Wednesday 30 October 2013

એકલતાની આંધી..

 

આથમતી સાંજ..
એકલતાની આંધી..
ઉઠતી યાદોની ડમરીઓ..
ઉડતી અસંખ્ય અણમોલ ક્ષણો..
એ પકડી રાખવા મથતી નજર...
ધીમે ધીમે વધતું જતું વાવાઝોડું..
ખેદાન મેદાન મનઆંગણ..
મૂળસોતા ઉખડી ગયેલા ચૈન-સુકુન..
ઉંઘના આંખ સુધી પહોચવાના રસ્તા બંધ..
સ્મરણોના આઘા પાછા થવાના રસ્તા બંધ..
અડધેથી પાછા વળ્યા સપના તમામ..
ટોટલ ટ્રાફિક જામ..
આખી રાત અટવાયા એમજ..
આંખોમાં ઉતર્યા ઉજાગરાના સુરજ..
તો છુપાવેલું મારું કઈ આવ્યું ના કામ
સમજી ગયા લોક..આંખ જોઇને લાલ
કે સાજને આંખોમાં કર્યા'તા મુકામ....
...Deepa Sevak.

Monday 28 October 2013

મુક્તક...

મારી આંખોના આઇનામાં તને પીડાતો જોઇને
આ આંસુ મારા અટકી ગયા તને ભુસાતો જોઇને...

=================================
જો તારી યાદની ઉષ્મા ભળી મારી આંખની ભીનાશમાં
તો દિલમાં ધડકતી પ્રીતના વાદળ રચાયા આકાશમાં
જોને ચમકતી વીજળીમાં અરમાનોના ગરજાટ ભળ્યા
એટલે જ મારા વ્હાલ વર્તાયા તને વરસતા વરસાદમાં ....

 ===========================
કહું વિશેશજ્ઞ તને જો તું કોઈ એવું યંત્ર આપી શકે
જે મારી આંખમાં રહેલી ઉદાસીની માત્રા માપી શકે
=============================

તું ભલે ગણે પરપોટો એને
હાથ લગાડીને અનુભવી તો જો
મારી પ્રીતનો પરપોટો ફૂટશે તોય
ભીનાશ રહી જશે
જે તારું હૃદય ભીંજવી જશે ....

===========================
આમ તો ભુલકણી હું નથી પણ ...
તારી સાથે નજર મળતા બધું ભૂલી જાઉં છુ
જવાનું હોય શેરીમાને આંગણથી પાછી વળી જાઉં છું... 

================================
તારી નજર સામે શબ્દો બહુ વામણા લાગે છે
જ્યારથી તારી આંખોની ભાષા વાંચતા શીખી છું....

 ====================================
સવારની સુરખીમાં તારી યાદનો રંગ ભળ્યો જ્યાં
મારા મનનું આકાશ ઇન્દ્રધનુંશી રંગોથી રંગાયું ત્યાં... 

=====================================
વિરહમાં ચાંદમાં તારો ચહેરો નીરખવાના આભાસથી સારું લાગે છે
પણ તારા આગોશમાં સમાયા પછી તો અંધારું જ સારું લાગે છે
તારા બાજુઓમાં રેલાતા પ્રીતના પ્રકાશની રેલમછેલ માણવા સજન
અંધારાની આડમાં ઝળહળતું અંતરનું અજવાળું ઘણુ પ્યારું લાગે છે ... 

 ==========================================
સુની મારી આંખોમાં ભલે રણની તરસ છે
ઝાંખીને જો ભીતર, ત્યાં લાગણીની પરબ છે ... 

 ==========================================
સનમ, મારા ઇન્કારની હદ ત્યાં સુધી
મારી આંખમાં તું ના જુએ જ્યાં સુધી ...

 =====================================
તારી સામે તો તને ના ઓળખવાનો અભિનય ખુબ સુંદર રીતે થાય છે
પણ, મનને કેવી રીતે છેતરું? આંખ બંધ કરુ ત્યાં તારું ચિત્ર દેખાય છે...

=========================================
જાણીને જ છુપાઈ હતી..મળી જાત.... જો તે સરખી રીતે શોધી હોત
આસાન હતું મારા સુધી પહોચવું જો મુકેલી નિશાની તે ઓળખી હોત....

============================================
તારા તરફથી તૂટી ગયા પછી પણ હજુ સંબંધ શ્વાસ લે છે મારામાં
જ્યાં સુધી તારી યાદમાં તડપ છે.... ત્યાં સુધી તું જીવે છે મારામાં...

========================================
સપનાને સુવાડવાનો સવારની હવાને દોષ શું દેવો?
ખરતા પાનની જેમ ખરે ઈચ્છા તો મોક્ષ સ્વીકારી લેવો ...

========================================
હતો જજબાતોનો શોર ભીતર.. પણ હોઠ પર મૌનની બેડી હતી
વાંચીને નજર.. કાશ તું સમજી ગયો હોત જે હું નહતી કહી શકી...

============================================
Deepa Sevak.

એવી એક ડગર મળે ...


પહોચી શકાય એના હૃદય સુધી એવી એક ડગર મળે
એના દિલમાં ઘર કરી શકે કાશ એવી એક નજર મળે

સવારે આંખ ખોલુંને મને તું મારી સામે ઉભેલો મળે
પ્રાર્થના આવી મને સામેથી ફળે, એવી એક ફઝર મળે

છે જુનું પુરાણું મર્જ પણ ઓળખીને દવા જે એની કરે
વણસતા દર્દને મારા વાળી શકે, એવો એક ડોક્ટર મળે...

મળે છે હજારો દાદ પણ તરસ છે જેની એક દાદની
દિલ નીચવી જેના માટે ભર્યા કાગળ,એની એક કદર મળે

થાકી નથી કલમ હજુ મારા દિલના હાલ લખી લખી
કે પહોચી શકે સંદેશ એના સુધી અને ક્યારેક એક ઉતર મળે
 
....Deepa Sevak.

Friday 25 October 2013

તું ગયો ત્યારથી ...

દિલ તોડનેવાલે તુજે દિલ ઢુંઢ રહા હૈ ....

તું ગયો ત્યારથી ...

રોજ રંગ બદલે છે તારા સ્મરણો તારી જેમ
"કભી ખુશી કભી ગમ" જેવી હાલત છે
તોયે આ મનનું શું કરવું જ્યાં
તારી સાથે વિતાવેલી પળો હજુ એમની એમ અકબંધ છે
પણ હકીકત સ્વીકાર્યા વગર છૂટકોએ નથી ને
કે તારીને મોસમની સરખી આદત છે
આપી'તી વસંત તે તો.....
આ પાનખર પણ તારી જ દીધેલી રંગત છે

આજે મને એ સંવાદ યાદ આવ્યો..
તારા સ્મરણ સાથે એ વિવાદ યાદ આવ્યો

જયારે તે કહ્યું હતું ..
તે મને સ્વીકાર્યો છે મારા ગુણ અવગુણ સાથે
પછી તને એમાં વાંધો શું છે
બદલાય છે માટે જ એ મોસમ છે
નહિ તો એનું નામ મૃગજળ ના હોત
તું મોસમની મુશ્કેલીને તો સમજ બદલાવાની એની ફિતરત છે
હું છું મરદની જાત મારી પણ એ જ આદત છે

અને મારો જવાબ હતો...
કર્યો છે સાચો પ્રેમ માટે તો તારી બધી ભૂલો ભૂલી છુ..
ધીરજ ધરી છે મેં ધરાની જેમ માટે તો હજુ તારી રાહ જોઉં છું
નહિ તો સમયની સાથે આગળ વધી ગઈ ના હોત
મને તો તારા મોસમ જેવા મિજાજ સામે વાંધો છે
તારી સામે ક્યાં કોઈ શિકાયત છે?
છે આશા કે સમજાશે તને કદી મારી વફાની શું કિંમત છે
હું છું ઓરતની જાત મારી ધીરજ એ જ મારી તાકત છે

પછી તું મારા પર હસીને આગળ વધી ગયો હતો
હમ્મ વિચારીશ કહીને...
 

ને હું...
હજુ ત્યાને ત્યાં જ ઉભી છુ આંખોમાં આશા ભરીને
તારા મિજાજના ફરી બદલાવાની રાહ જોઇને
તારી યાદને ઉત્સવ ગણીને ..... Deepa Sevak.

Tuesday 22 October 2013

મને થાય છે કે...



મને થાય છે કે...
હું તારું પ્રિય પુસ્તક બનું
કે તારા હાથની હુંફમાં સદા રહું ...
તું ઉદાસ હોય તો મને યાદ કરે
કે તું ખુશ થાય મને વાંચીને
તું નિરાશ હોય તો મને યાદ કરે
કે તને પ્રેરણા મળે મને વાંચીને
તું પરેશાન થાય તો મને યાદ કરે
કે બધા ઉકેલ મળે મને વાંચીને
તું ઊંઘી ના શકે તો મને યાદ કરે
કે તું સુખેથી પોઢી શકે મને વાંચીને
તું પોઢે ને હું તારી છાતી પર રહું
છાતી સરસી ચંપાઈને તારી ધડકન સુણું
અંદર છુપાયેલી બધી નિરાશા ઉલેચીને આશા ભરું
ઉદાસીને ઉરવટો દઈ આંખોમાં સપના ભરું
તારી જિંદગીને નવી દિશાના રસ્તા ધરું
જે હું તારી થઈને નથી કરી શકતી એ બધું
તારું પ્રિય પુસ્તક બનીને કરું
કાશ એ હું કરી શકું… તારા ખાલીપાને ભરી શકું
....Deepa Sevak.

અહી પશ્ચિમના દેશોમાં ....

અહી પશ્ચિમના દેશોમાં લાગે છે સુરજને શ્રાપ છે
ઉગે છે અડધો પડધો ત્યાં વાદળ ગુજારે ત્રાસ છે

સહેજ સુરજ પગ પસારે ત્યાં વેરી વણસે વાયરા
મુકીને પડછાયા સુરજ પર વરસાવે વરસાદ છે

આમ જુઓ તો દુનિયાભરમાં ઋતુચક્ર એક જેવું
ઉનાળા પછી ચોમાસાનું આગમન બધે ખાસ છે

અહી પશ્ચિમના દેશોમાં સઘળું અવળું થાય છે
એક દિવસની અંદર અહી બધી ઋતુઓ સાથ છે

રોજ બદલાતી લાગણીઓ સાથે ઋતુ બદલાય છે
સવાર ઉનાળે,બપોર ચોમાસેને ,શિશિરની રાત છે

ઘડિયાળના કાંટે ચાલતી જિંદગી તોય ના રોકાય છે
અહીની જિંદગીમાં મશીન જેવા માણસની ના વિસાત છે

...Deepa Sevak.

Monday 21 October 2013

SHAYRI(21 OCT'13)

*રાતના અંધારને અજવાળવા એક ચાંદનો જ ઉજાશ પુરતો છે
  મારા ભીતરને શણગારવા તું મારો હોવાનો અહેસાસ પુરતો છે


* તું અવગણે મને તોય મારું મન તને ક્યાં અવગણે છે?
  તારા અનેક ઇનકાર પછીયે તને હજુ પોતાનો જ ગણે છે


* આપણા સંબંધને શરૂથી તે તો માન્યો હતો ખરી ગયેલા પાન સમ
   તોયે સંબંધ શ્વાસ લે છે હજુ કારણ
   મેં તો જન્મીને પાનખરમાં તને સ્વીકાર્યો હતો શ્વાસના સંધાન સમ


* રણની સફર સમી હતી જિંદગી તારા આગમન સુધી
   વિરાન મન,બની ગયું ઉપવન તારી નજરના સ્પર્શથી


*નથી થતી અસર સાવ એવું તો નથી
  પણ તૂટેલું દિલ વારે વારે હવે તુટતું નથી
  ટેવાઈ ગઈ છે નજર તારી રૂખી નજરથી
  તારી અવગણનાનું ગુમડું હવે દુખતું નથી


* મારા ઓરડામાં ઉતરતા પ્રકાશ પર હક મારો હોય છે
   બારી બહારના આકાશ પર મારો ક્યાં ઈજારો હોય છે?


* રાતપડે આંખમાં સપનું બનીને તો રોજ તું મળે મને
   કોક'દી તો એવું બને કે સવારે આંખ ખોલુને તું જડે મને


*  સાથે રહી તારું ચુપ રહેવુ નથી ગમતુ મને
   બાકી એકલતાનું અંધારું નથી કનડતું મને


Deepa Sevak

Friday 18 October 2013

પહેલો પ્રેમપત્ર ....


 

તારા લખેલા પહેલા પ્રેમપત્રની નકલ મળી મને
કબાટમાંથી અચાનક વર્ષો જૂની પળ મળી મને

જેમ ફરી ફરી વાંચ્યા મનમાં ઉઠેલા એ સ્પંદનો
રગરગમાં ઊર્મિઓની મીઠી રણઝણ મળી મને

સપનું મારું જયારે હકીકતના રૂપમાં ઉભું'તું સામે
જિંદગીમાં ઘટેલી એ સૌથી સુંદર ઘટના મળી મને  

શબ્દોમાં ઉભરાતી પહેલી વાર મળ્યાની અનુભૂતિ
યાદોમાં થંભી ગયેલી મિલનની એ ક્ષણ મળી મને

ઉદાસીના અંધકારમાં અટવાતી હતી નજર જ્યાં ત્યાં
તારી આંખોમાં ખુશીઓની રોશનીની ઝળહળ મળી મને

તારા વિચારોના ઊંડાણની ગહેરાઈમાં ડૂબી હતી હું સંપૂર્ણ 
જયારે કાગળમાં વીંટળાયેલી તારી શાણી સમજણ મળી હતી મને
Deepa Sevak.

Wednesday 9 October 2013

એવું નહતુ કે...




એવું નહતુ કે અઘરા હતા એને ઉકેલવા
જે કોઈડા હું ઉકેલી શકી નહિ
પણ તારી આંખોમાં વાંચ્યા પછી ઉતર બધા
જુના હતા જે ઘાવ છંછેડી શકી નહિ
વેદનાના વાવાઝોડાની આગાહી તો હતી
જ્યારથી વાદળ ઘેરાયા હતા શંશયના
પણ ચાહ્યા છતાં હું ભાવનાઓ સંકેલી શકી નહિ
... Deepa Sevak.

પળોજણ...



શબ્દોને ગોઠવવાની પળોજણ રહેવા દે હવે
મૌન તારું વાંચવાની આદત પડી ગઈ છે મને
... Deepa Sevak.

બસ એ એક પળમાં ...


 બસ એ એક પળમાં આખી જિંદગી સમેટાઈ ગઈ
સાવ ખાલી હતી આંખો એ સપનાથી ભરાઈ ગઈ

આંખ મિલાવીને હળવેથી હાથ તે પકડ્યો જ્યાં ...
ત્યાં તો ઝણઝણાટી આખા બદનમાં ફેલાઈ ગઈ

મુખ પર તારા સ્મિત જ્યાં આવ્યું જરા મારા માટે
ત્યાં તો મારા હોઠ પર જાણે વસંત લહેરાઈ ગઈ

આંખોથી આંખોએ કરી વાતો જન્મોની ઓળખાણની
શબ્દો જ્યાં ના પહોચી શક્યા ત્યાં મૌનની શરણાઈ ગઈ

એ થંભી ગયેલી પળોમાં બોલતા મૌનની વચ્ચે
અજાણે દિલમાં અરમાનોની રંગોળી રચાઈ ગઈ

તારી મીઠી નજરમાંથી રેલાતી રોશનીના અજવાળે
મારી એકલી અંધારી રાતોની આખી વાર્તા બદલાઈ ગઈ

સજન સુની જિંદગીમાં અચાનક એક તારા પગરવથી
અધુરી એષણામાં ભટકતી મારી જિંદગી પૂર્ણ થઇ ગઈ
... Deepa Sevak

Monday 7 October 2013

તું મને મારામાં દેખાય છે ..

તારા પ્રેમમાં જોને..
સાંજની એકલતાની અસર કેવી થાય છે
તારી ગલીમાંથી પસાર થયેલી
હવા પણ શરમાવી જાય છે
વિના સંકોચે આવીને વળગે છે મને
"I LOVE U" કાનમાં કહી જાય છે
ફરફરતી મારી ઝુલ્ફોમાં..
મને તારો સ્પર્શ અનુભવાય છે ...
ગાલ મારા સહેલાવતી લટ
જાણે તારી આંગળી બની જાય છે
પછી ધીમે ધીમે બેશરમ બની
એ હોઠ સુધી પહોચી જાય છે
હવે આગળ હું શું કહું...
પછી મારા દિલમાં શું થાય છે?
કે પ્રીતમ મારો પાલવ બની
મને વીંટળાઈ જાય છે
હા સજન તું નથી તોયે...
હાજરી તારી ચોતરફ વર્તાય છે
તું મને મારામાં દેખાય છે ..
...Deepa Sevak.


Wednesday 2 October 2013

કેવી રીતે?...(2)



કહો ખુલ્લી આંખે સપના સજાવુ કેવી રીતે?
હકીકત જાણતા મનને ફોસલાવું કેવી રીતે?

મરવાના વાંકે જીવતા અધમુઆ અરમાનોને ...
છેતરી, ધોળા દિવસે તારા બતાવું કેવી રીતે?

જાણું છું જડમૂળથી જ જેના પાયા છે કમજોર
એ પર મજબુત ઈમારત હું બનાવુ કેવી રીતે?

નદી નથી, નથી દરિયો, છે સાવ સુકુંભઠ અંતર
લાગણીના રણમાં વિશ્વાસનું વહાણ તરાવુ કેવી રીતે?

રણની રેતીમાં મોગરા ખીલે ખાલી કવિતામાં
બાવળના બાગને મધુવન બનાવુ કેવી રીતે?

થાકી ગયેલું મન થોડો પોરો ખાવા ઈચ્છે છે
પણ રણની સફરમાં લીલુડો વડલો લાવું કેવી રીતે?

...Deepa Sevak