Wednesday 26 October 2016

ક્ષિતિજના સ્પર્શ..

જ્યાં સાંજ આવી આંગણે દસ્તક જરી દે છે
ત્યાં યાદની સુગંધ શ્વાસ અત્તર કરી દે છે

છે આગવી આભા ક્ષિતિજના સ્પર્શની એથી
સામેથી સંધ્યા ગાલ પોતાના ધરી દે છે

આ રાતરાણીના તડપતા શ્વાસના સોગન  
જો ડંખ તારી યાદના પાગલ કરી દે છે     

લાગે તો છે ભીતરનો આ દવ બ્હાર ફેલાયો 
છે રાખ તોયે આંખ સપનાથી ભરી દે છે 

જ્યાં સૂર્ય પડછાયો બનીને આંગણું લીપે 
એ ઘરમાં તો અજવાળુ સ્વયં ભૂઃ જનમ લે છે

દીપાએ શણગારી ગઝલ સન્માનમાં જેના 
એ ટેરવેથી ટપકતા શબ્દને સોનુ કરી દે છે
...દીપા સેવક.  

Tuesday 18 October 2016

જિંદગી શાને...

જિંદગી શાને મને આવુ સતાવે છે?
જે નથી તકદીરમાં તું શેં ગમાડે છે?

એજ સપનું આંખને સૌથી વહાલું શેં?
આવતા સાથે જે મારી ઉંઘ ઉડાડે છે

ખ્વાબ  મારી આંખમાં આવી ભુલે રસ્તો
યાદ આવી દ્વાર જયારે ખટખટાવે છે

એક અલગારી હઠી સાધુ છે બેચેની   
સાદ પાડે યાદ ત્યાં ડેરો જમાવે છે

મૌન જેવા રૂપમાં આવી મને મળતુ
શબ્દ પણ એ જોઇને આંખો ઝુકાવે છે

છે કલમનો સાથ મુજને એટલે જીતુ
નહિ તો જીવન ધૈર્ય કાયમ આજમાવે છે 

આંસુ સૌ 'દીપા' છુપાવે હાસ્યની પાછળ 
દર્દ ઢોળી ગઝલમાં એ રંગ લાવે  છે
...દીપા સેવક.    

Tuesday 11 October 2016

વિશ્વાસની વેદના...

આરઝૂના હાંફતા શ્વાસોમાં રૂંધાઇ ગયા
હકિકતના શહેરમાં સપના ખોવાઈ ગયા

ધીમા પણ મક્કમ પગલે ચાલવાના ઓરતા 
હાથ તે ઝાટક્યો ત્યાં હવામાં હોમાઈ ગયા 

જાણે એવું તો શું જોયુ મેં તારી આંખમાં
ઓળખાણના બધા મતલબ ભુલાઈ ગયા 

માંગણી મેં ક્યાં કરી'તી આખા આભની કે  
બારમાસી મેઘના સરનામા બદલાઈ ગયા

કોણ સમજી શકશે હવે વિશ્વાસની વેદના 
જ્યાં હાથથી આંગળા જાતે જ કપાઈ ગયા

જંગ છેડી છે 'દીપા'એ જાત સાથે જોશથી 
હારશે નહિ, ભલે હથિયાર ધોખો દઇ ગયા 
...દીપા સેવક.
    

Wednesday 5 October 2016

તારું સાનિધ્ય...

કેમ કહું કે ...
તું દુર છે મારાથી
કારણ ..
હાથ લંબાવું ને કલમ ઉઠાવું ત્યાં..
તારો સ્પર્શ મહેસુસ થાય છે..
કાગળમાં તારો જ ચહેરો દેખાય છે..
જે કવિતા રચાય છે..
એના શબ્દોમાં તું પડઘાય છે
એની લીટીએ
લીટીએ..
તારું સાનિધ્ય અનુભવાય છે
કે તારી દુરીનો અહેસાસ
મને ક્યાં થાય છે?
જેમ દિલમાં ધડકન..
એમ જ...
તું સતત મારામાં પડઘાય છે..

  ....દીપા સેવક.