Wednesday 31 August 2016

તારામાં રહેલી હું..

તને ખબર છે ?
તારામાં રહેલી હું..
તારી જાણ બહાર જ ભૂંસાઈ રહી છું ..
રાતમાં ઓગળે જેમ સાંજ 
એમ જ ધીરે ધીરે હુંયે..
તારામાંથી વિલાઈ રહી છું
એક સપનાનો પાલવ પકડી 
દોડવુ તો છે મારે..
સતત અવિરત પણ ..
હકીકતના પર્વત નીચે 
જોને પળપળ પીસાઈ રહી છું
આમ તો તારી ખાસિયત છે 
તું સઘળુ સાચવીને રાખે છે ..
ચોક્કસ સ્થાને..
કે જરૂર પડે ત્યારે શોધવું ના પડે 
પણ.. લાગે છે હું એવી ચીજ છું 
જે જરા આડે હાથે મુકાઇ ગઇ છું..
હેં ને...દીપા સેવક.

Tuesday 30 August 2016

અનહદ..

તારી પ્રીતમાં તપતુ ભીતર..
અનહદ.. અવિરત..
દાહ એવો કે.. લાગે..
આખી સળગી જઈશ..
વિરહ તારો તપતો સુરજ 
ને યાદ તારી..મારે મન..
મંદિરના સંગેમરમરની ઠંડક..
જરા હાથ લંબાવ તું.. 
શરમ છોડી વળગી જઈશ..
બની ને વાદળની જાત ..
તું એકવાર..
ધોધમાર વરસી તો જો ..
માટી છું.. મહેંકી જઈશ.. 

..દીપા સેવક.

Wednesday 24 August 2016

બારી બહારનું આકાશ...

કેટલુ ચાહુ છું તને ના કાયમ પૂછ્યા કર મને 
અલગતાની બધી દીવાલ તોડી મળી હું તને

સાંજથી જ રાતરાણી મ્હેકતી મુજ શ્વાસમાં   
જ્યાં તારી યાદના પડછાયાની સુરભી અડે  

તસ્વીર તારી આંખમાં આંજી ઓઢું રાત હું  
ઓશીકાની કોરને એ જોઇને પરસેવો વળે 

પાંગર્યું ભીતર સુધી બારી બહારનું આકાશ
તારા સિવાય ત્યાં સુધી કોઈ ના પહોચી શકે 

રસ્તો તય કર્યો પળમાં તે 'દીપા'ના દિલ સુધી
તારા વિચારે ટેરવા ખળભળે ત્યાં ગઝલ મળે

...દીપા સેવક.  

Monday 22 August 2016

તરસ..


તારા વ્હાલને તરસું છુ 
માટે મનભરી વરસું છું


ભીંજવીને તને પ્રેમથી 
મારી તરસ છીપવું છું

માંગીને મેળવવું નથી 
એથી આપીને રીઝવુ છું

હા, સુરભી તારા સ્નેહની
આંખો મીંચી અનુભવુ છું 

'દીપા'ની દુનિયા તું છે
બસ એટલું કહીને વિરમું છું 

..દીપા સેવક.  

Wednesday 10 August 2016

કાશ !!!

કાશ કોઇ એવુ યંત્ર મળે ..
જે મનની ઉથલપાથલ માપી શકે
જે આંખોમાં ઉતરી ભીતર ઝાંખી શકે
દુ:ખતી દરેક રગમાંથી વેદના કાઢી શકે
ખાલીપાને ખંખેરી ત્યાં ખ્વાહિશો વાવી શકે
શૂન્યતાના સોળ પર..
સંવેદનાથી મલમ લગાવી શકે..    
જયારે હોઠ હસે તો.. સાથે સાથે..
આંખને પણ હસાવી શકે... 
તો.. મો માંગી કિંમત આપી ખરીદી લેત ..
પછી તો.. ના તારે કઇ કહેવું પડે મને ..
ના મારે કઇ પૂછવુ પડે તને !!
બસ.. તને જોઇને સઘળુ ભાંપી લેત..
ને જિંદગીની રોલરકોસ્ટર રાઈડમાં ..
તને કહ્યા વગર સદા તારી સાથે રહેત..
પણ..કાશ કોઇ એવુ યંત્ર હોત ...
કાશ !!! કાશ !!! કાશ !!!

  ...દીપા સેવક.

Monday 8 August 2016

સમયની સીમારેખા ..

એવું નથી કે.. 
જિંદગી શું છે ખબર નથી મને ..
શબ્દોમાં ના ઉલઝાવ તું .. 
ઝાંઝવાની ખેતી ને તરસના ઉપવન 
વરસતી વેદનાને હોઠ લંબાવી હંફાવ તું ..
હોઠ પર ના લાવી શકાયેલી છે કેટલીય વાતો
સમજી જા ને.. 
મૌનની મજબુતી ના આજમાવ તું ..
કોણ બાંધી શક્યું છે સમય ..
આંસુના ઓળાની બીજી બાજુ નજર લંબાવ તું ..
આ પારથી પેલે પાર પહોચવાની છે ગડમથલ ..
સમયની સીમારેખા ઓળંગી શકે તો આવ તું.. 
...દીપા સેવક.

Friday 5 August 2016

તને પણ થાય?..

એક વાત પૂછું?
મારા જેવુ તને થાય?
તું સાથે ના હોય તોય 
કાયમ આસપાસ વરતાય  
મનમાં સંભારુ તને ત્યાં 
તું આવી આંખમાં અંજાય
સવારે તારી એક નજર પડે ત્યાં 
જાણે આખો દિવસ રંગાય  
તારો સાંજનો વાયદો હોય ત્યારે   
ધડીયાળ બપોરથી ખોડંગાય 
રાહ તારી જોતા જોતા 
જાણે સમય જ થંભી જાય..
મને તો એવું થાય .. 
શું તને પણ થાય?
...દીપા સેવક.

Tuesday 2 August 2016

ભીત ખખડાવો તમે...

ભીતરે જો જવુ  હોય તો હામ ના હારો તમે
પ્રયત્નના દરવાજે જરા ધીર રોપાવો તમે

સતત બોલાવો તોય હોંકારો ના પણ મળે
બારણા ના દેખાય ત્યાં ભીત ખખડાવો તમે

નહિ પડે બાકોરુ તો, પોપડા તો ખરશે જરૂર
અહમની છોડી આંગળી વ્હાલને વાવો તમે

એક અણસારે આંખનો ઓલવાતો શ્વાસ પણ 
બસ ઉમીદની આ રોશની સાચવી રાખો તમે

હારતી ના પરભાત લગ રાત જેવી રાત પણ
તો સૂરજનો અંશ થઇ કાં તિમિરથી હારો તમે 

યાદના ખેતર, લાગણીના વારિ વ્હેતા રાખશે 
આગિયા જો અજવાળુ ઢોળે તો ફેલાવો તમે 

દઈ ટકોરા આ ટેરવે ગઝલ "દીપા' ગૂંથતી
ભરમનાં લીપણથી આ ભીતને શણગારો તમે
...દીપા સેવક.