Friday 16 February 2018

જુદાઈના શહેરમાં..

હા.. મારામાં તારાપણું
છલકે છે ભારોભાર ..
પણ...
આ જુદાઈના શહેરમાં ..
છે સન્નાટાની સરકાર ..
ખાલીપણાના ખોરડે,
થ્યો એકાંતને વસ્તાર..
જેને ઉછેરવામાં એનો હવે..
વીતી જશે અવતાર..
તારી યાદના સંસર્ગમાં આવી ..
લે વાંઝીયામેણું તો ટળ્યું..
શૂન્યતાના શોરથી..
ગાજી ઊઠ્યા છે ઘરબાર..
....દીપા સેવક.

Wednesday 7 February 2018

જરુરી તો નથી હોતું

જે મનમાં હોય એ બધુ કે'વુ જરુરી તો નથી હોતું..
સતત બોલી વરસતા રે'વુ જરૂરી તો નથી હોતું..

જે સમજે છે તને,એને તો સમજાવવુ નથી પડતુ,
ને ના સમજે એ સમજે'વુ, જરૂરી તો નથી હોતું..

જો રેતમાં સંઘરી ભીનાશ, ઓટને પણ જો અપનાવી,
કે ભરતીમાં જ હરખે તું જરૂરી તો નથી હોતું..

બે હોઠો વચમાં ભીંસાયા જે શબ્દો,આંખમાં પડઘાય,
એ સૌને સંભળાયે'વું જરૂરી તો નથી હોતું..

આ અવગણનાની વાગે શુળ ને લોહીઝાણ થાયે ઉર
તો પણ 'દીપા' ના કઇ શીખે'વુ જરૂરી તો નથી હોતું..

...દીપા સેવક.

Thursday 1 February 2018

તું મને પામી શકે...

અંતરાયો તો નથી કઈ, તું મને પામી શકે
તું જો મુજ ખામીઓને ખુબી ગણી ચાહી શકે  

સાથ મારી ચાલવું કઈ એટલું અઘરું નથી
પણ જો તું છોડી અહમની આંગળી આવી  શકે

છું છલોછલ, પ્રેમભીની વાદળીની જાત છું
ભીંજવી દઉ જો તું ખુલ્લા દિલથી અપનાવી શકે

હાથ પકડી પ્રીતનો કર ચાલવાનો વાયદો
તો પછી 'દીપા'નું મન પણ લાગણી વાવી શકે

એક સરખી ચાલ આ સમયની તો હોવાની નથી
હમકદમ થઇ ચાલ તું તો વ્હાલુ બધુ લાગી શકે

...દીપા સેવક.

આશા..

સાંજના પેલે કિનારે..
થથરતી રાતનો હાથ પકડી
બેઠેલુ એકાંત
તારા પગરવના અજવાળાની આશાએ
અધખુલી આંખે જાગતું રહ્યું આખી રાત
અને હું.. એને વળગીને
ઘસઘસાટ સુઈ ગઈ..
કે પામી શકું તને સપનામાં કદાચ!!!

..દીપા સેવક.