Sunday 22 February 2015

દર્દે-દિલ...

ક્યારે કોઈનો સાદ સુણીને કોઈ આવ્યુ છે ?
રાખે આશાઓ જુઠી, દિલ એટલે ઠગાયુ છે

આંખના રસ્તે થઇ દસ્તક દિલ પર દેતુ દર્દ 
છુપતું નથી કેમેય જે દર્દ દિલમાં ભરાયુ છે

દિલથી દિલમાં ઝાંખે કોઈ તો દેખાય કદાચ
દિલના ક્યાં ખૂણામાં દર્દનું વાદળ છુપાયું છે

દઈ દિલાસા સ્વપ્નના રોકી રાખી મેં આંખ
તો આંખની અવેજમાં દર્દ કલમે વહાવ્યુ છે 

વરતાય આંખો પર તૂટેલા સપનાનો ભાર
સુકા મારા આંસુથી રાતનું દામન ભીંજાયું છે 

ઘાયલ સપનાના ઘાવ લોહી ટપકાવતા
રાતની ચાદરનું પોત એનાથી ખરડાયુ છે

સિંચાઈ એ લોહીથી કાંટા ઉગ્યા પથારીમાં
થઇ આડે પડખે ત્યાં આખુ બદન છોલાયુ છે
....દીપા સેવક.


Wednesday 11 February 2015

કેટલીક ક્ષણો..

સમયની ભીત ઠેકીને
કેટલીક ક્ષણો 
કદી સાથ ના છોડવાના વાયદા સાથે
આંખોમાં આવે છે...
બસ એના સાનિધ્ય માત્રથી
જીવને જોમ આવે છે ...
એટલે જ રણમાં રહેવું ફાવે છે..
સાચે જ માની ગઈ કે..
ઝાંઝવાનું જળ પણ તરસ છીપાવે છે..

...દીપા સેવક.

તારું સ્મરણ...

તારા ગયા પછી.. 
આ શિશિરની સાંજમાં.. 
જયારે ખાલીપાનો ખાર,
એકલતાનો ઠાર હીમાય છે 
ત્યારે વધીઘટી લાગણીની લીલાશ પર
સંકટના વાદળ મંડરાય છે..
પણ એ એને બાળે તે પહેલા
તારી યાદનો પાલવ
મારી આસપાસ વીંટળાય છે
ને એના હુંફાળા સ્પર્શથી
થીજેલા સ્પંદનોમાં
હજુ ધીમો સળવળાટ અનુભવાય છે
એટલે જ લાગે છે એમ
કે તું મારામાં જીવે છે હજુ
બરફમાં જીવતા પાણીની જેમ ..


.... દીપા સેવક.

Saturday 7 February 2015

ફૂલ સરખું ...

ફૂલ સરખું કોઈ આવી જો શ્વાસમાં સમાય છે
રોમેરોમ પછી મ્હેકનું સરનામુ બની જાય છે

જો ઝાંકળ જેવું છલકે કોઈ આંખોની આરપાર
તો અરમાનોને ઉગવાનું બહાનુ મળી જાય છે

પલકોની પાર બીજ પ્રણયના અંતર રોપે જ્યાં  
ત્યાં કોઈની એક નજરથી ફણગો વટવૃક્ષ થાય છે 

હલકી વ્હેતી હવામાં એના નામનો પડઘો પડે
વિચારોની વેલ બની કોઈ અંગેઅંગ વીંટળાય છે 

પ્રતિબિંબ સૂરજનું બની કોઈ ભીતર ઝળહળે
જેના બસ હોવાપણાથી જ અજવાળા થાય છે
...દીપા સેવક.