Monday 30 March 2015

માનીને દર્દને મીઠું ....

માનીને દર્દને મીઠું કોઈ ક્યાં સુધી મમળાવે?
બાળીને દિલ દિવાળી કોઈ ક્યાં સુધી મનાવે?

એક ફાંસ અટકી ક્યારથી ભીતરના ભાગ્યમાં,
છલક્યા નથી એ આંસુને કોઈ શું કહી સમજાવે?

યાદોના તાપથી બળતી જ્યાં દિલની ધરતી, 
અરમાનના વાદળોય ત્યાં આંખે ઉધમ મચાવે.

છે તરસ ખળખળ ભીતર, ઉપર સૌમ્ય સાગર,
સુકા હોઠની હોડી ઝાંઝવા ઝરણ બની તરાવે.

કેટલીક લાગણીના શ્વાસ આવીને અટકે ટેરવે,
મૌન કોઈ વાંચે તો કદાચ શબ્દોમાં જીવ આવે. 

...દીપા સેવક  




Wednesday 25 March 2015

સપનું સળગતુ....

ઝાંખુ થયુ તોયે લાગે ચળકતુ
છે નામ તારુ કે સપનું સળગતુ

અડકે છે આંખો ને દાઝે ભીતર 
ફુંક યાદ મારે ત્યાં જોરે ભડકતું

લાંબો કરી હાથનેય શું કરુ હું?
લીસી હથેળી તું રેશમ સરકતુ 

છે રાતરાણી ને નાગનો નાતો 
સુગંધ સાથે ઝેરનુ ઝોકુ વળગતુ

ઝાંકળ સમી આ નાજુક મુહોબ્બત
સુરજ બનીને જગ જેને ભરખતું  

... દીપા સેવક.

Monday 23 March 2015

સ્મરણના પારિજાત...

મોસમમાં ભીની ભીની સુવાસ છે
તારા સ્મરણના એ પારિજાત છે  

આંખે ઉનાળાની ચમક્યુ ઝાંકળ   
કેવી અનોખી સુગંધિત રાત છે

લાગે ભલે સૌને કે ખુબ દુર છે તું 
પણ તું નથી તોયે,તું ચોપાસ છે 

દરિયો નથી તોયે ઉછળે લેહરો 
ભીતરની ભરતીનો આ પ્રતાપ છે

તારી છે યાદોને,તારા જ સપના  
તોયે કહેવાય,આ મારી આંખ છે

ધડકે છે દિલ કે તું દિલમાં ધડકતો 
મારી દુઆનો તું પ્હેલો પ્રાસ છે 

લે નામ તારુ અવિરત શ્વાસ મારા  
ઈશ્વર સમ તારો મુજમાં વાસ છે
......દીપા સેવક.

Friday 20 March 2015

તારી યાદ...

તારી યાદની મધુમાલતી
જયારે મારા મનની બારી પર ટકોરા દે છે
ત્યારે આંગણમાં લહેરાતી મધુમાલતી
સોળે કળાએ ખીલી જાય છે..
ને એની સુગંધનો ક્યારો ભરી
મારી ચોતરફ મંડરાતી હવામાં
અચાનક તું પ્રગટ થાય છે.. 
જાણે ચાંદનીના ઉજળા અંગમાંથી
છુટું પડેલું
પેલું છતમાંથી ડોકાતું ચાંદરણું
જે અંધારા ઓરડામાં
 પ્રકાશનો પુંજ બની પથરાય છે...

....દીપા સેવક.

સંબંધની સંભાવના...

એક સરખી યાતના જ્યાં હોય છે. 
સંબંધની સંભાવના ત્યાં હોય છે. 

આંખ વરસે આંખને થાયે અસર,
દિલથી દિલની ચાહના જ્યાં હોય છે.

વાત દિલની હોઠ પર આવે નહિ,
ભાવ વગરની ભાવના જ્યાં હોય છે.  

સાચ સાથે આહનો નાતો જુનો, 
પ્રીત જ્યાં દર્દની સાધના ત્યાં હોય છે.

ડાળ પર પર્ણ એક જ્યાં પીળુ થયું, 
પાનખર પણ નજીકમાં ત્યાં હોય છે  

એમ તો કઇ આ સફર અઘરી નથી,
ઈશ વસે આરાધના જ્યાં હોય છે. 
......દીપા સેવક.

Thursday 19 March 2015

મૌનની ભાષા...

મૌનની ભાષા ક્યાં સૌને સમજાતી હોય છે
પણ હર્ષની ક્ષણોમાં એજ બોલાતી હોય છે

જ્યાં હોઠ પર આવી સુકાય શબ્દોના સાગર  
ત્યાં સરિતા સ્નેહની સ્પર્શમાં રેલાતી હોય છે

અસંખ્ય ફૂટતા બોલ જ્યાં સીવી દે છે હોઠ
ત્યાં પ્રીતના ટહુકે આંખ પડઘાતી હોય છે

સંવેદનાના શોરમાં શબ્દો જ્યાં પાછા પડે
ત્યાં મૌનની વાંસળી જ સંભળાતી હોય છે

લાગણીના ગામમાં પ્રચલિત આ જ બોલી
જે આંખોથી જ બોલાતી ને ચર્ચાતી હોય છે

જો બેહરામુંગા થઈને પ્રીતના પારેવા વરતે
એને જગમાં ચકચારની ક્યાં ઉપાધી હોય છે?

પીયુની વરસતી આંખમાં જોઈ ઉમંગોના ફોરા
મનકુંજમાં મધુમાલતી પ્રીતની લહેરાતી હોય છે 

...દીપા સેવક.     

Monday 16 March 2015

આલિંગનની આરતી....

અણધારી એ એક ક્ષણ જો આંખ એની ભીંજવી ગઈ
વ્હાલની વેલ બની હું એની આસપાસ વીંટળી ગઈ

અવાચક બનેલી આંખમાં લાગણીનો ધોધ પ્રગટ્યો 
પ્રચંડ એના પ્રવાહમાં મહેફિલની મર્યાદા વહી ગઈ  

નજરથી નજરના સ્પર્શ થયાને, કાબુ ના રહી શક્યો
અમે મહેફિલ વચ્ચે ઉભા છીએ એય હું વિસરી ગઈ

એના ઉછળતા મૌનમાં દરિયા સરખો ઘૂંઘવાટ હતો
શબ્દોની સરિતા સઘળી જેની લહેરોમાં ભળી ગઈ

આજ મારા ઈશ્વરને ધરી મેં આલિંગનની આરતી
પૂજા કરીને પ્રેમની હું પૂર્ણ પુરુષોતમને વરી ગઈ

...દીપા સેવક 

Friday 13 March 2015

એવું લાગે છે ...

એવું લાગે છે ...
છત પર લગભગ મહિનાઓથી થીજેલા બરફ પર.. 
આજકાલ સુરજની કિરણો અસર કરવા લાગી છે..
ને વર્ષોથી થીજેલા તારા અહમ પર 
મારા સ્મરણની ધુપ પણ કદાચ 
એની ચાળી ખાય છે
આ આંગણમાં ધીમું ટપકતી છત
ને તારી ભીની નજર .
શાયદ મોસમ બદલાઈ રહી છે..
આંગણ સાથે મારા મનની પણ...


...દીપા સેવક.

Thursday 12 March 2015

જેને અડકતુ હોય છે...

અમથુ ક્યાં આ દર્દ વળગતુ હોય છે
ભાવથી ભીતર આ ભડકતુ હોય છે

હલકુ અજવાળું જે ભાસે છે અહી
એ તો આંખમાં સપનુ સળગતુ હોય છે

આરઝૂની આંખના ભીના ખુણે
આશનું રણ રોજ પનપતુ હોય છે

એક ઝોકુ ઝંખનાના હાસ્યનું 
સ્વાર્થની આંધી સરજતુ હોય છે 

ચાલ મારી સાથ સમયને કેમ કહુ?
મારુ મન પણ ક્યાં સમજતુ હોય છે

મેળવીને તાલ એ ક્યાં ચાલશે 
ચક્ર જે સમજણથી સરકતુ હોય છે

આપની મરજી તો થોપી ના શકો  
ખુદની મરજીથી એ વરતતુ હોય છે  

તાપ અમથો શબ્દનો બાળે નહિ
એ જ દાઝે જેને અડકતુ હોય છે
....દીપા સેવક

યાદના પતંગીયા....

મારી આંખોના ઉજાગરે રંગાયેલી રાત
ચાંદનીને આગોશમાં લે ત્યારે..
તારી યાદના પતંગીયા ઉડાઉડ કરતા
પેલી રાતરાણીની આસપાસ મંડરાય છે..
કારણ એની સુગંધમાં તારા શ્વાસ વર્તાય છે.. 
વાયરાની વેલ પર વીંટળાય છે.. 
ને તારા ગીત ગણગણતા.. 
ભીની પાંખમાં તારુ આલિંગન ભરી, 
પાછા મારામાં સમાઈ જાય છે.. 
ને મારું અસ્તિત્વ તારામય થઇ જાય છે.. 
પછી મને જોઇને તો..
પેલી રાતના આગોશમાં સમાયેલી
ચાંદનીનેય ઈર્ષા થાય છે 
....દીપા સેવક

Monday 9 March 2015

અવગણના...

તારી અવગણનાએ પાડેલા ભીતરના ઘામાંથી..
વહેવા દીધું છે રક્ત મેં જાણી જોઇને જ ... 
કે... રગે રગે વ્યાપેલા તને..
મારામાંથી નીકળવાનો આસાન રસ્તો મળે.. 
ને..તો કદાચ..
લાગણીના તડપતા શ્વાસને થોડુ ચૈન મળે...   
....દીપાસેવક.

Saturday 7 March 2015

આંખની હડતાલ ...

હડતાલ પર ઉતરી છે આંખો જ્યારથી
સપનાની રોજી છીનવઈ છે ત્યારથી 

છે રાત સાથે ચાંદનીનો કરાર પણ 
અજવાળુયે કેટલું મળે ઉધારથી?

તો યાદના ખંડેર પણ ગુંજી શકે 
જો મૌનના ટહુકા મળે બાજારથી 

ભૂખ્યા મરે છે લાગણીના છોકરા 
વેરો લગાવ્યો પ્રેમ પર તે જ્યારથી 

ભીતર ઉઠી છે આગ કોણ એ ઠારશે
વંચિત છે આંસુ પણ અહી અધિકારથી

શાયદ ઉકેલ મળી શકે આ પ્રશ્નનો 
જીતી શકાય જો ભીતરી સરકારથી
(ગાગાલગા ગાગાલગા ગાગાલગા) 
...દીપા સેવક.