Wednesday 28 January 2015

વાલમની વાત ...

વાલમની વાતને એમ વહેતી મેલાય નહિ
ખાનગી આ વાતો સખી જાહેરમાં થાય નહિ

આંખો એની જાણે વાસંતી વ્હાલનો છે ધોધ
જેના ઘસમસતા વ્હેણમાં હું ભીંજાતી રોજેરોજ
એ ઘસમસતા વ્હેણ સખી ખોબે ઝીલાય નહિ
ખાનગી આ વાતો સખી જાહેરમાં થાય નહિ

એના શ્વાસોમાં આવે મુને રાતરાણીની સુગંધ
જેની મ્હેકથી મધમધતું મારું એક એક અંગ
કઈ ફૂલનાથી ફોરમના દાયરા બંધાય નહિ
ખાનગી આ વાતો સખી જાહેરમાં થાય નહિ

એ આંખથી અડકેને ભીતર ધીખે ચૈતર વૈશાખ
સાયબો આંખો નચાવી જો ખેલે ફાગણના ફાગ
એના રંગે રંગાયેલો જીવ ઝાલ્યો ઝલાય નહિ
ખાનગી આ વાતો સખી જાહેરમાં થાય નહિ

આપી આંખોથી આલિંગન મારા તડપાવે શ્વાસ
પછી મૂછોમાં મલકી માપે સજન મનનું આકાશ
એ ભવના ભેદીથી ભેદ કઈ છુપાયો છુપાય નહિ  
ખાનગી આ વાતો સખી જાહેરમાં થાય નહિ

ઊંડાઈ એના પ્રેમની જાણે કોઈ વણઝારી વાવ
જેમ જેમ ઉતરુ પગથીયા જાત ભૂલતી હું જાવ
કે ખુદને ખોયા વગર સાચી પ્રીતને પમાય નહિ 
આ તો ભવભવની પ્રીત સખી રોકી રોકાય નહિ
ખાનગી આ વાતો સખી જાહેરમાં થાય નહિ
....દીપા સેવક 






Monday 26 January 2015

ઉજળુ અંધારું...

સાંજ જયારે..
શૂન્યતાનો શણગાર કરી મારે આંગણે ઉતરે..
ત્યારે રાતનો અંધકાર..
હરખઘેલા પ્રિયતમની જેમ એને બાહોમાં જકડે.. 
પછી...
તારા વિચારોમાં ઘેરાઈ જાય મન
થાય થોડી બેચેનીનું અવતરણ
તડપે અરમાન સજન..
પણ..
રાતરાણી પર પડતા ચંદ્રકિરણ
ને એ મહેકતા અંધારામાં તારી યાદનું ગાઢ ચુંબન
મને તારી મહેકથી તરબતર કરી દે છે
પછી અંધારું મને ઉજળુ ઉજળુ લાગે છે
...દીપા સેવક

Friday 16 January 2015

અસહ્ય સાંજ ...

આમ તો કેટલાય લોકો 
રસ્તે ચાલતા ભટકાય છે
કોક હાથ હલાવી ,
તો કોક ખાલી સ્મિત આપી..
આગળ વધી જાય છે.. 
પણ.. એકમેકને નખશીખ ઓળખતા આપણે
છુટા પડ્યા પછી..
જયારે અચાનક રસ્તામાં મળીયે.. 
ત્યારે તું ના ઓળખવાનો ઢોંગ કરી..
નજર ફેરવી જાય.. 
પછી તો..
તારા વગર થોડી મુશ્કેલ લાગતી
એ સાંજ અસહ્ય થઇ જાય છે...

. ...દીપા સેવક.

Saturday 10 January 2015

હોશમાં આવું....

ચાહત છે મનથી ઘણી કે હોશમાં આવું
પણ આંખો ખુલે જરી તો હોશમાં આવું

જગની નિશાળે ભણી જે એકડા ઘૂંટ્યા 
ભેજુ એ ભુંસે જરી તો હોશમાં આવું 

આખી સુરાહી કરી ખાલી અહંના પેયની 
ઉતરે એનો મદ જરી તો હોશમાં આવું 

સાતે પડ થીજી ગયા છે ચામડીના જો 
ત્યાં ઉષ્મા પ્હોચે જરી તો હોશમાં આવું

આતમ એકપગે ઉભો છે ઝંખનાવનમાં 
તપ એનું તૂટે જરી તો હોશમાં આવું

મોઢું બાંધીને સુતેલા સાપ ભીતરના 
એ મારે ડંખો જરી તો હોશમાં આવું 

ઝંઝોડીને એ જગાડે માંહ્યલો મારો 
પ્રસરે એનુ ઝેર જો, તો હોશમાં આવું 
(ગાગાગાગા ગાલગાગા ગાલગાગા ગા )

....દીપા સેવક.

Friday 9 January 2015

ઉછીનું આકાશ..

મારી આંખમાં ઉતરી આવેલું
સપનાનું એ ઉછીનું આકાશ
મને મારું લાગે તે પહેલા
હકીકતના શાહુકારે ઢંઢેરો પીટી જણાવ્યુ
પારકા પર પોતાનો હક જમાવવા જઈશ તો
તારુ છે એય તારું નહિ રહે
પગ નીચેથી જમીન સરકી જશે
પછી.. ઉભવાનું ઠેકાણુંય નહિ રહે
તો.. ભીતર ઈચ્છાની આગ બળતી રહી
તોય ..પાંખો કપાયેલા પંખીની જેમ
રાતભર ઝંખનાઓ તરફડતી રહી
હવે.. ઉદાસ આંખો સવારનો ચહેરો ઝંખે છે
જ્યાં આશાનો સુરજ ઝગમગે  
ને સાતે કોઠા એના તેજથી ઝળહળે  
...દીપા સેવક. 

એકાંતના ઓરડે..

મારા એકાંતના ઓરડે..
તારા સ્મરણના સાનિધ્યે..
આંખોની આરપાર.. 
એષણાના જંગલ ઉગી નીકળે છે
ધીમે ધીમે મને ઘેરતા..
ધુમ્મસના ફુવારા ફૂટી નીકળે છે 
શૂન્યતાનો શોર.. 
નિ:સહાય સંવેદના..   
ઉપર નીચે થતા શ્વાસ..
ભીતરનું પંખી ફફડે છે
પોતાના જ માળામાં કેદ કબૂતરને..
આઝાદીનો શોષ પડે છે  
ત્યાં સુરજ બની તારી આંખો..
અંધારામાં ઉભરે છે
ને પછી જાણે..
મને અજવાળાની પાંખો મળે છે
ને ભીતરનું આકાશ આખુ ઝળહળે છે  
...દીપા સેવક.