Thursday 29 May 2014

દર્દ પર વસંત આવી ....

આડકતરી રીતે જયારે, તે ખબર પૂછાવી
મયુરપંખ પર બેસી, દર્દ પર વસંત આવી 

જખમી જીગરના મોગરા મહોરી ઉઠ્યા 
અફાટ રણ વચ્ચે, જાણે નદી નજર આવી 

વિરહે કપાતી ચાંદનીની કાયાને લાગ્યુ
કે અમાસ કોક રીતે તો, મારે કામ આવી 

બોલીને તો ના પહોચી શકાયુ તારા સુધી
ખૈર, મૌને તો તારા દિલમાં ટીસ ઉઠાવી

એક જ આશયથી હસતા રહી, પીધા મેં ઝેર 
કે કોક'દિ તો તું, ખબર લેશે કબર પર આવી

...દીપા સેવક.

Sunday 25 May 2014

જિંદગીનો હિસાબ ...

જિંદગીનો તો અહી ચોખ્ખો હિસાબ છે
જીવવા માટે લડી લેવામાં જ માલ છે

છે હાથીના દાંત જેવા અહી ઘણા સંબંધ 
જેના બતાવાને ચાવવાના જુદા દાંત છે    

નાખશે રોડા રસ્તામા સાથે લાગતા જે 
ચેહરે દરેક જણ અહી રાખે નકાબ છે

હાથમાં બતાવી ગુલાબ, કાંટા ભોકશે
દુનિયા દેખાડાની આ બહુ ખરાબ છે

દોસ્તો પાસે રાખે છે વફાની ઉમ્મીદ
દિલ સમજ હવે, એતો એક ખ્વાબ છે

તારા ભોળપણના ચૂલે રોટલા શેકશે 
જાણી લે બે ચહેરાવાળો આ સમાજ છે

ત્યાં નિખાલસ રહીને છે જીવવું અઘરુ 
જ્યાં કપટની રાજનીતિ બેહિસાબ છે

.....દીપા સેવક 

Friday 23 May 2014

તે આવજો કહ્યું પછી ...


તે આવજો કહ્યું પછી ... 
ભારે પગલે આગળ વધી હતી.. 
એવું લાગ્યુ હતુ આગળ વધી છે જિંદગી .. 
પણ જોયું તો..
તારા ફોટાની બાજુની ખીંટીમાં જ..
હજુ લટકતી'તી જિંદગી... 
બસ ખોળીયું નાકામ પ્રયાસ કરે છે ..
આગળ વધવાનો...
....દીપા સેવક.

રાત જાગે છે...

વરસોથી મનમાં ધરબાયેલી એક રાત જાગે છે
દિલ ત્યારથી આહુતિ ચૈનની બેહિસાબ આપે છે 

ન્હોતી ખબર એક સપનાની કિંમત આટલી હશે 
રોજ રાતપડે જિંદગીને ઉજાગરાનો શ્રાપ લાગે છે

ભીડમાં ભરી બાથ અચાનક એકલી કરી દે મને
નઠારી તારી યાદ.. આલિંગનથી આગ ચાંપે છે

હું બળીને ખાખ થઇ ગઈ હોત.. પણ બચી ગઈ 
કે એક અધુરી એષણા આંખથી વરસાદ છાંટે છે 

ઝખમ હોય તો દુઃખે.. પણ કરી છે દર્દથી દોસ્તી 
એટલે આ દર્દ પણ હવે..પ્રેમનો પ્રસાદ લાગે છે   

દરેક વાતે સમજુતી કરી જીવવું આસાન તો નથી 
પણ દેવો જ પડે..જયારે જિંદગી હિસાબ માંગે છે   

સ્મરણના ખેતર ખેડી વાવુ હું રોજ આશનો સુરજ 
જે ઉદાસ રાતી આંખમાં.. નવો ઉલ્લાસ આંજે છે
....દીપા સેવક   



Thursday 22 May 2014

રોજ રડવુ ...

રોજ રડવુ આંખને શોભતુ નથી
કે સપન કોઈ સત્યથી મોટું નથી

સાવ આભાસી છે દુનિયા ખ્વાબની      
એટલે હાથમાં કદી આવતુ નથી

આંખમાં ઉગીને આંખમાં આથમે 
એવુ અજવાળુ મને જોયતુ નથી  

આંખના ઉભા કરેલા આ દર્દ છે
એટલે વૈદક કો' ત્યાં ફાવતુ નથી 

આંસુની દરકાર શું કરવી હવે 
ખારુ પાણી તરસ તો ઠારતુ નથી 

લાગણીની વાત ત્યાં પાછી પડે
જ્યાં અસ્તિત્વ સ્નેહનું હોતુ નથી 

છે સમયની ચાલ ધીમી તો શું થયું? 
મનહરણ પણ દોડતા થાકતુ નથી
(ગાલગાગા ગાલગાગા ગાલગા)
....દીપા સેવક 
    ...દીપા સેવક    આંખને શોભતુ નથી

Wednesday 21 May 2014

કોણ કરે ?

છે હૃદય પર રાજ તારુ, ઢંઢેરો પીટ્યા કોણ કરે ?
પ્રેમનગરનું તું અજવાળું, કહી ઉલાળા કોણ કરે ?

વરસો થયા..હવે તો વાંચતા શીખી લે આંખને 
દિનરાત હજુ સુધી, શબ્દોના સરવાળા કોણ કરે?

હાથમાં લઇ હાથ, મહેસુસ કરતા શીખ સ્પર્શ તું 
આમ હૃદયની ભાવનાના, સદા દેખાડા કોણ કરે? 

પ્રેમની તીવ્રતા સમય સાથે વધતી જ હોય તો 
રાહ ના જોવાય કે.. પહેલા વધામણા કોણ કરે?    

પ્રેમની પરિભાષા જગે, સદીઓથી છે સરળ છતાં
શીખી શક્યો ના તું તો..સદા શીખવાડ્યા કોણ કરે? 

એક જ નામ કાયમ મારી આંગળીના ટેરવે વસે 
કોણ મારી કવિતામાં છે..જવાબ આપ્યા કોણ કરે? 

આંખમાં સપના તારા,હોઠો પર તારા જ ગીત છે
હૃદયઅંકિત નામથી પછી કાગળ કાળા કોણ કરે 

સાંભળી જો હૃદયના ધબકાર, નામ તારું જ જપે  
પછી"હું તને ચાહું છું"ની કાયમ માળા કોણ કરે?  
... દીપા સેવક ...

Tuesday 20 May 2014

એક સપનુ ...

એક સપનુ ઝળહળે છે આંખમાં
ત્યાં ખુશી હેલે ચડે છે આંખમાં

જો ઈચ્છા અરમાનની ખેતી કરે
પાક જેનો લસલસે છે આંખમાં

મેઘધનુષી રંગ મોસમમાં ભળે
છાય ગુલમ્હોરી ઉઠે છે આંખમાં

ચાંદનીની ચાહના ખોટી નથી
રાત ચાહતની ફળે છે આંખમાં

ચેહરો અવઢવનું ત્યાં પનઘટ બને  
આઈનો જ્યા સળવળે છે આંખમાં

જ્યાં રસ્તો હૃદયે કરી આપ્યો જરી  
એક જણ ત્યાં તો ભળે છે આંખમાં 
(ગાલગાગા ગાલગાગા ગાલગા)
..દીપા સેવક. 



Monday 19 May 2014

સાથમાં તું હશે તો ....

મારા કહ્યે આ સમયચક્ર એમ રોકાશે નહિ
પણ સાથમાં તું હશે તો ગતિ વર્તાશે નહિ

આવશે સુખના જ સંજોગ બધા એવું નથી
પણ સાથમાં તું હશે તો દુઃખમાં ડુબાશે નહિ

રણની સફર એમ એટલી આસાન તો નથી
પણ સાથમાં તું હશે તો તાપથી થકાશે નહિ

વાદળછાયી રાતે ખબર છે અજવાળુ નથી
પણ સાથમાં તું હશે તો અંધારુ છવાશે નહિ

ચાતકની પ્યાસ લઈને જન્મી છોને જિંદગી 
પણ સાથમાં તું હશે તો તરસ્યુ મરાશે નહિ

જીત જ મળશે જિંદગીમાં આશ એવી નથી   
પણ સાથમાં તું હશે તો હારથી હરાશે નહિ 

....દીપા સેવક  




Saturday 17 May 2014

લાગણી છલકાય તો ....

લાગણી છલકાય તો અંતર આ ભીનું થતું હશે
થોડું એમ જ મારું મન આટલું અધીરુ થતું હશે 

ચોતરફ વેરાય સ્મરણની સુગંધ હવા બની 
એટલે વાતાવરણ સુગંધભીનુ થતુ હશે 

રૂડુ લાગે આંખથી વરસતું જો આ એકાંત પણ 
એટલે આ રાતનું દામન રંગીલુ થતુ હશે   

રાત આખી ચાંદની બારીમાંથી જોતી રહી
કે વિના વાદળ અહી વરસાદ જેવું શું થતું હશે

આંખમાં વરતાય છે જો આજ શમણાનો નશો
યાદનો આસવ ચડે તો બધુ નશીલું થતું હશે

(ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા )

...દીપા સેવક..
    

Tuesday 13 May 2014

લાગણી તારી....

લાગણી તારી જરા જો અવગણુ
મનમાંને મનમાં પછી હું તરફડુ

મનથી લખું જે હું તું વાંચીને હસે
એટલે કાગળ તને કોરો ધરુ

રાતને તો રોજ આંજુ આંખમાં
આજ તારી યાદ આંજી ઝળહળુ

આભમાં પંખી બની જો ના શકુ
થાય તારી બાહમાં તો ફડફડુ

પણ બધું લાગે છે બેમતલબ હવે
આશ એવી આંખમાં આંજી શું કરુ? 

ડરથી દુનિયાના છોડી તું જશે
વાત એ મનમાં વિચારી ટળવળુ

ઓરડે અંતરના આશા ઓલવી
ભીતરી ભયથી હવે જો થરથરુ
(ગાલગાગા ગાલગાગા ગાલગા)

...દીપા સેવક 





Thursday 8 May 2014

ગાગર સંબંધની...

હું હંમેશા તારી સાથે જ છું એવું ખાલી કહેવાય છે 
સાથની જરૂર હોય જયારે તારાથી ક્યાં અવાય છે

નથી પકડાતો હાથ તારો, મારાથી હાથ લંબાવીને 
ભલેને આંખ હું મીંચું જરાને.. સામે જ તું દેખાય છે

સુરજ ઢળેને રાત પડે જ્યાં.. ચાંદ ઉગે આકાશમાં
ત્યાં તારા સ્મરણના સાપની ઊંઘ જ ઉડી જાય છે

રાતભર જગાડે મને આપી આપીને મીઠા ડંખ જે 
સવારે મારી આંખોમાં એ નશો રાતો છલકાય છે

માન્યુ કે આપણા સંબંધની ગાગર છે છલોછલ 
તોય તરસ મારી એ નીરથી, જરીકે ક્યાં બુઝાય છે  

હોય છે હંમેશા હલકી,ભરેલી આ ગાગર સંબંધની
બોજ તો એનો ખાલી થયા પછી જ વધુ વર્તાય છે ...

....દીપા સેવક 

Wednesday 7 May 2014

રોપીને બાવળ

રોપીને બાવળ બાગમાં ફૂલો મળે ક્યાંથી?
વાવીને નફરત પ્રેમનો ફાલ ઉપજે ક્યાંથી?

રણની વચ્ચે બારે મહિના ફળતો ફુલતો રે એ
પતઝડ કદી બાવળના ઝાડને તો નડે ક્યાંથી?

જો માવજત તો મોગરાની હોય કરવાની
સીંચાઈની જરૂર થોરના ફૂલને તો પડે ક્યાંથી?

નફરત અને નિંદામણની તો જાત છે સરખી
ઉપાય કર પહેલાથી નહિ તો રોકશે ક્યાંથી?

ફૂટ્યા પછી અંકુર પ્રેમના સાચવે જો તું
તો શક વિશ્વાસના પર કદી ભારે પડે ક્યાંથી?

....દીપા સેવક
 
 

Monday 5 May 2014

ખુલ્લી આંખના સપના ...

મારી મને જ છેતરવાની આદત થઇ ગઈ
ખુલ્લી આંખના સપના મિલકત થઇ ગઈ

એક નજર અમથુ તે સામુ જોઈ શું લીધુ
દિલ સમજ્યુ કે તને મુહોબ્બત થઇ ગઈ

મુજ ઘર પાસેથી તારો રોજનો રસ્તો હતો
ને લાગ્યું મને.. તને મારી આદત થઇ ગઈ

પછી તો રોજ એ રસ્તે ખોડાઈ જતી નજર 
તારી એક ઝલક મારી ઈબાદત થઇ ગઈ 

એકલતાની આગથી ભડકી'તી જે તરસ 
ઝાંઝવા પીને એમાં થોડી રાહત થઇ ગઈ

જેવું આંખો ચાહતી એવું જ દેખાડતું'તુ દર્પણ 
કે તારી નજર ઓળખી તો કયામત થઇ ગઈ     

બન્યુ એવુ કે ખોબાથી ઉલેચાયા દરિયા, ને  
ત્યાં જ ભરમની માછલીની શહાદત થઇ ગઈ 
.....દીપા સેવક 

Saturday 3 May 2014

તારી યાદ આવી...

મેં ગુલમહોર જોયુને તારી યાદ આવી
રાતુ ફુલડુ મહોર્યુંને તારી યાદ આવી

આપણે મળેલા એ ગુલમહોરની ડાળે
પંખી ધીમુ  ટહુક્યુને તારી યાદ આવી

ઝુલસતી વિરહની બળતી બપોરમાં
નભે વાદળ ઝુક્યુને તારી યાદ આવી

કાળઝાળ તાપથી તરસતી ધરતી પર
એનુ વ્હાલ છલકયુને તારી યાદ આવી

ધરતીને આભના મિલનના રાગથી
આંગણ પલળ્યુંને તારી યાદ આવી

ઓચિંતા વરસાદી માહોલની આંચથી
કૈક ભીનુ સળગ્યુને તારી યાદ આવી

મેઘલી રાતે મારી આંખોના ગલિયારે
એક શમણુ મહોર્યુંને તારી યાદ આવી

મીઠા એ શમણાના ગુલમહોરી ગીતે
સ્મિત હોઠે ફરક્યુ કે તારી યાદ આવી

....દીપા સેવક