

 

 

ભલે છે દેવ પથ્થરના બધા માંથું નમાવે છે
ચરણમાં એમના શ્રદ્ધા તણા દીપક જલાવે છે

જગતમાં હોય છોને સર્વત્ર પરચાઓ તણો વૈભવ
ભક્તિ મારી મને વિશ્વાસથી ભરપુર બનાવે છે   .

નથી કરવી પરીક્ષા જ્યાં કરું વિશ્વાસની વાતો
સુમન શ્રદ્ધા તણા મનને બહુ મજબુત બનાવે છે

કરી અવહેલના ખુદની જગતમાં વટ પડ્યો જાણે
મનખ એવા કપટથી ઈશ નહી ખુદને છલાવે છે

સદા કરજે કૃપાદ્રષ્ટિ અરજ મુજ  એટલી બસ છે
કૃપા તારી જ મુજ મનમાં દિવ્ય જ્યોતિ જલાવે છે

(લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા)
.....દીપા સેવક.

Wednesday 26 March 2014

વેદના કદી માપી તો જો ...

 
મારો બની મારી વેદના કદી માપી તો જો
મુજ હ્રદયના દર્દને તુજ હૃદયે રાખી તો જો

વિસ્તાર તારી નજરનું આભ મારી આંખ સુધી
દર્દ મારુ તારા હૃદયને ક્ષણભર આપી તો જો

નદી નહિ.. આંખો તારી દરિયો થઇ છલકશે
મારી જેમ ઝખમને છાતીસરસા ચાંપી તો જો


તારી તરસ આ આંખમાં આંસુ બની વિસ્તરી
ડૂબશે તું રણમાં,મારી આંખમાં ઝાંખી તો જો

છીપે જો તારી તરસ હું આંસુના જામ મોકલું
બળી જશે હોઠ આંસુ હસીને પચાવી તો જો

પડી છે તિરાડો દિલમાં તારા અઠંગ મૌનથી
શબ્દોનું લીપણ કરી નવું રૂપ આપી તો જો

વહે જો લાગણીના પુર ના રોક વહેવા દે એને
હું સમયને રોકી લઈશ તું એકવાર આવી તો જો

પૂછી જો થશે દિલ તારું પણ સહેમત મારી સાથે
દિમાગને છોડી કોક'દી દિલનું રાજ સ્થાપી તો જો
દીપા સેવક.

Sunday 23 March 2014

ભૂલી મને તું ખુશ છે....

ભૂલી મને તું ખુશ છે.....  સારું થયું 
જાણી હકીકત મારું મન હલકું થયું 

જુદાઈમાં અમથું નિસાસા નાખતું 
મનઆંગણું મારું હવે ચોખ્ખું થયું 

તારા વગર સુના રસ્તા લાગે બધા 
પણ ખુશ છુ કે સુરીલું જગ તારું થયું

તારી ખુશીમાં શોધતી હું મુજ ખુશી
તુંજ  સ્મિતથી મુજ ઘેર અજવાળું થયું   

નો'તી મને આશા કદી એવું થશે
છે રાત ને ઝળહળતું ઘર મારું થયું 
(ગાગાલગા ગાગાલગા ગાગાલગા)
....દીપા સેવક.

Thursday 20 March 2014

બનીને પ્રેમનો પારસ...

બનીને પ્રેમનો પારસ,તું સ્પર્શ્યા કર મને
બની જઉં હું હેમ અછડતું અડક્યા કર મને

મનમાં કસક ઘણી પણ શરમ છે આંખમાં
આઝાદી મળે આ કેદથી તું મળ્યા કર મને

તારી એક નજરથી મન મહેકી જશે પળમાં
અમૃતભરી નજરથી બસ નિહાળ્યા કર મને

મનમાં ભરેલો મેહ મન મુકીને વરસાવ તું 
સહેજે ના'રે તરસ્યું ભીતર, ભીંજવ્યા કર મને 

ઝળહળ થયા દિનરાત મારા તારા સાથથી
તું સંગાથની રોશનીથી અજવાળ્યાં કર મને

જરા વિચારું હું તને ને તું ચોતરફ ઘેરી વળે
ચાહું આમ જ પ્રેમપાશથી જકડયા કર મને

કંગન,વીંટી,ઝાંઝર,ઝુમ્મર,સઘળું તારો સ્નેહ
નિરંતર એજ આભુષણથી સજાવ્યા કર મને

આપી દઉં ગગનના ચાંદને તારી હથેળીમાં
જોઇને અરીસો મનમાં તું સંભાર્યા કર મને

હવાની લેરખી કાનમાં ભેદ છાનો ખોલી ગઈ
તું ફક્ત મારો છે તો.. તારી કહી બોલાવ્યા કર મને

....દીપા સેવક   
      
 

Tuesday 18 March 2014

જો સાંભળો તમેં....

આંખ બોલે છે ઘણું જો સાંભળો તમેં
મૌન પડઘે છે ઘણું જો સાંભળો તમે

પડછાયાનો મેળોને,સાંજનો સુનકાર
રહસ્ય ખોલે છે ઘણું જો સાંભળો તમે

તમારા વગરની સાંજનું ઉદાસ આભ
ઇશારાથી કે'છે ઘણું જો સાંભળો તમે

સંધ્યાના આંગણે છે સળગતું એકાંત
એ ડુસકા ભરે છે ઘણું જો સાંભળો તમે

સુની પથારીએ બારી બારનું આકાશ
તીણું ટપકે છે ઘણું જો સાંભળો તમે

બીડેલી આંખ સાથે સ્વપ્નનો સંવાદ
એ રાતે રણકે છે ઘણું જો સાંભળો તમે

ગીત ગાતી ઝંખનાને વેદનાનો નાચ
અહી દર્દ કણસે છે ઘણું જો સાંભળો તમે

કોઈ ગુંઢ રહસ્ય નથી જાહેર છે એ વાત
કે ખાલીપણું ખખડે છે ઘણું જો સાંભળો તમે
...દીપા સેવક.

Monday 17 March 2014

આપ છો....

ચાહ મારી,રાહ મારી આપ છો
આશ મારી,પ્યાસ ભારી આપ છો

વગર માંગે મેળવેલી જે દુઆ
પ્રીતની સોગાત પ્યારી આપ છો

હું બહેકી જે નજરના જામથી
એ નશીલી નેણઝારી આપ છો

પ્રેમનો અનુભવ મને જેના થકી
અંતરની ભીની કિનારી આપ છો

તાર દિલના રણઝણે જે નજરથી
સુરમયી સીતાર મારી આપ છો

ચાંદનીની ચમક છે જે ચેહરે
ખાસ જેથી રાત સારી આપ છો

આંખ રાતી છે રતજગા પ્રીતના
લોકછાની વાત પ્યારી આપ છો

(ગાલગાગા ગાલગાગા ગાલગા)
દીપા સેવક.

અંતરના સાદને ...

અંતરના સાદને કો'તો ક્યાં સુધી અવગણશો તમે
ક્યારેક તો એ વેદનાથી થોડુંઘણું પીગળશો તમે

રહેવું છે હૃદયમાં આપના પણ દર્દ કોઈ દેવું નથી
બનીશ હું મીઠું સંભારણું જો ખુશીથી સંઘરશો તમે

પ્રીત મારી વાદળ નથી કે વરસીને વિખેરાઈ જશે
સુગંધ બનશે શ્વાસની જો હૃદયમાં ઉછેરશો તમે

ચાંદ નથી આકાશનો પણ અજવાળા હું પાથરીશ
અંધારી રાતે જો કદી મનમાં પણ સંભારશો તમે

તમારી યાદના સાથમાં ઉજળો લાગે આ અંધાર મને
આવુ પ્રેમનું પાગલપણું નિર્લેપ રહી શું જાણશો તમે ?
...દીપા સેવક

Sunday 9 March 2014

એક સપનું ......

એક સપનું આંખથી છટકી ગયું
પાંપણોની આડમાં અટકી ગયું

જે વફાની કસમ ખાતુ'તું સદા
કોલ આપી હાથ એ ઝટકી ગયું

આગિયા સમ આંખમાં ચમક્યું જરા
ચાંદનું બસ સ્હેજમાં ફટકી ગયું

રાત યાદો સારતી આંસુ રહી
ભેજ ઓશીકું બધો ગટકી ગયું

રોજ ઉગ્યું આંખમાં સૂરજ બની
આથમીને ત્યાજ બસ બટકી ગયું

કેસરી અજવાળુ આંખોમાં ઉગ્યું   
જે સવારે જોઈ તને મટકી ગયું

સાથ માંગ્યો જો સદા સાથે રહે
આંખ મારી, છેતરી છટકી ગયું

જાણતી'તી જુઠ સપનાનું છતાં
ભાન મારું ભાવમાં ભટકી ગયું..દીપા સેવક
(ગાલગાગા ગાલગાગા ગાલગા)

Friday 7 March 2014

ઘાત ...

ઊંઘ લપસી સપનાની સેવાળથી
જેમ લપસે મન વિચારોના ભારથી

પ્રીતનું પાનું ફરફર્યું હવાની ઝોકથી
આંખના જળ ખળભળ્યા મારથી

આંખમાં આવી ફસાયું જો પતંગીયું
પાંખ ભીની સળગી ખારી ઝાળથી

હતી રાતરાણી જવાનીના જોશમાં
રાત છટકી ના શકી લીસી જાળથી

રાતભર થાકી ગઈ નીચોવી આંખને 
તોય ચાંદની જીતી ના શકી સવારથી 

બની પડછાયો સૂરજનો જીવી ગઈ
ઓગળ્યો અહં ચાંદનીનો હારથી

ઘાત સપનાની હો કે પછી સંબંધની
કોણ બચી શક્યું છે કાળના વારથી?
.....દીપા સેવક 

Monday 3 March 2014

પડછાયો પે'રાતો નથી....

ઉનાળાની બપોરે કાઈ ટાઢો વાયરો વાતો નથી
થાક લાગે તાપનો તોય પડછાયો પે'રાતો નથી

લગામ જેના હાથમાં કાબુ ઘોડા પર તેનો જ રહે
પાછળ બેસી ડચકારા દઈને ઘોડો હંકાતો નથી

હોય હરણનો આત્મા ભલેને પ્યાસ પણ હરણની
તોય મૃગજળની ઝારી ભરી જામ પીવાતો નથી

તારી આંખોમાં ઉતરેલા રણમાં ભૂલી પડું તોયે શું
રણના રે'વાસીની તરસનો દરિયો સુકાતો નથી

સલાહ સાચી મળે સદા એવું તો ક્યાં બને છે અહી?
દોરાહે ભીતરી સમજ વિના રસ્તો સમજાતો નથી

સફરના નકશા જોઇ લેવાથી મુકામ નથી મળતા,
તો મક્કમતાથી ચાલનારને રોકી શકાતો નથી

હોય રસ્તા મુશ્કેલ તોય એને અચૂક મળે મંજીલ
એકલા ચાલવાથી જેનો જીવડો ગભરાતો નથી

....દીપા સેવક.