Tuesday 26 August 2014

પાસા સમયના...

પાસા સમયના હાથના એમ પલટાતા નથી
કે વાયરા કાયમ તો તરફેણમાં વાતા નથી

જૂની થયેથી ડાયરી અક્ષર તો ઝાંખા પડે
પણ શબ્દના મતલબ તો એથી બદલાતા નથી

વાદળ લખે જ્યાં તું, હું વરસાદ એવુ વાંચું છું
પણ ઓરડા ભીતરના ભરમથી તો ભીંજાતા નથી

આંજી તો લઉં કોરા નયનમાં ભીના સપન
પણ ઉછરતી ઈચ્છાના કાંટા સહેવાતા નથી

આંબો બનીને આંગણે તપ કરી થાકયો પ્રણય
પણ તોય એની આશના દીપ બુઝાતા નથી

એથી જ તો વિશ્વાસના શ્વાસ નથ ખુંટ્યા હજુ
કારણ સમયના તાપથી ભાવ મુરઝાતા નથી 
(ગાગાલગા ગાગાલગા ગાલગાગા ગાલગા)

...દીપા સેવક.





 



Saturday 23 August 2014

કલમની યાતના ....

જ્યારથી પ્રેરણા મારી અકારણ મારાથી રિસાઈ છે
ત્યારથી આ કલમની યાતના સદંતર બેવડાઈ છે

રીસાયા છે શબ્દો મારાથી કવિતા કરું કેવી રીતે કહો
અબોલાના આંગણે બે હોઠ વચ્ચે લાગણી પીસાઈ છે

યાદોના જો વરસે વાદળ, રોજ લખીને ફાડુ કાગળ
એ ઉડતા કાગળની ચીસે આંખ પવનની ભીંજાઈ છે

ઝાંખી લાગે ચાંદની જાણે એને પણ લાગ્યુ હો ગ્રહણ
જ્યારથી રાતની આંખો આછકલા દીવાથી અંજાઈ છે

તારી અવગણનાના પથ્થરે તૂટીને ટુકડા થયા જેના
એ તૂટેલ સપનાની કરચે મારી પાંપણો ઘવાઈ છે

ચાહે તો હક કરીને એક તું જ લગાવી શકશે મલમ
બાકી જમાનાએ તો કાયમ દુઃખતી રગ જ દબાઈ છે

ભીડ ભરી છે આસપાસને વાહવાહી છે છલોછલ તોય
આંખ મારી જો એકલતાના અહેસાસથી છલકાઈ છે

...દીપા સેવક.



Thursday 7 August 2014

તો જ કવિતા થઇ શકે...

પરોઢના ઝાકળને જોઇને જો આંખ તારી ચમકી શકે 
પતંગીયાની પાંખના રંગથી જો તું મેઘધનુ રચી શકે 
પાંદડાના ખખડાટથી જો તુજ દિલે હલચલ મચી શકે 
પવનથી ઝૂલતી ડાળ પર જો તું પંખી જેમ ઝૂલી શકે
એની પાંખો ઉધાર લઇ જો તું આકાશે ઉડી શકે
પંખીના ટહુકામાં જો તું વાંસળીનો નાદ સુણી શકે
વાદળના વાઘા પહેરી જો તું સુરજ સાથે રમી શકે 
સંધ્યાની લાલી ચોરી જો આંગણે રંગોળી પૂરી શકે 
ચાંદને પ્રીતમ કહી જો તું રાતભર જાગી શકે  
વસંતની વાતો કરી જો તું પાનખરને રીઝવી શકે  
હૃદયમાં પડઘાતી સંવેદના જો તારા ટેરવા ઝીલી શકે..
આંખોમાં ઉગતી સ્વપ્નવેલ જો કાગળમાં ખીલી શકે
સૌને સામાન્ય લાગતી ઘટના જો તારા અંતરને ભીંજવી શકે
તોજ તું કવિ બની શકે.. તારાથી કવિતા થઇ શકે 
....દીપા સેવક.