Tuesday 27 November 2012

તારું નામ

 
મને હતું કે જીવનનો દરિયો આસાનીથી તરી જવાશે
ક્યાં એવું કોઈ છે જીવનમાં જે ના હોય તો મરી જવાશે
પછી મિલન તારું થયુંને જિંદગી પળમાં પલટાઈ ગઈ
પુર ઉમટયા પ્રેમના લાગ્યું કે એમાં અવશપણે વહી જવાશે
નક્કી કર્યું કે સાવ ચુપ રહી તમાશો જિંદગીનો જોયા કરીશ
પણ તું જો આંખ મિલાવી આંખમાં પૂછશે તો બધું કહી જવાશે
અંદાજ બધા ખોટા પડ્યા જોશીએ જે હાથ જોઇને ભાખ્યા હતા
પણ તારી હસ્તરેખા ભળશે મારા હાથમાં તો બધું સહી જવાશે
એટલું અનિવાર્ય તો નહતું શ્વાસ લેવાનુંય લાગતું પહેલા, પણ હવે
ખાતરી છે કે આખરી શ્વાસે નામ તારું લઈશ તોય જીવી જવાશે
By Deepa Sevak

Friday 23 November 2012

સાથી તારી બેરુખી..


સાથી તારી બેરુખી મને જરીયે જંપવા દેતી નથી
ને એક તારી યાદ છે, કદી એકલી પડવા દેતી નથી

આકાશ તારી આંખનું પણ લાગે છે ઘણું ઘેરાયેલું
અહમની આંધી હજુ વાદળને વરસવા દેતી નથી

વેલી બનીને વીટળાઈ જવું છે મારે તો તારા દેહથી
સંકોચની શેવાળ પ્રેમવેલીને પાંગરવા દેતી નથી
 
રોકી લઉં છું પ્રેમની અગનઝાળ હાથ આડો રાખીને
ખેલો છો તમે પણ આગથી તોય દાઝવા દેતી નથી
 
વણઝાર સપનાઓની આવી રાતનું દ્વાર ખખડાવતી
ઉલેચીને ઊંઘ આંખમાંથી હું સપનાને જીતવા દેતી નથી
 
દિલની વ્યથાને શોધવા લોકો આંસુ મારા શોધ્યા કરે
આંસુ હાસ્યમાં છુપાવું છું  કોઈને જાણવા દેતી નથી
 
વાયદો સદા સાથનો એકવાર દઈ દે હાથમાં હાથ દઈ
જોઈએ જગતની રીત પછી પ્રીતના છોડને જામવા દેતી નથી
By Deepa Sevak

Thursday 22 November 2012

તારી યાદ ...

રોજ દિલના બારણે તારી યાદ ટકોરા મારે છે
કંકુ ચોખા મૂકી પ્રેમથી તારા મૌનને આવકારે છે

બંધ પાંપણે બાંધુ છતાં આંસુની નદી રોકાતી નથી
સ્મૃતિઓના વહાણ કોણ મનના કિનારે લંગારે છે

જો સંધ્યાની લાલી સુરજની વિદાયમાં ઉદાસ છે
રાત ઉદાસ છે કે,ચાંદનો વિરહ નક્કી સવારે છે   

રાતની નદી પાર કરું હું રોજ સપનાની નાવ લઇ
નીંદરની રાની પકડીને હાથ રોજ પાર ઉતારે છે

બીજાની શું ફરિયાદ કરું મન મારું હિસાબ માંગે છે
કે સુખ દુઃખના સરવૈયા સૌ કાઢે ક્યાં આધારે છે

દર્પણમાં દેખાય જે પ્રતિબિંબ મારું નથી લાગતું
તારા વગર તો મારું અસ્તિત્વ પણ મને નકારે છે

નજીક આવીને સનમ અનુભવી જો મારા શ્વાસને
દિલની હર ધડકન એક તાલે તારું નામ પોકારે છે

હરરોજ ચાહું કે લખું નવી ગઝલ તારા નામ પર
પણ કાગળને કરું તૈયાર ત્યાં કલમ શબ્દ નકારે છે

મારું કવન હવે તારા હાથમાં આવીને લખાવ તું
બસ એક તારી દાદ અહી મારા માટે એક હજારે છે
દીપા સેવક.

Wednesday 14 November 2012

શુળ તારા સ્મરણની....

 



શુળ તારા સ્મરણની વાગે છે તોયે મીઠી લાગે છે
તું વહાલો છે માટે તારું આપેલું દર્દ પણ મીઠું લાગે છે

જયારે જગત આખું પોઢતું સુખેથી ઘેરી નીંદરમાં
તારો પ્રેમ સપનાને શોધતો ઊંઘમાં પણ જાગે છે

પહેલા તો એકાંત હું માણતી તારી યાદના મેળે
પણ હવેતો ભરી ભીડમાં પણ મને એકલું લાગે છે

અસર છે પ્રેમની કે દઈ મીઠાશ ખરીદે ખારાશને
અર્પણ કરીને જાતને જુઓ નદી દરિયાને માંગે છે

માછલી છું મીઠા જળની પડી દરિયે તો શું થયું?
દર્દની કરી છે દોસ્તી પછી દુઃખ ક્યાં સંતાપે છે?

કેમ કરીનેય હું સમયની ચાલને રોકી શકતી નથી
પળને પકડ્યા છતા સમયતો એની ગતિથી ભાગે છે

હું મિલનની આશના તારાને ખરવા દેતી નથી
ઉર્મિઓના આકાશમાં રોજ ગીત નવા વાગે છે
By Deepa Sevak

Wednesday 7 November 2012

હૃદયના બંધિયાર કુવામાં


                                                        
હૃદયના બંધિયાર કુવામાં
પથ્થર તું નાખેને
સરજાતા લાગણીના વલય
મને ડુબાડે આખી ને આખી
હવે સમજાયું કે કેવી રીતે
પ્રેમમાં મર્યા પછી અમર થવાય છે
અને મર્યા પછી
કોઈના હૃદયમાં કેવી રીતે જીવાય છે
 
 
By Deepa Sevak

માંગું છું

                                   Photo: Hansin Kii Raah Mein Gum Milein To Kya Karein
Wafaa Kii Raah Mein Bewafaa Mile To Kya Karein
Kaise Bachaayein Zindaagi Ko Dhokebazon Se
Koi Muskura Ke Dhoka De To Kya Karein
હું ક્યાં આખું આભ માંગું છું
કે ક્યાં આભનો ચાંદ માંગું છું
સદા રહે તારો હાથ હાથમાં બસ એટલી સોગાત માંગું છુ
મનના મોહને વાદળ કરી લઉં
મન મૂકી તારી પર વરસી લઉં
સાંગોપાંગ ભીંજવે તને બસ એવો વરસાદ માંગું છુ
મન ભરીને તને મળી લઉં
નજરમાં તને કેદ કરી લઉં
જુદાઈમાં બંધ આંખે જોઈ લઉં બસ સદા તારો સાથ માંગું છું
By Deepa Sevak