Friday 30 October 2015

વાલમ મારો જાણે પહેલો વરસાદ...

મારા કમખાની કોરે ચીતરેલો મોર સખી વાલમની યાદ આવે ને ટહુકે
ને વાલમ મારો જાણે પહેલો વરસાદ કેટલી વાટ્યું જોવડાવે, ના વરસે  

હું તો ઝરુખે ગાતી કોયલના કંઠમાં જાત મારી ખોતી
હું તો નેજવે પરોવી પ્રતીક્ષાના મોતી વાટ એની જોતી
ભરમની વેલીએ વીંટાળતા વૈશાખી વાયરે સખી મારું રોમરોમ સળગે
ને વાલમ મારો જાણે પહેલો વરસાદ કેટલી વાટ્યું જોવડાવે, ના વરસે  

હરખાતે હૈયે એના આવવાના રસ્તે હું નજરોથી આળોટુ
આ આંખ કાઢતા અજંપાને ઓઢણીએ ગાંઠ વાળી ખોસુ
શ્રાવણીયો ઝરમર મારી આંખોમાં ઉતરેને છાતીએ મારી ઉનાળો ભડકે
ને વાલમ મારો જાણે પહેલો વરસાદ કેટલી વાટ્યું જોવડાવે, ના વરસે  

આંગણથી ઉંબર સુધી લંબાતી સાંજ જયારે આથમતી
ત્યારે એના સાદના પડઘાની હેલી હું ડેલીએ સાંભળતી
એના પગરવની અટકળે આંખોની આસપાસ આશાના અજવાળા ચમકે
ને વાલમ મારો જાણે પહેલો વરસાદ કેટલી વાટ્યું જોવડાવે, ના વરસે  

એક મને તડપાવે આભનો ચાંદો ને બીજો તું તડપાવે
ભીતરની પ્યાસ સજન ભાગી જાય પળમાં જો તું આવે
તારા આવવાના અણસારે એક તારો તુટેને મારા દિલમાં ચિંગારી ભડકે
ને વાલમ મારો જાણે પહેલો વરસાદ કેટલી વાટ્યું જોવડાવે, ના વરસે 
...દીપા સેવક. 




Wednesday 28 October 2015

ભરોસાની ભાંગ...

સાંજ જયારે સળગતી શૂન્યતા શ્વસે છે
પ્રણય ત્યારે દર્દથી કણસી ઉઠે છે

યાદ જ્યાં એકાંતને ભેટે જરા ત્યાં
આંખ ખાલીપાની પણ ખળખળ વહે છે

સ્નેહની આંખોમાં જ્યાં જુઠ ઝળહળે ત્યાં
લાગણીના શ્વાસને ખાલી ચડે છે

કાઢતા અંધાર સુના આંગણેથી
શરદપૂનમનેય પરસેવો વળે છે

વેદના જ્યાં આંગણે ડેરો જમાવે
ત્યાં સમયનો પણ પનો ટુંકો પડે છે

ભાંગ "દીપા"ને ભરોસાની ચડી છે
જો ભરમના ચોતરફ દીવા બળે છે
..દીપા સેવક.

પ્રતીક્ષા...

યાદના આગોશમાં દિન આથમે છે     
ને સપનની સાથ રાતો ઝળહળે છે

આંગણે વાવી પ્રતીક્ષા રોજ સીંચું 
જોઇએ ત્યાં ફૂલ ક્યારે પાંગરે છે 

વાયદાની વેલ પર અટકળ લટકતી
ઝંખના જ્યાં રાત'દિ પ્હેરો ભરે છે

તું તો નહિ પણ ઝંખના તારી વળગતી
જે મને આગોશમાં લઇ છેતરે છે

જો સ્મરણનો રોગ દિલમાં ઘર કરે તો
વૈધ વેરી થાય ને જીવ તરફડે છે

હેડકી "દીપા"ને અમથી આવતી જ્યાં 
વ્હેમ એવો થાય તું એને સ્મરે છે 
...દીપા સેવક.


Wednesday 21 October 2015

અણગમો...

આમ તો કઇ વાત ના ગમે તો..
ભલભલાને હું મો પર રોકડુ પરખાવી દઉં છું..
પણ.. તને..તારી તો વાત જ અલગ છે..
એટલે તો તારી ઈચ્છા આગળ..
હું ભલભલો અણગમો પળમાં ભૂલી જઉં છું.
...દીપાસેવક.

Tuesday 20 October 2015

देखते ही देखते ...

देखते ही देखते वो अजनबी दिलमे घर कर गया
दिलमे उतरकर मेरी रूह को भी घायल कर गया 

मेरी सुनी रातो को जब आदत हो चली अंधेरो की 
तब चौदवी की रात का चाँद मेरी नजर कर गया 

में देखती रही चुपचाप चोखट पर खिची लकीर को  
और अपने आंगनमें खड़ा वो सारी हदे सर कर गया 

बरसो तक ख़ामोशी का लावा मेरे भीतर जलता रहा 
वो एक बूंद बरसा और मुझे वो आब असर कर गया  

जो चहेरा तलाशती रही "दीपा"उम्रभर आईने भीतर
उसे एक नजर डाल वो मेरे रूबरू उजागर कर गया
...दीपा सेवक.  


Monday 19 October 2015

લાગણીના બોલ...

લાગણીના બોલ જ્યાં પાછા પડે છે
મૌન રૈ'ને તરફડવું ત્યાં પરવડે છે

ભાવ જ્યાં થઇને અભાવો વિસ્તરે ત્યાં
હોઠ મલકે પણ આ અંતર તરફડે છે 

ત્યાં સફર સંવેદનાની અર્થ વગરની
રાહમાં જ્યાં લાગણી ઠેબે ચડે છે

ત્યાં બચી શકતી નથી એકેય ઊર્મિ
સ્વાર્થનો એરુ જે જીવને આભડે છે

પ્રાર્થના "દીપા" એ છોડી તો નથી હજુ
જોઈએ એને સુકુન ક્યારે સાંપડે છે
...દીપા સેવક. 


Friday 16 October 2015

શ્વાસનું સરનામુ...

શી ખબર આ આંખમાંથી શું ઝરે છે
આંસુ જેવુ લાગતુ પણ બહુ બળે છે

ઉપરથી દેખાય છે જ્યાં બધુ બરાબર
ત્યાંય ભીતર ક્યાંક લાવા ઊકળે છે

રાતુપાણી આંખથી ટપટપ ખરે ને
શ્વાસની સેવાળ પર ફોલ્લા પડે છે

છે વિરહની વારતાનું પુસ્તક અંગત
રોજ આંખો જ્યાં પ્રતીક્ષા પળ લખે છે

ઝાંઝવા જેવી મિલનની ઝંખના પણ
રાતભર મુજ આંખમાં ખળખળ વહે છે

આમ તો એ અજનબી, પણ જિંદગી છે
શ્વાસનું સરનામુ "દીપા" જેને ગણે છે
...દીપા સેવક.

Wednesday 14 October 2015

अहेसास की आँखों से...

अहेसास की आँखों से यु आंसू गिराया ना करो
जलती है जान जाना जुठे ख्वाब दिखाया ना करो

माना के होठ हमने सी रखें है पर बोलती आँखे 
इन आँखों को अनसुना कर के तडपाया ना करो 

जब कभी मिलते हो रूखे रूखे से नजर आते हो   
ऊम्र लगी है जो पानेमे उसे पलमें पराया ना करो 

खुरेद्कर जख्मो को करते हो मरहम का दिखावा 
तुम भी ज़माने की तराह हमको सताया ना करो 

हमख्वाब हो तो फिर ख्वाबो को संजोकर रखो 
बेदर्दी से ये नाजुक सी हकीकत लुटाया ना करो 

रिश्तो की नजाकत को तुम भी तो जरा समजो  
बार बार उसकी मजबूती को आजमाया ना करो...

...दीपा सेवक.

Friday 9 October 2015

લાગણીને ખાળતા...

લાગણીને ખાળતા તો ખાળી ગઈ
સરળતા મારી મને અહિ મારી ગઈ

યાદ તારી ત્રાટકે જોને સાંજથી
રાત સુધી પ્હોચતા હું હાંફી ગઈ

આઈનાની આંખમાં થઇ જો આંઝણી
તો નજર એનીય બદલાતી ગઈ

આશની કેડી ઉપર, બસ થાક્યા વગર
ચાલતી આસ્થા, હવે જો થાકી ગઈ

આ પ્રતીક્ષાના પગે જ્યાં છાલા પડ્યા
ત્યાં સમયની ચાલ પણ વંકાતી ગઈ

આભમાં ઉડતો'તો  વિશ્વાસે જે સમય
એની પાંખો વ્હેમની વિજ કાપી ગઈ

...દીપા સેવક.