Tuesday 20 December 2016

તને ખબર છે..ને.???!!!!

હું જાણું છું... 
તને રોજે રોજ ..
'I LOVE YOU' 
કહેવું જરૂરી નથી 
પણ ..તોયે કહું છું ..
બસ જાણે અજાણે કહેતી રહું છું..
અને તું.. ફક્ત એટલુ જ કહે.. 
હું જાણું છું ..
પછી.. વેરાતુ એક મુક્ત હાસ્ય...
ત્યાં... ના કહેવાયેલું ઘણુ બધુ..
હું સાંભળી લઉં છું..
ગોરંભાયેલ પ્રીતનો ગડગડાટ
લાગણીનો ભીનો વરસાદ..
આંખમાં મોસમી મસ્તીનો મલકાટ
તું મારો હોવાનો મખમલી અહેસાસ..
સાચ્ચે..કહેવું જરૂરી તો નથી 
પણ ..તોયે કહું છું ..
વહેતી નદીને જેમ કિનારાનો 
મને પણ એવો જ.. તારો સાથ...
એય..તને ખબર છે..ને.???!!!!

...દીપા સેવક.
 


Monday 14 November 2016

એષણાના આસોપાલવ...

એય..સાંભળને...
વિવાદમાં પડજે પછી..

મારે મન તો ..
લીલાછમ જ રહેશે..
આ એષણાના આસોપાલવ .. 
તો શું થયું કે
કિસ્મત આપણી રહી..
નદીના બે કિનારા સમી.. 

હું ક્યાં કહું છું કે..
કાયમ ઝૂરતા રહેવાનું.. 

આપણે તો હવે.. 
સદા વહેતા રહેવાનું..
એકબીજાની આંખમાં..
સ્વપ્નનું કુંદન બની ..
ભાવભીનુ સ્પંદન બની..
સ્મરણનું ઝરણ બની..
જીવવાનું કારણ બની ..
સાચ્ચે....!!!!
...દીપા સેવક.

Thursday 10 November 2016

તને પામવાની ઈચ્છા ...

તને પામવાની ઈચ્છા 
એટલે...
એક ઘૂંઘવતા સાગરને
આંખોમાં બંધ કરી
જન્મોની તરસને
ઘૂંટડે ઘૂંટડે પીવાની  ઈચ્છા 

તને પામવાની ઈચ્છા 
એટલે.. 
દુન્વયી વિડંબણાઓના 
ધસમસતા પ્રવાહમાં 
સામા વ્હેણે તરવાની 
તાકાત કેળવી 
હેમખેમ
સામે પાર ઉતરવાની ઈચ્છા 

તને પામવાની ઈચ્છા 
એટલે ..  
વર્ષોથી ખોવાયેલા..
મારા અસ્તિત્વને શોધી.. 
મને મારામાં ભેળવવાની ઈચ્છા ... 

...દીપા સેવક.

Thursday 3 November 2016

આંખોથી તું...

આંખોથી તું અમથુ અડક્યો 
મુજ ભીતર દાવાનળ સળગ્યો

તારી નજરનો એક જ તણખો 
અડતા ભારેલો દવ ભડક્યો 

વાતો તારી આંખો કરતી 
છો તું મુછમાં મોઘમ મરક્યો

છે સમજું ધડકન મારી પણ  
ના રે' વશમાં, જ્યાં તું ઝલક્યો  

ત્રાંસી નજરના તોરણ બાંધી 
ઊભેલો તું જાણે વળગ્યો

વરસાદી મોસમમાં અંતર
ઝૂમતુ જાણે આસવ વરસ્યો 

"દીપા"ના દિલની તું ધડકન 
રક્ત બની તું રગરગ છલક્યો
...દીપા સેવક. 

Wednesday 26 October 2016

ક્ષિતિજના સ્પર્શ..

જ્યાં સાંજ આવી આંગણે દસ્તક જરી દે છે
ત્યાં યાદની સુગંધ શ્વાસ અત્તર કરી દે છે

છે આગવી આભા ક્ષિતિજના સ્પર્શની એથી
સામેથી સંધ્યા ગાલ પોતાના ધરી દે છે

આ રાતરાણીના તડપતા શ્વાસના સોગન  
જો ડંખ તારી યાદના પાગલ કરી દે છે     

લાગે તો છે ભીતરનો આ દવ બ્હાર ફેલાયો 
છે રાખ તોયે આંખ સપનાથી ભરી દે છે 

જ્યાં સૂર્ય પડછાયો બનીને આંગણું લીપે 
એ ઘરમાં તો અજવાળુ સ્વયં ભૂઃ જનમ લે છે

દીપાએ શણગારી ગઝલ સન્માનમાં જેના 
એ ટેરવેથી ટપકતા શબ્દને સોનુ કરી દે છે
...દીપા સેવક.  

Tuesday 18 October 2016

જિંદગી શાને...

જિંદગી શાને મને આવુ સતાવે છે?
જે નથી તકદીરમાં તું શેં ગમાડે છે?

એજ સપનું આંખને સૌથી વહાલું શેં?
આવતા સાથે જે મારી ઉંઘ ઉડાડે છે

ખ્વાબ  મારી આંખમાં આવી ભુલે રસ્તો
યાદ આવી દ્વાર જયારે ખટખટાવે છે

એક અલગારી હઠી સાધુ છે બેચેની   
સાદ પાડે યાદ ત્યાં ડેરો જમાવે છે

મૌન જેવા રૂપમાં આવી મને મળતુ
શબ્દ પણ એ જોઇને આંખો ઝુકાવે છે

છે કલમનો સાથ મુજને એટલે જીતુ
નહિ તો જીવન ધૈર્ય કાયમ આજમાવે છે 

આંસુ સૌ 'દીપા' છુપાવે હાસ્યની પાછળ 
દર્દ ઢોળી ગઝલમાં એ રંગ લાવે  છે
...દીપા સેવક.    

Tuesday 11 October 2016

વિશ્વાસની વેદના...

આરઝૂના હાંફતા શ્વાસોમાં રૂંધાઇ ગયા
હકિકતના શહેરમાં સપના ખોવાઈ ગયા

ધીમા પણ મક્કમ પગલે ચાલવાના ઓરતા 
હાથ તે ઝાટક્યો ત્યાં હવામાં હોમાઈ ગયા 

જાણે એવું તો શું જોયુ મેં તારી આંખમાં
ઓળખાણના બધા મતલબ ભુલાઈ ગયા 

માંગણી મેં ક્યાં કરી'તી આખા આભની કે  
બારમાસી મેઘના સરનામા બદલાઈ ગયા

કોણ સમજી શકશે હવે વિશ્વાસની વેદના 
જ્યાં હાથથી આંગળા જાતે જ કપાઈ ગયા

જંગ છેડી છે 'દીપા'એ જાત સાથે જોશથી 
હારશે નહિ, ભલે હથિયાર ધોખો દઇ ગયા 
...દીપા સેવક.
    

Wednesday 5 October 2016

તારું સાનિધ્ય...

કેમ કહું કે ...
તું દુર છે મારાથી
કારણ ..
હાથ લંબાવું ને કલમ ઉઠાવું ત્યાં..
તારો સ્પર્શ મહેસુસ થાય છે..
કાગળમાં તારો જ ચહેરો દેખાય છે..
જે કવિતા રચાય છે..
એના શબ્દોમાં તું પડઘાય છે
એની લીટીએ
લીટીએ..
તારું સાનિધ્ય અનુભવાય છે
કે તારી દુરીનો અહેસાસ
મને ક્યાં થાય છે?
જેમ દિલમાં ધડકન..
એમ જ...
તું સતત મારામાં પડઘાય છે..

  ....દીપા સેવક.  

Friday 30 September 2016

યાદોના સુરજ...

ભલે થઇ સંધ્યાકાળ તો પણ..
તું યાદોના સુરજ આથમશે
એવી ઠગારી આશા ના કર..
એ તો રે'વાના આખી રાત ઝળહળ
પાડ આદત હવે..
ખુલ્લી આંખે સુવાની,
રોશન અંધારા પીવાની..
ઓગળશે શૂન્યતાની સરહદ..
બસ તું..
પ્રીતના અજવાળાથી ના ડર..
...દીપા સેવક.

ચાહના...

તું મળે કે ના મળે પણ ચાહના છે
સાથ તારો પામવાની ઝંખના છે 

મારુ મન પણ હરણથી કમ તો નથી જો  
સંગ તારો છો ચળકતા ઝાંઝવા છે 

એક પળનો સંગ મારે મન સદી છે 
એ સદીમાં ગુમ થવાની ખેવના છે

એકધારી ધાર પણ સરજે તબાહી, 
વ્હાલ પણ હદથી વધુ હો તો સજા છે

સાંજને પણ સળગવાનો શ્રાપ જાણે
આ પ્રતીક્ષા પણ અનોખી વેદના છે

અંગ લાગુ હું સળગતી સાંજને કે
આગ સાથે ખેલવાની પણ મજા છે

આજ 'દીપા' ગઝલનો પકડીને પાલવ
નીકળી છે માપવા ખુદના ગજા ને .. 

...દીપા સેવક. 

ઓક્સિજન...

એવું નથી કે..
મને જીંદગીમાં કઇ ઓછું પડે છે ..
પણ.. તારા વગર જીવવુ..
જરા અઘરુ પડે છે..  
જયારે દુન્વયી સંબધોના ઓકાયેલ
કાર્બનડાયોક્સાઈડથી ગૂંગળાઉ છું ત્યારે 
તારી સાથે વહેચાયેલી ક્ષણો...
મારા જીવનમાં..
ઓક્સિજનનું કામ કરે છે...
...દીપા સેવક.


Friday 23 September 2016

આછો..પણ છે તો સુરજ ..

ચોમાસાના આકાશે ..
લાગે છે આછો..
પણ છે તો સુરજ ..
ભલે છે વાદળની ઓઠે ..

પણ છે તો સુરજ ..
આછો સ્પર્શે છે ભલે પણ.. 
એથી ઉજાશ ક્યાં ઓછો છે? 
એમ જ ..
અસ્તિત્વ મારું પણ..
ઉજળું છે તારા થકી ..
હું એ ઝળહળુ છું...
જયારે ..
મારામાં છુપાયેલ તું..

મને વિચારોથી ફંફોસે છે..
લાગણીની ઝરમર પછી
મારામાં મ્હોરે છે..

..દીપા સેવક.

Wednesday 21 September 2016

ઉછીના શ્વાસ...

તું જે અટકળ સમજે છે ને,એ મારો વિશ્વાસ છે
કેટલીયે ડૂબતી ધારણાઓના ઉછીના શ્વાસ છે

આંખ બદલાતા સંબંધની બદલે વ્યવહાર પણ
એક વાર્તા નહિ, એવો તો આખો ઈતિહાસ છે   

વ્હેમના વાવેતર જ્યાં, વ્હેરાય વિશ્વાસ બેધારથી 
પ્રેમ પાછલે બારણે ત્યાંથી ભાગવામાં ઉસ્તાદ છે  

ચામડી ઉતરડાય તોય કાંચળી દંભની ઉતારી જો    
પ્હેર ભીતરી ઉજાસ,એજ તારો સાચો લિબાસ છે

ગીત, ગઝલને કવિતા એમ તો શબ્દના છે સંતાન
પણ ઉછેરમાં એના સંવેદનાનો હાથ બહુ ખાસ છે

આ જે 'દીપા'ના ટેરવે ઝગમગ ચાંદ તારા ઝળહળે 
બીજુ કઇ નથી એ બસ થોડા સળગતા અહેસાસ છે 
...દીપા સેવક.   


Friday 16 September 2016

સાક્ષરતા...

ખાલી તપેલામાં..
પાણીનું આંધણ મૂકી..
મા એ જ્યાં આંખ લુછી...
સ્ટ્રીટલાઈટ ના અજવાળે
ચોપડી વાંચતા દીકરાએ 
મા
ની આંખ પણ વાંચી લીધી 
અને કહ્યુ..
મા.. આજે તો સ્કુલમાં મિજબાની હતી
મને જરાયે ભૂખ નથી 

  ....દીપા સેવક.

Thursday 15 September 2016

अहेसास नहीं बदल सकते...

हम अगर  चाहे भी तो तुज से जुड़े अहेसास नहीं बदल सकते
प्यार को कोई और नाम भले दे दो जजबात नहीं बदल सकते

तू समाया है मुजमे कितना अपने आप से ही पूछ ले दिलबर
तेरे ना कहे देने भर से दिल से तेरे तालुकात नहीं बदल सकते

कभी नहीं चाहा के बनू तेरी आँख का आसू, गर हसी ना दे पाउ
पर छिपाने से अहेसास दिलमे तेरे मेरे हालत नहीं बदल सकते

बदलीमें छुप जाने से चांदनी का नूर छुप नहीं सकता है कभी
यु मुह फेर लेने से दिलमें बसे तेरे ख़यालात नहीं बदल सकते

तेरी एक ख़ुशी के सदके "दीपा" ये जान निसार कर सकती है
मोत के बाद भी तुज से जुड़े रहेने के अरमान नहीं बदल सकते

...दीपा सेवक.

Monday 12 September 2016

જીત તો આખર...

જીત તો આખર સવારની થાય છે
ઉંઘથી વધુ ક્યાં સ્વપ્નથી જીવાય છે

મોત સામે જિંદગી જ હારતી 
વાત જયારે આવરદાની થાય છે 

સોળ પડતા ત્યાં ઉષાના ગાલ પર
સપનુ છેલ્લે પ્હોર જ્યાં તરડાય છે

ભાર ઉચકી રાતભર રક્તરજ તણો
પાંપણો પણ રોજ થાકી જાય છે

દેહ છોડે જે પળે પંખી આશનું
દર્દનો ગર્ભ તે જ પળ બંધાય છે

એમ તો એ દોડતા થાકે ના.. પણ
ખ્વાબ હકીકત સામે હાંફી જાય છે

છો હસે 'દીપા' દર્દની ગોદમાં
આંખમાં તો વેદના પડઘાય છે
...દીપા સેવક.

Wednesday 31 August 2016

તારામાં રહેલી હું..

તને ખબર છે ?
તારામાં રહેલી હું..
તારી જાણ બહાર જ ભૂંસાઈ રહી છું ..
રાતમાં ઓગળે જેમ સાંજ 
એમ જ ધીરે ધીરે હુંયે..
તારામાંથી વિલાઈ રહી છું
એક સપનાનો પાલવ પકડી 
દોડવુ તો છે મારે..
સતત અવિરત પણ ..
હકીકતના પર્વત નીચે 
જોને પળપળ પીસાઈ રહી છું
આમ તો તારી ખાસિયત છે 
તું સઘળુ સાચવીને રાખે છે ..
ચોક્કસ સ્થાને..
કે જરૂર પડે ત્યારે શોધવું ના પડે 
પણ.. લાગે છે હું એવી ચીજ છું 
જે જરા આડે હાથે મુકાઇ ગઇ છું..
હેં ને...દીપા સેવક.

Tuesday 30 August 2016

અનહદ..

તારી પ્રીતમાં તપતુ ભીતર..
અનહદ.. અવિરત..
દાહ એવો કે.. લાગે..
આખી સળગી જઈશ..
વિરહ તારો તપતો સુરજ 
ને યાદ તારી..મારે મન..
મંદિરના સંગેમરમરની ઠંડક..
જરા હાથ લંબાવ તું.. 
શરમ છોડી વળગી જઈશ..
બની ને વાદળની જાત ..
તું એકવાર..
ધોધમાર વરસી તો જો ..
માટી છું.. મહેંકી જઈશ.. 

..દીપા સેવક.

Wednesday 24 August 2016

બારી બહારનું આકાશ...

કેટલુ ચાહુ છું તને ના કાયમ પૂછ્યા કર મને 
અલગતાની બધી દીવાલ તોડી મળી હું તને

સાંજથી જ રાતરાણી મ્હેકતી મુજ શ્વાસમાં   
જ્યાં તારી યાદના પડછાયાની સુરભી અડે  

તસ્વીર તારી આંખમાં આંજી ઓઢું રાત હું  
ઓશીકાની કોરને એ જોઇને પરસેવો વળે 

પાંગર્યું ભીતર સુધી બારી બહારનું આકાશ
તારા સિવાય ત્યાં સુધી કોઈ ના પહોચી શકે 

રસ્તો તય કર્યો પળમાં તે 'દીપા'ના દિલ સુધી
તારા વિચારે ટેરવા ખળભળે ત્યાં ગઝલ મળે

...દીપા સેવક.  

Monday 22 August 2016

તરસ..


તારા વ્હાલને તરસું છુ 
માટે મનભરી વરસું છું


ભીંજવીને તને પ્રેમથી 
મારી તરસ છીપવું છું

માંગીને મેળવવું નથી 
એથી આપીને રીઝવુ છું

હા, સુરભી તારા સ્નેહની
આંખો મીંચી અનુભવુ છું 

'દીપા'ની દુનિયા તું છે
બસ એટલું કહીને વિરમું છું 

..દીપા સેવક.  

Wednesday 10 August 2016

કાશ !!!

કાશ કોઇ એવુ યંત્ર મળે ..
જે મનની ઉથલપાથલ માપી શકે
જે આંખોમાં ઉતરી ભીતર ઝાંખી શકે
દુ:ખતી દરેક રગમાંથી વેદના કાઢી શકે
ખાલીપાને ખંખેરી ત્યાં ખ્વાહિશો વાવી શકે
શૂન્યતાના સોળ પર..
સંવેદનાથી મલમ લગાવી શકે..    
જયારે હોઠ હસે તો.. સાથે સાથે..
આંખને પણ હસાવી શકે... 
તો.. મો માંગી કિંમત આપી ખરીદી લેત ..
પછી તો.. ના તારે કઇ કહેવું પડે મને ..
ના મારે કઇ પૂછવુ પડે તને !!
બસ.. તને જોઇને સઘળુ ભાંપી લેત..
ને જિંદગીની રોલરકોસ્ટર રાઈડમાં ..
તને કહ્યા વગર સદા તારી સાથે રહેત..
પણ..કાશ કોઇ એવુ યંત્ર હોત ...
કાશ !!! કાશ !!! કાશ !!!

  ...દીપા સેવક.

Monday 8 August 2016

સમયની સીમારેખા ..

એવું નથી કે.. 
જિંદગી શું છે ખબર નથી મને ..
શબ્દોમાં ના ઉલઝાવ તું .. 
ઝાંઝવાની ખેતી ને તરસના ઉપવન 
વરસતી વેદનાને હોઠ લંબાવી હંફાવ તું ..
હોઠ પર ના લાવી શકાયેલી છે કેટલીય વાતો
સમજી જા ને.. 
મૌનની મજબુતી ના આજમાવ તું ..
કોણ બાંધી શક્યું છે સમય ..
આંસુના ઓળાની બીજી બાજુ નજર લંબાવ તું ..
આ પારથી પેલે પાર પહોચવાની છે ગડમથલ ..
સમયની સીમારેખા ઓળંગી શકે તો આવ તું.. 
...દીપા સેવક.

Friday 5 August 2016

તને પણ થાય?..

એક વાત પૂછું?
મારા જેવુ તને થાય?
તું સાથે ના હોય તોય 
કાયમ આસપાસ વરતાય  
મનમાં સંભારુ તને ત્યાં 
તું આવી આંખમાં અંજાય
સવારે તારી એક નજર પડે ત્યાં 
જાણે આખો દિવસ રંગાય  
તારો સાંજનો વાયદો હોય ત્યારે   
ધડીયાળ બપોરથી ખોડંગાય 
રાહ તારી જોતા જોતા 
જાણે સમય જ થંભી જાય..
મને તો એવું થાય .. 
શું તને પણ થાય?
...દીપા સેવક.

Tuesday 2 August 2016

ભીત ખખડાવો તમે...

ભીતરે જો જવુ  હોય તો હામ ના હારો તમે
પ્રયત્નના દરવાજે જરા ધીર રોપાવો તમે

સતત બોલાવો તોય હોંકારો ના પણ મળે
બારણા ના દેખાય ત્યાં ભીત ખખડાવો તમે

નહિ પડે બાકોરુ તો, પોપડા તો ખરશે જરૂર
અહમની છોડી આંગળી વ્હાલને વાવો તમે

એક અણસારે આંખનો ઓલવાતો શ્વાસ પણ 
બસ ઉમીદની આ રોશની સાચવી રાખો તમે

હારતી ના પરભાત લગ રાત જેવી રાત પણ
તો સૂરજનો અંશ થઇ કાં તિમિરથી હારો તમે 

યાદના ખેતર, લાગણીના વારિ વ્હેતા રાખશે 
આગિયા જો અજવાળુ ઢોળે તો ફેલાવો તમે 

દઈ ટકોરા આ ટેરવે ગઝલ "દીપા' ગૂંથતી
ભરમનાં લીપણથી આ ભીતને શણગારો તમે
...દીપા સેવક.




Thursday 28 July 2016

તારે નગર...

તારે નગર વરસાદ ને ભીંજાય મારું આંગણ
દિલ તારુ હો બેચૈન ને ભીંજાય મારી પાંપણ

વધતી ઇન્તેજારની ધડકન સમયના પગલે પગલે
સુરખી ભરી આ સાંજ બનતી આંખનું આંજણ

ચાતક સરીખી પ્યાસ ભડકે આખુ ભીતર સળગે
ઘેરાય અડધુ પડધુ જ્યાં આ આંખનું વૃંદાવન

છો રાતભર વ્હેતા બે કાંઠે ઝાંઝવાના ઝરણા
ભાંગે તરસ ભીતરની એવું ના મળ્યુ એક ઝરણ

અંતરના ઊનાળે મનહરણ રણમાં પરબ બાંધે
મટકી ફુટી તારા સ્મરણની કે છે ઝરમર શ્રાવણ

'દીપા' ઝુલે.. યાદોનો વરસાદી પવન ઝુલાવે 
કારીગરી કરતી કિસ્મત વરસે ને તરસાવે પણ

...દીપા સેવક.