Wednesday 30 July 2014

મૌનના પડઘા (2)

તુજ મૌનના જો એટલા પડઘા પડે
કે મુજ અસંખ્ય બોલ ત્યાં પાછા પડે

જ્યાં રાતરાણી સ્હેજ શાખે સળવળે
પ્હેરી પવન ત્યાં યાદના પગલા પડે

તારા સપન જ્યાં સ્હેજ પાંપણને અડે
ત્યાં મેઘધનુના રંગ પણ આછા પડે

સપને હસે તું સ્હેજ જગ ચમકી ઉઠે
ત્યાં વીજળીના તેજ પણ ઝાંખા પડે

આમ જ કરી આખુ હૃદય તે સર કર્યું
કે આંખમાં તારા જ પડછાયા પડે

(ગાગાલગા  ગાગાલગા ગાગાલગા)
....દીપા સેવક 


મૌનના પડઘા ....

તુજ મૌનના જો એટલા પડઘા પડે
કે મુજ અસંખ્ય બોલ ત્યાં પાછા પડે

વરસે વિરહમાં રોજ યાદો સાંજથી
ભીતર સુધી એ ધારથી છાલા પડે

ચાંદ એવી આગ ઓકે આભથી કે
અંગાર સમ એ ડામના ચાઠા પડે

છે બળતરા ભીતર તડપ છે આંખમાં
ભીતરના ઝખમની આંખમાં છાયા પડે

ભૂલી તને એ વ્હેમને શાતા વળે
જો પ્રીતના સ્મરણ ઉપર પડદા પડે
...દીપા સેવક

તારો અહેસાસ...

આંખોથી અંતર સુધી પહોચવાની છે આ વાત
તાગ મનનો લગાવશે તું કદી મને એવી આશ

મારી આંખોમાં ઉભરાતા આ સપનાની સોડમાં
સજન મને તો થાય છે સતત તારો અહેસાસ

મારા સપનાની આંખમાં તારી તસ્વીર જોઈ
પછી એના નશામાં સવાર સુધી ઝૂમે છે રાત ..

મંદ મંદ મધમાતી રાતરાણી તડપાવે ઓરડે
જયારે મારી બારીએથી ડોકિયા કરે પારિજાત

મારી જાત મને ચાંદનીનો પડછાયો લાગતી
જે તારા  વિરહમાં થોડુ થોડુ કપાતી રોજ રાત

તારી યાદોના અજવાળે આ રોશન અંધારાની
જો મારી તરસમાં ચાતક સમ ચમકે છે આંખ ..

હવે તો.. સજન મારા સુરજ બનીને તું આવ
કે થાય મારી અંધારી રાતોનું કાયમી પ્રભાત

...દીપા સેવક.



Friday 25 July 2014

પાનખરના પાન ...

જીવવાની લાલચે કદી લલચાવ્યા નથી
એજ કારણ છે કે હાલતે હજુ હરાવ્યા નથી

હજુએ સૂર્ય સામે તાકવાની હામ છે આંખમાં
હા અહં ભરેલી આંખ સામે અમે ફાવ્યા નથી

વીતેલો યુગ આંજણ બનીને રહે છે આંખમાં
એટલે મોતિયાવાળી આંખોએ સતાવ્યા નથી

નજર ભલે ધૂંધળી થઇ પણ દ્રષ્ટિ સાફ છે હજુ
માટે જ છલભરી વાતોએ ભરમાવ્યા નથી  

કદાચ ઝળહળ રોશનીની આડે અંધારુ હશે
પણ અંધારાના આતંકે હજુ ગભરાવ્યા નથી

હા પાનખરના પાન છીએ પીળા ભલે થયા
પણ ખરવાના ડરે હજુ પગ થથરાવ્યા નથી

....દીપા સેવક


Tuesday 22 July 2014

મન આંગણે ...

મન આંગણે
રાતરાણી મહેકી
તારી પ્રીતની

આંખે ઉતરી
સ્વપ્નની લીલોતરી
ધોળે દિવસે

સંવેદનાની
વહેતી નદી બન્યુ
મારું હૃદય

બન્યું મંદિર
મારુ મન જયારથી
ત્યાં તને સ્થાપ્યો

જીવન બન્યું
જો સ્વર્ગનો પર્યાય
તને પામીને

..દીપા સેવક 



Monday 7 July 2014

સંબંધ...

થઇ ગયા છે બરડ પણ હજુ બટક્યા નથી
ખોટા લાગે છે સંબંધ પણ હજુ ખટક્યા નથી

પતંગીયાની પાંખના રંગ લાગે કાચા ભલે
આંગળી અડ્યા પછી પણ હજુ ફટક્યા નથી

ચાલે તો છે હજુ, ભલે વેન્ટીલેટર પર ચાલે છે
પડ્યા છે શ્વાસ ધીમા પણ હજુ છટક્યા નથી

પાનખરના પગલા આંગણે ભલે વરતાય છે    
પણ વસંતના પગ કબરમાં હજુ લટક્યા નથી  

સમયના તડકે તપીને સુકાઈ તો છે ડાળીઓ
પણ મુળિયા શ્વાસ લે છે હજુ અટક્યા નથી

ફૂટશે નવી કુંપળો ત્યાં જરા લાગણી સીંચ્યે
કે માટીએ મૂળના હાથને હજુ ઝટક્યા નથી

...દીપા સેવક.



Thursday 3 July 2014

સતત રહે છે શ્વાસમાં તું ...

સતત રહે છે શ્વાસમાં તું એય કઈ ઓછુ નથી
તારા હોવા ના હોવાથી દિલને હવે કઠતુ નથી

નજર સામે નથી ભલે ..આંખમાં તું હોય છે
દિલમાં રહે એનું સામે હોવું જરૂરી હોતું નથી

એક આભાસી છબીને ચાહવાની છે આદત
શ્રદ્ધા હોય ત્યાં સાક્ષાત્કારનું વજન પડતુ નથી 

મનનું માની અજાણી રાહ પર ડગ માંડ્યા પછી
જગતનું કોઈ બંધન પ્રીતને કદી નડતુ નથી

શબ્દદેહે ચાહું છું તને,સદા કલમથી અડતી રહું
આલિંગન દઉં આંખથી તો એય કઈ ઓછુ નથી

જો ઈશ્વરની આરાધના હૃદયથી કરવી પડે   
તો પ્રેમનું મોલ મારે મન ઈશ્વરથી ઓછું નથી

 ...દીપા સેવક.