Friday 10 November 2017

મારુ સરનામુ..

એય સંભાળને..તને જ કહુ છું ...
તું ભલે કરે ઇનકાર પણ
તારી જાણ બહાર..
હું હજુ તારામાં રહું છું ..સાચ્ચે ..
સાચી લાગણીઓને કઈ ફૂટપટ્ટીથી..
માપવી નથી પડતી..
હા..સાબિતીઓ પ્રેમની રોજેરોજ..
આપવી નથી પડતી..
સુગંધને ક્યાં કહેવું પડે કે..
ફૂલ છે મારુ સરનામુ..
એમ જ.. તારી આંખ પર પણ ..
તકતી રાખવી નથી પડતી..

...દીપા સેવક.

Wednesday 8 November 2017

પીછાણ ...

તું નખથી માથા સુધી પીછાણે છે મને
તોયે સવાલોના ડુંગર જયારે ખડક્યા કરે
અવિશ્વાસની એરણે
પ્રીતના પારેવાની પાંખો માપ્યા કરે
તને શું ખબર
એ રૂખી નજરના વારથી
બચવાની કોશિશમાં
ત્યારે તો..
તરફડતું..સહેમતું
ભીતરનું ઘાયલ પંખી
મૌનના પિંજરે પુરાય
પણ પછી..
રાતભર બેખબર
જવાબોના જંગલમાં ભટક્યા કરે
તોયે રસ્તો ના જડે.. ત્યારે
આંખોમાં ઉતરેલા અંધારાને
નાથવા એનુ રોમેરોમ જંગે ચડે..
ને ત્યારથી સવાર સુધી..
તું તીણુ આંખોથી ટપક્યા કરે..
કાશ આ વાતની
ઓશીકાની કોરની
સાથે સાથે
તને પણ થોડીઘણી ખબર પડે..
તું નખથી માથા સુધી પીછાણે છે મને
એ સાચું છે?
કે..કદાચ એવો વહેમ જ છે મને..
...દીપા સેવક.

Friday 29 September 2017

તરસ ...

તારા વગરની સાંજમાં
યાદના પડછાયા તળે
અંધારુ ટોળે વળે..
રાતનો પગરવ સાંભળી
બેચેનીની બાથમાં
સન્નાટો સોળે કળાએ ખીલે..
એકલતાનો હાથ પકડી
હળવે હળવે ચોર પગલે
ખાલીપો ઘર સર કરે..
શબ્દોના અબોલા જોઈ
અજંપો આળસ મરડી ઉભો થાય
ને મૌન મારું હીબકે ચડે..
ત્યાં તો..
ભીતરનો ભરમ સાદ કરે..
ને અચાનક વાદળ
ઓઠેથી છુપાયેલો ચાંદ પ્રગટે
એમ..મારામાં સચવાયેલો તું ચમકે..
પછી..તો સવાર સુધી..
.હું ને રાત બેઉ લથબથ..
તારાપણાથી..ભીંજાવાની તરસે..
..દીપા સેવક.

Wednesday 16 August 2017

સુનામી આંખમાં...

એક સપનુ સળવળે છે આંખમાં.
ને પછી, આવે સુનામી આંખમાં.

આંખ તારી સાંજને શરમાવતી,
કૈક તો ખૂંચ્યા કરે છે આંખમાં.

સળ પથારીના પૂછે છે શ્વાસને,
ઓરતા શાને તું આંજે આંખમાં?

યાદ રોશન થાય ભીતર જ્યાં જરા,
ત્યાં તો ખાલીપો કરે ઘર આંખમાં.

તીક્ષ્ણ નખથી ખોતરે ખાલીપણુ,
ઉઝરડા એના છે રાતી આંખમાં.

જ્યાં ઉલેચે રાત અશ્રુ અહેસાસનાં,
ત્યાં છલોછલ દર્દ છલકે આંખમાં.

દુર કોઈ જાય છે સમજાય ત્યાં,  
સર્દ લાવા ખળભળે છે આંખમાં.

પ્યાસને 'દીપા' જન્મોથી સાચવે,
એથી રણ દેખાય એની આંખમાં.
(ગાલગાગા ગાલગાગા ગાલગા)
...દીપા સેવક.


Tuesday 25 July 2017

સાબિતિ...


માનવાની વાતની સાબિતિઓ ધરતી નથી
"હું તને ચાહું છું"ની માળા હવે કરતી નથી

છો ને સુખચેન ખોવાયું તને ચાહ્યા પછી
દર્દની દોલત મળી છે એ કદી ખુટતી નથી

ઝંખના તુજ સાથની મીંચે ના આંખો એકપળ
ભોગ એના, ઊંઘ અરમાનોની પણ ઉડતી નથી

મેં કરી છે વાવણી વિશ્વાસની દિલથી સતત
પણ શું કરું કે એક હાથે તો તાલી પડતી નથી

આભ જેવું ઊંચુ તારી માન્યતાનું નાક છો!!
આંખ મારી પણ ધરાથી ઓછુ ખમતી નથી

એહસાસી ઓઢણી ઓઢ્યા પછી તુજ પ્રેમની
આ જગતના તાપથી દીપા જરી ડરતી નથી
(ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા)

...દીપા સેવક.

Friday 12 May 2017

ઝાંઝવા રોપીને...

ઝાંઝવા રોપીને આંખોમાં અમે ના ફાવ્યા 
એટલે આંખોના રણમાં સપન ભીના વાવ્યા

હાથ પકડી રાતનો જ્યાં રાતરાણી બ્હેકી
ત્યાં જ બેચેનીના નાગે જો ફેણ ફેલાવ્યા

શોધ મીઠા વીરડાની કરતુ'તુ મન રાત'દિ
પામવા'તા જળ ને કુવા તરસના છલકાવ્યા

વાયદાની વાવમાં વાવી ઉધારની આશા 
વેદનાના સળગતા સૂર્યને ત્યાં ઠારી આવ્યા 

લાગણીના કોડ પુરવા દર્દ પ્હેરી નાચ્યા 
ને લડાવી લાડ આંખને અશ્રુ અમે છુપાવ્યા     

જ્યાં અમે ચાહ્યા પકવવા મૃગજળમાં મોતી 
ત્યાં અમારે હાથ ઠાલા છીપલાય ન આવ્યા 

છે 'દિપા'ના દિલનો એ ખૂણો હજુએ ખાલી
તું ગયો જ્યાંથી.. પછી પડઘાના ઘા અપનાવ્યા 
...દીપા સેવક.  

Thursday 27 April 2017

તરબતર...

હવા તને મળીને આવી લાગે છે 
તેથી જ થોડી પ્રેમભીની લાગે છે

અમથા નથી સંધ્યાના ગાલ રાતા 
સુરજે છાનીમાની ચૂમી લાગે છે

મહેકે છે શ્વાસ જાણે છાંટ્યું અત્તર 
આ અસર તારા વિચારોની લાગે છે

મારી સામે ઝંખવાણી રાતરાણી
તે જ મનોમન મને સંભારી લાગે છે 

વરસ્યા વગર જો ભીંજવે છે ભીતર
યાદની હેલી જાદુ જાણતી લાગે છે

'દીપા' તરબતર તારી પ્રીતની ધારે
સાથ તારો ઈશની મ્હેરબાની લાગે છે
...દીપા સેવક. 
  
  



Monday 17 April 2017

અવગણનાનો આસવ...

તું એક નજર પણ ના નાખે..
મારી તરફ તોય...
મને કોઈ ફર્ક હવે પડતો નથી...
તને ચાહવાનો જ નશો છે એટલો કે..
તારી અવગણનાનો આસવ...
ચિક્કાર પીધા પછીય..જોને..
હવે સહેજેય મને ચડતો નથી
.
...દીપા સેવક.

Thursday 13 April 2017

યાદોનો ઊનાળો...

વારે વારે આંખોને પરસેવો વળતો
જયારે યાદોનો ઊનાળો જોર પકડતો

જ્યાં જુદાઇનો વૈશાખી તડકો તાડુકે
ત્યાં રોમેરોમ સળગતો ઉકળાટ વળગતો

જ્યાં રાતપડે સપનાના વાદળ ઘેરાતા 
ત્યાં તારી એક ઝલકને મનમોર તરસતો 

તારા હોઠે ઝબકેલી વીજના ચમકારે
અંધ પ્રણય મિલનના મોતી પોરવતો

કાળી રાતના ભીષણ અંધારા પર જાણે
ટમટમતો એક જ આગિયો ભારે પડતો

જ્યાં અરમાની શ્રાવણ ગરજે, તરસે ભીતર, 
ત્યાં ગોરંભેલો તું મુશળધાર વરસતો

'દીપા' ક્યાં સુધી ખ્યાલી પુલાવ પકવશે?
માની લે, પકડાશે નહિ આ સમય સરકતો
 (ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા)

Tuesday 11 April 2017

અંતર ...

હવે ના પૂછીશ કે..
આપણી દુરીથી..
મને કોઈ અંતર પડે છે?
અરે..અંતરથી અંતર મળે
પછી..જોજનોના અંતર પણ...
ક્યાં નડે છે?
"હું તને ચાહુ છું"
માળા નથી કરવી પડતી મારે..
સાંભળી જો...
તું ..મારામાં ધડકે છે
તું જ.. મારા મૌનમાં રણકે છે
તું જ.. મારી આંખમાં પડઘે છે
તું જ..હવાનો હાથ પકડી..
સતત મારામાં ભળે છે ..
હવે તને ખબર પડી..
મારા શ્વાસને..
ઓક્સીજન કયાંથી મળે છે?
હવે ના પૂછીશ..
આસપાસ તું નથી તો..
તારો અભાવ મને સાલે છે?
આ હરીભરી એકલતામાં..
તારી યાદથી ચાલે છે ...

...દીપા સેવક.

Friday 7 April 2017

આંખમાં બે...

આંખમાં બે સાથે જ રહેતા હોય છે
આંસુ સાથે સપના વ્હેતા હોય છે

હા, અશ્રુઓ પણ દર્પણ જેવા હોય છે
સુણો તો ઈતિહાસ કહેતા હોય છે

સાંજપડે ત્યાં એકલતાની મ્હેફિલે
ખાલીપાના ઘણ ઉમટેલા હોય છે

કે શૂન્યતાએ શણગારેલી સેજ પર
દર્દ પલાંઠી મારી બેઠા હોય છે

તૂટેલ તરાપો ને પુર છાતી સમા
ઉપરથી શ્વાસો પ્હાણા જેવા હોય છે

તોડી બંને કાંઠા વ્હેતી રાત છો,
પણ પરભાતી કિનારા છેટા હોય છે

'દીપા' ત્યાં હો ખુલાસો શું કામ જ્યાં
અભણ નયન ને કાન ભણેલા હોય છે
(ગાગાગાગા ગાગાગાગા ગાલગા)

દીપા સેવક.

Wednesday 29 March 2017

પાગલપણું..

જો તો ખરો.. 
મારી પ્રીતનું પાગલપણું..
ખબર છે કે.. 
હૃદય રણ છે તારું..
તોય હસીને સ્વીકારું છું..
તરસ વ્હાલી કરી છે મેં..
સુષ્કતા છાતીએ વળગાડુ છું..
બસ એજ આશાએ કે
બસ તું એકવાર નજર મિલાવે...
પછી શું?
અરે...જાણે છે?..
ઝાંઝવાની નદીમાંય
કમળ ઉગાડવાનું હુનર હું રાખુ છું..
...દીપા સેવક.

Tuesday 28 March 2017

જિંદગીનો પર્યાય તું ..

જિંદગીનો પર્યાય તું,
કોઈ શક નથી મને એ વાતમાં.. 
કે અસ્તિત્વ મારું શૂન્ય ભાસે, 
એટલો વણાઈ ગયો છે તું શ્વાસમાં.. 
હા..જીવવું મુશ્કેલ તારા વગર ને.. 
જીવ ઝીણું તરફડે સાથમાં ..
હું માછલી મીઠા જળની ને.. 
તું દરિયો લઇ ફરે આંખમાં..
..દીપા સેવક.

Monday 27 March 2017

એટલે શું?...

તે પૂછ્યું..મૌન એટલે શું?
મેં કહ્યું...બે હોઠ વચ્ચે ખખડતું ખાલીપણુ..
તે પૂછ્યું .. ખાલીપો એટલે શું? ... 
મેં કહ્યું... સુકાઈ ગયેલી નદીનું ખળખળવુ...
તે પૂછ્યું..એકલતા એટલે શું ?
મેં કહ્યું...તું સાથે હોવા છતાં મારું સુનુ પડવું.. 
તે પૂછ્યું ..ઝુરાપો એટલે શું ?
મેં કહ્યું.. પંખીનું છતી પાંખે ખુલ્લા આકાશને અવગણવુ..
તે પૂછ્યું..અપેક્ષા એટલે શું ?
મેં કહ્યું ...નદી કિનારે તરસથી તરફડવું 
તે પૂછ્યું.. શૂન્યતાનું સરનામુ શું?
મેં કહ્યું.. તારા વગર સુનુ પડેલુ મારુ હૈયુ ... દીપા સેવક.

સપનુ...

એક સપનુ
જો સર્યું આંખથી તો
અંગારો બન્યું..

દડ્યું આંખથી 
જ્યાં જ્યાં અડ્યું ત્યાં બળ્યું  
ફોડલા પડ્યા..  

ઈલાજ નથી 
ઉના ખારા સ્પર્શનો 
ચરે ઘણુ.. 

જો તું સ્પર્શે તો 
કદાચ દર્દ ઘટે  
પ્રેમ સ્પર્શથી.. 

બંધ આંખે જે 
કરતુ રાજ દિલે 
તે જ છળી ગ્યુ..

ખુલી જો આંખ 
ઘડીમાં તુટ્યો ભ્રમ 
પ્રભાત થયું...
....દીપા સેવક

Wednesday 22 March 2017

ઉપલબ્ધી...

મારે મન ઉપલબ્ધી એટલે..
એકલતાના ઠારથી 
થીજેલી લાગણીઓને 
તને પામવાની..
આશાનું અર્ધ્ય ધરી.. 
ઇચ્છાઓના ઉગતા સૂર્યને 
છાતી સરસો ચાંપી.. 
જીવન ઉષ્માનું આલિંગન પામવુ..

મારે મન ઉપલબ્ધી એટલે
તારા સ્મરણના 
મખમલી મોસમના બારણે 
અંતરમાં ઉઠતા આવેગના તાલ પર
નાચતી ઉર્મિઓના ઉદરમાં 
તું ફક્ત મારો હોવાના
નવજાત અહેસાસનું ગર્ભસ્થ થવુ.. 

મારે મન સાચી ઉપલબ્ધી એટલે
મારા અસ્તિત્વની આહુતિને 
તારા જીવનરૂપી યજ્ઞકુંડમાં હોમીને..
રાખ થયા પછી પણ..
તારા સાનિધ્યની સોડમમાં..
સાચા દેવત્વને અનુભવવું ...

...દીપા સેવક.

Monday 20 March 2017

યાદોના સૂરજ..

શૂન્યતાની સવારને..
જ્યાં એકાંતનું આભ..
વ્હાલથી સમાવી લે બાથમાં 
ત્યા...તારી યાદોના સો સો સૂરજ..
એક સાથે અચાનક પ્રગટે છે આંખમાં...
પછી.. ભીતર સરજાય છે..
સપનામઢી સોનેરી ક્ષિતિજ ... 
આપણા મિલનની..ને..ફેલાય છે.. 
વાદળ વગરનું ખુલ્લું આકાશ 
મારી ઉછરતી પાંખમાં..
..દીપા સેવક.

Tuesday 14 March 2017

વિરહી રાત...

આ રાતનો પાલવ..
તારી યાદોથી ભીંજાયો તો..
થોડો રંગીન થયો .. 
બાકી..
અંધારુ ઓઢીને બેઠેલી
આ વિરહી રાત..
વિધવાની આંખ જેવી..
ગમગીન લાગતી હતી... દીપા સેવક.

Thursday 9 March 2017

ગુલાબની વ્યથા...

આજે એક ગુલાબને મેં ..
હસતા હસતા વિખરતું જોયું
જયારે.. એક શખ્શ..
એને હાથમાં લઈ..
આંખ બંધ કરી..
એક એક પાંખડી તોડી..
પુછતો હતો..
એ મને ચાહે છે ?...એક તરફ
એ મને નથી ચાહતી ...બીજી તરફ
ધીરે ધીરે એક ગુલાબ...
ગુલાબની પાંખડીઓ બની ગયું..
તોય એ પાંખડીઓમાં મને
ખડખડાટ હાસ્ય દેખાયું
મને નવાઈ લાગી..
મેં એને પુછ્યું..અરે..શું થયું ?
આવા દર્દમાંયે આ હાસ્ય ? ના સમજાયું..
તો કહે.. લોકો ય કેવા પાગલ છે
તેને કોઈક ચાહે છે કે નહિ
એની મને કે મારી પાંખડીઓને શું ખબર
તે મને પૂછે છે ..
આમ મનમાં ને મનમાં મુંઝાયા વગર
જેને પુછવાનું હોય એને પૂછને..ભાઈ !
તો કંઈક સાચો જવાબેય મળે...
નાહકનું મને વીંખી નાખ્યું
હજુ થોડું બાકી હતું જીવન મારું..
વિના કારણ પીંખી નાખ્યું!!!
બસ એની એ મુર્ખામી પર મારે ..
આમ તો રડવું જ હતું...
પણ પછી ખડખડાટ હસી નાખ્યું...
...દીપા સેવક.

Thursday 2 March 2017

એ આશાએ ...

તું વાંચશે કદીક મન મારુ 
એ જ આશાએ..
તારા માટે લખેલ ઊર્મિકાવ્યો 
તારી આંખો પર લખેલી ગઝલો
તારા હોઠો પર રચાયેલા હાઇકુ
તારા સ્પર્શથી સુગંધિત ગીતો  
તારા વગરની સાંજના સોનેટ
તારા પ્રેમની પુરક નઝમો
તારા સાથના સપનાની ડાયરી   
તારી સામે ફરિયાદની શાયરી 
એવા તો કઇ કેટલાય કાગળ છે
તને લખેલા..જે હજુ પરબીડિયે બંધ
મારા ટેબલના ખાનામાં પડ્યા છે
એ આશાએ કે..
તું..ક્યારેક તો વાંચી જ લઈશને..
મન મારુ.. જે દર્પણ છે તારુ..
દીપા સેવક

Thursday 16 February 2017

હું આગિયા સમ...

માન્યું કે ઝળહળતો તારો છે સિતારો
પણ રાત પર થોડો તો હક છે ને મારો?

ચોધાર આંસુ પાડે અંધારુ પણ ત્યાં
જ્યાં આંગણે દીવો લાગે ઓલવાતો

છો રાત કાળીભમ,પણ હું આગિયા સમ
ચમકું છો આછું પણ છું ઉજળો તિખારો

થીજી ગયા જ્યાં સાતે પડ લાગણીના
ત્યાં નહિ દુખે છોને દુખતી રગ દબાવો 

ને ઉઝરડાશે થોડું, ઘણુ ચચરશે ત્યાં 
બંધનના શ્વાસો જ્યાં સંવેદન ભર્યા હો

ખંડેર સમ જીવવુ જો મંજુર નથી તો.. 
થા તું સમયના એ મારનો તોડનારો

છે ગાઢ નાતો શબ્દ સાથે એટલેસ્તો 
જો મૌન આલિંગે,તો.. થાતો મુઝારો

અઘરું છે ટકવું અહિ પણ ટકશે એ બેશક 
'દીપા' છો નાજુક, ને.. મારો એકધારો

...દીપા સેવક.



Tuesday 14 February 2017

યાદોનો જલસો...

એકાંતમાં યાદોનો જલસો ભરાતો
આંખોમાં આવી જયારે તું પોરસાતો

આંખોમાં આંજી ઝળહળ ઊજાગરાને
મન મારુ ચમકાવે છે તારા વિચારો

મળવા તને કરુ હું ઉંઘની આરતી પણ
રોકે છે અહિ પણ તું આવી માર્ગ મારો

રોજે જ આ શ્વાસો પડછાયે પુરાતા
સપના છે કે અરમાનોનો અટકચાળો

અડતો નથી તોયે આખી રાત બાળે
આ ચાંદ પણ થઇ ગ્યો છે જો નઠારો

છે સ્પર્શ તારો જીવતિ જાગતિ ગઝલ ને
કવિતાઓ કરતો તારી આંખનો ઉલાળો

દીપાના દિલમાં સદંતર છે રટણ તારુ
કે.. છે નશો તારા ઈશ્કનો સાવ ન્યારો
...દીપા સેવક

Friday 3 February 2017

ઋતુચક્ર...

આખા જગતમાં છે ત્રણ મોસમનો ધારો
હર ઋતુનો આવે અહિ વારા ફરતિ વારો

બદલાવ ના આવે,પણ મારી દશામાં
કે એકધારો છે, મુજ ભીતર ઉનાળો

ચોમાસુ, હા..મારી આંખે કર્યું વહાલું
તોયે આ અંતરનો દવ ના ઓલવાતો

ઈતિહાસ આ આંસુનો વાંચી જુઓ તો
દરિયાનો પણ ત્યાં આવી જાશે કિનારો

પણ ગ્યા છે ફાટી સંબંધના હાથપગ, હો..
હા,લાગણીઓ પર તો આવ્યો શિયાળો

'દીપા'નું દિલ પણ ઋતુચક્રને કાશ માને
ને, ખાસ પળ પુરતો બસ રાખે ઉનાળો

છે એમ તો આજુબાજુ બધુ બરોબર
બસ આંસુ સારે છે ભગ્ન વિશ્વાસ મારો

...દીપા સેવક.

Monday 30 January 2017

ઇંતજાર..

આ સાંજના આગોશમાં
સુરજ સમાયો જરા ત્યાં..
આંગણું..
આશાના અજવાળા પાથરી.. 
ચોતરફ વેરાયેલી..
મારા ઇંતજારની ક્ષણોને..
સમેટવા લાગી પડ્યું..
અને હું..
ત્યાં ઉભી ઉભી..
હમણાં જ..
માળામાં પાછા ફરેલા પંખીને..
આશાભરી નજરે તાકી રહી..
... દીપા સેવક

Friday 27 January 2017

હું ક્યાં કહુ છું કે...

હું ક્યાં કહુ છું કે તું બસ ચાહ મને,
પણ.. કમને તો ના અપનાવ મને.

સાંકળ બાંધી સ્વાર્થી સંબંધોની,
ના આઝાદ ગણાવી સમજાવ મને.

સ્વીકાર્યું પીંજરનું પારેવુ બનવુ,
પણ, પાંખો કાપી ના તડપાવ મને.

સાગર તારે બનવું હો તો બન ને,
પણ રણ સાથે તો ના સરખાવ મને.

વ્હેતી સરિતા છું હું, વ્હેવા દે ને,
ના ખાબોચીયુ સાવ ગણાવ મને.

ઓળખ ને દિલ તું ખોટા બંધનને,  
એને સાચા સમજી ના ભરમાવ મને..
...દીપા સેવક.

Wednesday 25 January 2017

તારુ સ્મરણ...3

જયારે..
શિશિરની સાંજ 
ચસોચસ બંધ બારી બારણાને વળોટી
મારા ઓરડે સાંગોપાંગ ઉતરે છે..
ત્યારે...
એકલતાની આડઅસર કહો કે..
ખાલીપાનો ઠાર..
પણ..આખુ એકાંત થથરે છે  
ત્યાં જ..તારુ સ્મરણ, 
રેશમી રજાઈનું આવરણ થઇ 
મને ચોતરફથી વીંટળે છે..
એથી ભીતર વિસ્તરતી શૂન્યતાને 
થોડી હુંફ મળે છે..
ને..ઉજાગરાની આંખેય  
થોડો થોડો પરસેવો વળે છે
ત્યાં જ નીંદરને સાંકડો
પણ.. સીધો માર્ગ જડે છે    
પછી.. સપનાની હુંફ આંજી..
આખ્ખી રાત તું આંખોને વળગે છે.. 
એટલે તો ..
સવારે સુરજનો સ્પર્શ મને 
તારા જેવો જ ..
જાણીતો અને હુંફાળો લાગે છે ...
...દીપા સેવક.

Friday 13 January 2017

તારું સ્મરણ.. 2

જયારે ..
દિવસભરનો થાક 
એકલતાની આડ લઇ 
તનબદન મારું તોડે છે..
ત્યારે.. 
સાંજની સોનેરી છાંવમાં 
તારા વિરહનો
આસવ પીને જરા બહેકુ છું..
પછી..
તારા સ્મરણની છાતી પર માથુ મૂકી
રાતભર.. તારી સુગંધથી મહેકુ છું..
..દીપા સેવક.

તારું સ્મરણ.. 

તારી જુદાઈના વિરોધમાં 
દિલ અને દિમાગ વચ્ચે 
ભડકી ઉઠેલા રમખાણ બાદ.. 
મન સુધી જવાના બધા મુખ્ય માર્ગ પર 
મક્કમતાનો પહેરો મૂકી,  
તારા સ્મરણની યાતાયાત પર 
નિષેધ લાધ્યા છતાં..  
એકલતાની સાંકડી ગલીમાં
જાતને સંકોરી પ્રવેશ્યા પછી..
અચાનક કદ ફેલાવે છે તારું સ્મરણ..
ને ગણતરીની પળોમાં
મન પર સામ્રાજ્ય સ્થાપી..
હવે સતત..અવિરત..
આતંક ફેલાવે છે તારું સ્મરણ ..
..દીપા સેવક.

Wednesday 4 January 2017

અવગણનાની શુળ...

એકદમ ખુલી ગઈ આંખો,
તારી અવગણનાની શુળથી..
પાછલી રાતનો પાલવ પછી,
ખરડાયો સપનાના ખુનથી..
પાંદડાં પણ ઘાયલ થયા,
જ્યાં જ્યાં સ્પર્શ ઝાકળના થયા..
સુરજની આંખથી તણખો ઝર્યો
શાયદ ના સ્હેવાયો ફૂલથી..
..દીપા સેવક.