Thursday 26 November 2015

નારાજગી...

નારાજગી તારાથી..
મને પણ એટલું જ નડે..
અજંપો આંખો કાઢે..
સંવેદનાના સળ તળે..
અબોલાની આંખો ચુએ..
એના ટીપે ટીપે..
બંધાયેલા શબ્દો પર સેવાળ વળે..
મૌનની ચીસો સાંભળી
લપસે લાગણી..
ઘાયલ પ્રણયને પરસેવો વળે..
એમ તો ભીતર ઉઠે અગનગોળો
તોયે આંખો ટાઢકનો અભિનય કરે..
પછી પલકો પાછળ થીજેલા સુરજને
જાણે એ બરફનો આફરો ચડે..
ને અચાનક તારા એક ટહુકે
પથ્થરમાં સહેજ તિરાડ પડેને
છુપાયેલું ઝરણું ફૂટે એમ..જ
મારામાંથી વ્હાલનો દરિયો ફૂટી નીકળે.. 
...દીપા સેવક. 



Monday 2 November 2015

એકલતા...

સમીસાંજે ઘર આંગણે
એક પડછાયો મૂંઝાય છે..
એની પીઠ પસવારવા..
ઓરડો આંગણ સુધી લંબાય છે..
પોતાનું લાગે આ શેરીનું કુતરું..
જયારે કેહવાતા પોતાના
પારકા થઇ જાય છે...
અહિ સ્મરણની મહેફિલ જામે
શૂન્યતાની સોડમાં..
એકલતા તો..
ઘરની ભીડમાં વર્તાય છે..
...દીપા સેવક.