Thursday 27 November 2014

સ્મરણની ભીડ ...

જગતમાં આમ શેં ચાલ્યા કરે?
મગજ સામે શેં મન હાર્યા કરે?

રુઝાયેલા ઉપરથી લાગતા, 
ઝખમ ભીતરથી ફાલ્યા કરે

દર્દની એમ તો પરવા નથી
સદા ઝરતા ઝખમ વાગ્યા કરે

મહેફિલમાં ભલે બેઠક સદા 
હા,એકલતા મને સાલ્યા કરે

ભરમ સમ છે, છતાં સંગાથ છે 
આ ખાલીપાને જે ખાળ્યા કરે 

સ્મરણની ભીડ જામે અંતરે
પછી એકાંત મન ઠાર્યા કરે

નથી મારો છતાં સારો તો છે 
સમય બધુ સહજ સંભાળ્યા કરે 
લગાગાગા લગાગાગા લગા ) 

....દીપા સેવક


Wednesday 26 November 2014

ચરખો સમયનો ....

ચરખો સમયનો સતત ચાલ્યા કરે
જીવન સુતર રાતદિન કાંત્યા કરે

ખેતર ખમીરથી જો ખેડે છે વખત 
જાણે અજાણે સ્મરણ વાવ્યા કરે

ભીતર તો છે વેદનાના વ્હેણ પણ 
ચ્હેરો સતત હોઠ લંબાવ્યા કરે  

જો આંખના ઉપરવાસે આયુ પુર 
જે અડગતા મનની ડોલાવ્યા કરે 

માંગને સમય પાસ પણ ઊતર કદી
શેં દ્વાર દિલના તું ખખડાવ્યા કરે?

ખોલી પવનપંખ ,મનપંખી ઉડે 
પળમાં યુગો પાર પ્હોચાડ્યા કરે

અઘરી ભલે આરપારની આ સફર
યાદના સહારે મુકામ મળ્યા કરે 
(ગાગાલગા ગાલગાગા ગાલગા)

...દીપા સેવક.

Wednesday 19 November 2014

આભાસી સૂરજ ...

કાગળ પર લખેલું સહજ વાંચી શકાય છે
પણ ભેદ ભીતરના ક્યાં ઊકેલી શકાય છે?

સમયે મુક્યા દિલ પર નશ્તર બેરેહમીથી જે
એ ઘાવને પણ ક્યાં હવે રૂઝવી શકાય છે?

જો શોર ઉપરી હો તો તું દાબી શકે હજુ 
પણ ભીતરી આ શોર ક્યાં દાબી શકાય છે?

એવો અક્ષર લખ એક જે અંકાય અંતરે 
અંકાય જે અંતરમાં ક્યાં ભુસી શકાય છે?

છે બસ તું આભાસી સૂરજ જાણુ છુ તે છતાં 
આંખને અર્ધ્ય દેતાય ક્યાં રોકી શકાય છે? 

તડકો તિરાડમાંથી પહોચે આરપાર જો
અજવાળુ તો અમથુંએ ક્યાં આંબી શકાય છે?
(ગાગાલગા ગાગાલગા ગાગાલગા લગા)

....દીપા સેવક.



 

Tuesday 18 November 2014

એવું નથી કે....

એવું નથી કે ચુભન નથી
બસ કૈ કેવાનું મન નથી

અંતરના તળ માપી શકે 
એવું કોઈ સાધન નથી

તું ધારે તો તાગી શકે  
સાગર જેમ ગહન પણ નથી 

અટકી આંખોમાં એકપળ 
વ્હાલી છે,પણ વળગણ નથી

તારી યાદના ઊજાગરા
અઘરા છે,પણ અડચણ નથી

છે અરમાની વાછંટ પણ  
પરપોટો કઇ સ્પંદન નથી 

હળવા આચ્કે હાલી જશે   
લાગે ગઢ મજબુત,પણ નથી

કરવા તો છે બહુ પ્રશ્ન પણ 
ઊતર આપે એ જણ નથી 
(ગાગાગાગા ગાગાલગા)

...દીપા સેવક.

Wednesday 12 November 2014

તરસ...

સરિતા કિનારે જે વસ્યા હતા
એ પણ તરસથી ક્યાં બચ્યા હતા?

ઝરણા પહાડથી નીકળ્યા પછી
કે'દી ઉપર પાછા ચડ્યા હતા?

આંખોએ આંજ્યા સજળ ઝાંઝવા
જે થઇ કરચ આંખે ખુંચ્યા હતા

આંસુના વરસાદથીય ના બચ્યા 
સપના જે વિખવાદમાં બળ્યા હતા 

શોધો રણમાં મોતી તો ના મળે
તોયે મળ્યા જ્યાં અશ્રુ પડ્યા હતા 

વ્હેતા વખતને રોકવો છે પણ
કોના અહી સપના ફળ્યા હતા?
(ગાગાલગા ગાગાલગા લગા)

...દીપા સેવક.

Monday 10 November 2014

આઈનો યાદનો....

આઈનો યાદનો ફુટી ગયો છે એવુ નથી
પણ પડછાયા પાછળ હવે પડવુ નથી

આંખો ટેવાઈ ગઈ છે ગાઢા અંધારથી
કે આગીયાના આશરે ભટકવુ નથી

જો કારણ કોઈના હાસ્યનું ના થઇ શકું
તો મારે કોઈનુ આંસુ પણ બનવુ નથી

તરડાયેલા સંબંધને તડનો શું ડર?
મારે તિરાડની આડ લઇ લડવુ નથી

છો યાદનો સૂરજ રાત આખી સર કરે
પણ ભીતરના તાપથી હવે ઝુલસવુ નથી

પાછા પડતા જ્યાં લાગણીના બોલ પણ  
ત્યાં અહેસાસનુ પ્રદર્શન હવે કરવુ નથી
(ગાગાગાગા ગાગાલગા ગાગાલગા)

...દીપા સેવક.


Thursday 6 November 2014

મૌન ...

કે છે ઘણુ પણ વાત ક્યાં સમજાય છે?
મૌન ઘણુ આંખોથી બોલી જાય છે

વાત દિલની હોઠ પર ના'વે તોયે 
આંખ સઘળા રાઝ ખોલી જાય છે 

છો છુપાવે ભેદ તું સીવી અધર
મૌનના પડઘા નયનમાં પડઘાય છે

હોઠ લંબાવી અભિનય કર ભલે
આંખના છળ આંખ પામી જાય છે

શબ્દથી જેને અસર થાતી નથી
કામ ઘણુ એ મૌનથી થઇ જાય છે
(ગાલગાગા ગાલગાગા ગાલગા)

...દીપા સેવક.





Tuesday 4 November 2014

આંસુ આંખમાં નહિ....

આંસુ આંખમાં નહિ હું દિલમાં રાખું છું
મારી જ સહનશક્તિ એમ કરી માપું છું

શૂન્યતા સાંજની ને યાદનો સરવાળો
મળતા ઉતરનો રાતે તાળો માંડુ છું

આ ચાંદો ચમકી શીતળતાથી બાળે
આપે એ બળતરા તોયે એને ચાહુ છું 

ખાલીપો રાતભર આંખનું ખેતર ખેડે
ઓરી આશના દાણા આંસુ ખાળુ છું

ઘા,એકલતા જયારે નખ મારી ખોત્રે
ત્યારે આંખે તસવીરી હાસ્યને આંજુ છું

રાતી આંખે આંજ્યા અજવાળા તેથી  
પ્રભાતી સૂરજની પ્રતિકૃતિ લાગુ છું
(ગાગાગાગા ગાગાગાગા ગાગાગા)

...દીપા સેવક

Monday 3 November 2014

કારણ વગર કોઈ....

કારણ વગર કોઈ અહી મળતું નથી
તરફેણ પણ કારણ વગર કરતુ નથી

સ્વાર્થી બનીને જીવવું ફેશન બની
દુઃખ કોઈનું કોઈને અહી અડતું નથી

છે માનવીના દિલનું પણ એવું જ કઈ
પાણી બરફમાં જેમ સળવળતું નથી

જો આંખ આડા કાન ધરશે એમ એ  
જળ જેમ પથ્થરને અસર કરતુ નથી

શેની શરમ ફૂલોને ઓંસના દાગથી
તડકાની બદનામી તો કો' કરતું નથી 

પતંગીયુ હજુ પણ પાંખને ખોલી શકે
કોશિશ બસ જગના ડરથી કરતું નથી 

ફેલાવ પાંખો તુજ ગગન મળશે તને
કે આપમુઆ વિણ સ્વર્ગ મળતુ નથી 
( ગાગાલગા ગાગાલગા ગાગાલગા) 

...દીપા સેવક

Sunday 2 November 2014

લાગણીનો દુકાળ ...

દુકાળ જયારે લાગણીનો થાય છે
ત્યારે નદી સંબંધની સુકાય છે

જ્યાં થોર માફક આ ઈચ્છાઓ વિસ્તરે
ત્યાં લાગણીના રણ નિશ્ચિત સરજાય છે 

હો ઝાંઝવાના ઝરણ અવિરત આંખમાં
ક્યાં તોય મોતી હૃદયમાં પકવાય છે

ભીતર ભરી જે ઝેર, મધ ઢોળે જીભથી
સાચી શ્રધ્ધા તે દ્વાર ઠોકર ખાય છે  

માઝા મુકે છે તાપ જગમાં સ્વાર્થનો
વિશ્વાસની ધરતી પછી તરડાય છે

પીળા પડેલા પાન ખરશે સૌ પ્રથમ 
જો વાયરો મુસીબતનો ફુકાય છે   

જ્યાં ખુદગરજીની આગ લાગે ફાલવા
સંવેદના ત્યાં જીવતી હોમાય છે 
(ગાગાલગા ગાગાલગા ગાગાલગા) 

...દીપા સેવક.