Wednesday 31 December 2014

કોશિશ....

કોશિશ તો કરુ ભલે તૂટે નહિ
દિવાલ મૌનની છે મનની નહિ

દિલમાં રહે એજ દિલ જાણી શકે
કોઈ પરાયુ જખમ જાણે નહિ

નારાજગી તો જરા અમથી હતી
એવું તો ન્હોતુ કે એ માને નહિ 

જો ટાંકણી ફુગ્ગો ના ફોડી શકે
કાઢે હવા એય કઈ ઓછુ નહિ

ગુનો ગણીને તમે આપી સજા
બાકી પ્રણય કોઈ ભુલ છે તો નહિ

લાગે એ ભીતરની ભ્રમણા તો ભલે
છે શ્વાસ બસ ત્યાં સુધી ભાંગે નહિ 
(ગાગાલગા ગાલગાગા ગાલગા)
...દીપા સેવક.


Thursday 18 December 2014

સ્પર્શ ...

એવું નથી કે કાયમ સુંવાળો સ્પર્શ જ સુખ આપે
મને તો ...
જયારે કરીને વાત કોઈની તું ભરમમાં નાખે 
જયારે આંખો રાખી બીજી તરફ..
તું નિશાન મારી તરફ તાકે.. 
તારી એ ઉટપટાંગ વાતોમાંયે..
રેશમી પ્રેમ નીતરતો લાગે..
મને સતાવતો તું મને વધુ નટખટ લાગે 

મારી પોતાને માટે બેકાળજી જોઈ ..
તું આંખ કાઢે તોયે મને તો હોઠ મલકતાં લાગે.. 
તારી એ નારાજગીનો નશો ભીતર સુધી વ્યાપે.. 
તારા ગુસ્સામાં છુપાયેલો કાળજીનો સ્પર્શ સુખ આપે.. 
સાજન મને તું હર રૂપમાં સજીલો લાગે

તારી થોડી ખરબચડી પણ..
હુંફાળી હથેળી રેશમથી વધુ સુવાળી લાગે
રેશમી રજાઈની સોડ કરતા..
તારી સોડમાં મને વધુ હુંફ લાગે..
તારી બેદિવસની વધેલી દાઢીનો સ્પર્શ પણ રેશમી લાગે
તારા રુષ્ક હોઠનો સ્પર્શ ફૂલથી મુલાયમ લાગે
સાજન તારા સંગમાં મને સ્વર્ગનું સુખ મળ્યુ લાગે ...
...દીપા સેવક.

Wednesday 17 December 2014

પ્રણય છે એથી ...

પ્રણય છે એથી બધુ સહન કરી લઉં છું
સુખના પલ્લે દુઃખનું વજન કરી લઉં છું

છે રણ સરીખી રાત તોય અશ્રુ વેરી
સીંચી સપન, લીલું ચમન કરી લઉં છું

આંખોમાં આવી ઝાંઝવા સજળ થઇ ગ્યા
લાગે તરસ તો.. આચમન કરી લઉં છું

જો ટેરવે આવી તરસ એ ભીતરની
તો ઘુંટ ભરી શબદના શમન કરી લઉં છું

લાગે રુઝાવા જો ઝખમ કદી જુના 
તો ખોતરી એનું,જતન કરી લઉં છું

દેખી મને તુજ આંખમાં જો વાંચુ વિસ્મય
તો હુંય ત્યાં આડા નયન કરી લઉં છું  

જો વાત આવે માનતાની તુજ કાજે
તો કાજ બધુ હું મન કમન કરી લઉં છું
(ગાગાલગા ગાગાલગા લગાગાગા)
....દીપા સેવક.

Saturday 6 December 2014

વાદળ વગરના વરસાદ....

સપનાની ચોરી ના થાય એટલે પાંપણ સીવું છું   
બાકી આમ તો હું આંખ ખુલ્લી રાખીને જ સુવું છું

નાકાબંધી છતાં વિચારોની ઘુસપેઠ નથી ટળતી 
બાકી હું તો પહેરેદારી બહુ વફાદારીથી નીભવું છું 

છે અરમાનની હેરાફેરી એટલે વસ્તી જેવું લાગે 
બાકી આમ તો સુના શહેરની સડક જેવું જ જીવું છું 

છે તરસના પાતાળકુવા ભીતર એટલે ખૂટતી નથી 
બાકી આમ તો જો આંસુના દરિયા હું રોજ પીવુ છું

વાદળ વગરના વરસાદની વાતોથી રોજ પલળું 
એટલે તો જો આભાસી સૂર્યના તડકે જાત સુકવું છું

...દીપા સેવક. 

Friday 5 December 2014

મૃગજળમાં મ્હોરેલા મોતી....

આ ગઝલ નથી અંતરના અરમાન ટેરવેથી ટપકે છે
જો શબ્દોના નગરમાં ઝંખનાઓ આંધળોપાટો રમે છે 

અધુરી ઈચ્છાની છીપમાં સમેટાયેલા એ સ્વાતિબિંદુ 
મૃગજળમાં મ્હોરેલા મોતી છે એટલે બમણા ચમકે છે

ઝગમગતા મૃગજળ કાયમ ચમકે પાણીથી બેહતર
એથી તો એને પામવા જીવનભર આ જીવ ભટકે છે 

મૃગજળના અસંખ્ય ઝરણા ફુટી નીકળે છે આંખમાં 
જ્યાં તારો અહેસાસ અમસ્તો મારા અંતરને અડકે છે

ભરી મહેફિલમાં શૂન્યતા આલિંગનમાં લે છે અચનાક 
જયારે પડછાયો તારો એકાએક મારી ભીતર પ્રગટે છે 

મારામાં સમાયેલો તું મને અજાણે પછી તારામાં સમાવે 
ને મીરાની જેમ મારોય જીવ એ તારી જ્યોતમાં ભળે છે
  ...દીપા સેવક.

Tuesday 2 December 2014

ચિંગારી...

અજાણી પીડાનો ભાર જયારે વળગે છે 
ત્યારે મન વરસતી મોસમમાંય તરસે છે 

ભરશિયાળે હવામાં ભળ્યો વરસાદી ભેજ 
લાગે છે કોઈ વિરહણની આંખો વરસે છે 

કોક હૃદય ઘેરાયુ છે સ્મરણની આંધીથી
કમોસમી વાદળ એથી આટલા ગરજે છે 

ભૂલા પડેલ ભાવ તડપે છે એકાંતવનમાં      
વીજળીના ચમકારે ત્યાં દાવાનળ ભડકે છે   

ક્યાંક ચિંગારી જેમ ચંપાયા છે વરસાદી બુંદ
કે ભીની સુગંધથી કોક સાંગોપાંગ સળગે છે 
...દીપા સેવક. 

Monday 1 December 2014

શબ્દોનું આકાશ..

મારા લખેલા શબ્દોમાં..
આજે હું જ ગૂંચવાઉ છું..
ઉછીનું આકાશ..
વધતી જતી પ્યાસ..
મસમોટી છલાંગ..
અધખુલ્લી પાંખ..
ડરનો આભાસ..
ઘગઘગતી લાગણી.
થીજેલી જાત..
વહેતા વારિ જેવો વિશ્વાસ..
ખરતા પીછા જેવો અહેસાસ..
પણ..મને એવું કેમ લાગે છે કે..
આ શબ્દોનું આકાશ..
ફેલાયું છે તારી જ આસપાસ...

....દીપા સેવક