Wednesday 31 December 2014

કોશિશ....

કોશિશ તો કરુ ભલે તૂટે નહિ
દિવાલ મૌનની છે મનની નહિ

દિલમાં રહે એજ દિલ જાણી શકે
કોઈ પરાયુ જખમ જાણે નહિ

નારાજગી તો જરા અમથી હતી
એવું તો ન્હોતુ કે એ માને નહિ 

જો ટાંકણી ફુગ્ગો ના ફોડી શકે
કાઢે હવા એય કઈ ઓછુ નહિ

ગુનો ગણીને તમે આપી સજા
બાકી પ્રણય કોઈ ભુલ છે તો નહિ

લાગે એ ભીતરની ભ્રમણા તો ભલે
છે શ્વાસ બસ ત્યાં સુધી ભાંગે નહિ 
(ગાગાલગા ગાલગાગા ગાલગા)
...દીપા સેવક.


Thursday 18 December 2014

સ્પર્શ ...

એવું નથી કે કાયમ સુંવાળો સ્પર્શ જ સુખ આપે
મને તો ...
જયારે કરીને વાત કોઈની તું ભરમમાં નાખે 
જયારે આંખો રાખી બીજી તરફ..
તું નિશાન મારી તરફ તાકે.. 
તારી એ ઉટપટાંગ વાતોમાંયે..
રેશમી પ્રેમ નીતરતો લાગે..
મને સતાવતો તું મને વધુ નટખટ લાગે 

મારી પોતાને માટે બેકાળજી જોઈ ..
તું આંખ કાઢે તોયે મને તો હોઠ મલકતાં લાગે.. 
તારી એ નારાજગીનો નશો ભીતર સુધી વ્યાપે.. 
તારા ગુસ્સામાં છુપાયેલો કાળજીનો સ્પર્શ સુખ આપે.. 
સાજન મને તું હર રૂપમાં સજીલો લાગે

તારી થોડી ખરબચડી પણ..
હુંફાળી હથેળી રેશમથી વધુ સુવાળી લાગે
રેશમી રજાઈની સોડ કરતા..
તારી સોડમાં મને વધુ હુંફ લાગે..
તારી બેદિવસની વધેલી દાઢીનો સ્પર્શ પણ રેશમી લાગે
તારા રુષ્ક હોઠનો સ્પર્શ ફૂલથી મુલાયમ લાગે
સાજન તારા સંગમાં મને સ્વર્ગનું સુખ મળ્યુ લાગે ...
...દીપા સેવક.

Wednesday 17 December 2014

પ્રણય છે એથી ...

પ્રણય છે એથી બધુ સહન કરી લઉં છું
સુખના પલ્લે દુઃખનું વજન કરી લઉં છું

છે રણ સરીખી રાત તોય અશ્રુ વેરી
સીંચી સપન, લીલું ચમન કરી લઉં છું

આંખોમાં આવી ઝાંઝવા સજળ થઇ ગ્યા
લાગે તરસ તો.. આચમન કરી લઉં છું

જો ટેરવે આવી તરસ એ ભીતરની
તો ઘુંટ ભરી શબદના શમન કરી લઉં છું

લાગે રુઝાવા જો ઝખમ કદી જુના 
તો ખોતરી એનું,જતન કરી લઉં છું

દેખી મને તુજ આંખમાં જો વાંચુ વિસ્મય
તો હુંય ત્યાં આડા નયન કરી લઉં છું  

જો વાત આવે માનતાની તુજ કાજે
તો કાજ બધુ હું મન કમન કરી લઉં છું
(ગાગાલગા ગાગાલગા લગાગાગા)
....દીપા સેવક.

Saturday 6 December 2014

વાદળ વગરના વરસાદ....

સપનાની ચોરી ના થાય એટલે પાંપણ સીવું છું   
બાકી આમ તો હું આંખ ખુલ્લી રાખીને જ સુવું છું

નાકાબંધી છતાં વિચારોની ઘુસપેઠ નથી ટળતી 
બાકી હું તો પહેરેદારી બહુ વફાદારીથી નીભવું છું 

છે અરમાનની હેરાફેરી એટલે વસ્તી જેવું લાગે 
બાકી આમ તો સુના શહેરની સડક જેવું જ જીવું છું 

છે તરસના પાતાળકુવા ભીતર એટલે ખૂટતી નથી 
બાકી આમ તો જો આંસુના દરિયા હું રોજ પીવુ છું

વાદળ વગરના વરસાદની વાતોથી રોજ પલળું 
એટલે તો જો આભાસી સૂર્યના તડકે જાત સુકવું છું

...દીપા સેવક. 

Friday 5 December 2014

મૃગજળમાં મ્હોરેલા મોતી....

આ ગઝલ નથી અંતરના અરમાન ટેરવેથી ટપકે છે
જો શબ્દોના નગરમાં ઝંખનાઓ આંધળોપાટો રમે છે 

અધુરી ઈચ્છાની છીપમાં સમેટાયેલા એ સ્વાતિબિંદુ 
મૃગજળમાં મ્હોરેલા મોતી છે એટલે બમણા ચમકે છે

ઝગમગતા મૃગજળ કાયમ ચમકે પાણીથી બેહતર
એથી તો એને પામવા જીવનભર આ જીવ ભટકે છે 

મૃગજળના અસંખ્ય ઝરણા ફુટી નીકળે છે આંખમાં 
જ્યાં તારો અહેસાસ અમસ્તો મારા અંતરને અડકે છે

ભરી મહેફિલમાં શૂન્યતા આલિંગનમાં લે છે અચનાક 
જયારે પડછાયો તારો એકાએક મારી ભીતર પ્રગટે છે 

મારામાં સમાયેલો તું મને અજાણે પછી તારામાં સમાવે 
ને મીરાની જેમ મારોય જીવ એ તારી જ્યોતમાં ભળે છે
  ...દીપા સેવક.

Tuesday 2 December 2014

ચિંગારી...

અજાણી પીડાનો ભાર જયારે વળગે છે 
ત્યારે મન વરસતી મોસમમાંય તરસે છે 

ભરશિયાળે હવામાં ભળ્યો વરસાદી ભેજ 
લાગે છે કોઈ વિરહણની આંખો વરસે છે 

કોક હૃદય ઘેરાયુ છે સ્મરણની આંધીથી
કમોસમી વાદળ એથી આટલા ગરજે છે 

ભૂલા પડેલ ભાવ તડપે છે એકાંતવનમાં      
વીજળીના ચમકારે ત્યાં દાવાનળ ભડકે છે   

ક્યાંક ચિંગારી જેમ ચંપાયા છે વરસાદી બુંદ
કે ભીની સુગંધથી કોક સાંગોપાંગ સળગે છે 
...દીપા સેવક. 

Monday 1 December 2014

શબ્દોનું આકાશ..

મારા લખેલા શબ્દોમાં..
આજે હું જ ગૂંચવાઉ છું..
ઉછીનું આકાશ..
વધતી જતી પ્યાસ..
મસમોટી છલાંગ..
અધખુલ્લી પાંખ..
ડરનો આભાસ..
ઘગઘગતી લાગણી.
થીજેલી જાત..
વહેતા વારિ જેવો વિશ્વાસ..
ખરતા પીછા જેવો અહેસાસ..
પણ..મને એવું કેમ લાગે છે કે..
આ શબ્દોનું આકાશ..
ફેલાયું છે તારી જ આસપાસ...

....દીપા સેવક 

Thursday 27 November 2014

સ્મરણની ભીડ ...

જગતમાં આમ શેં ચાલ્યા કરે?
મગજ સામે શેં મન હાર્યા કરે?

રુઝાયેલા ઉપરથી લાગતા, 
ઝખમ ભીતરથી ફાલ્યા કરે

દર્દની એમ તો પરવા નથી
સદા ઝરતા ઝખમ વાગ્યા કરે

મહેફિલમાં ભલે બેઠક સદા 
હા,એકલતા મને સાલ્યા કરે

ભરમ સમ છે, છતાં સંગાથ છે 
આ ખાલીપાને જે ખાળ્યા કરે 

સ્મરણની ભીડ જામે અંતરે
પછી એકાંત મન ઠાર્યા કરે

નથી મારો છતાં સારો તો છે 
સમય બધુ સહજ સંભાળ્યા કરે 
લગાગાગા લગાગાગા લગા ) 

....દીપા સેવક


Wednesday 26 November 2014

ચરખો સમયનો ....

ચરખો સમયનો સતત ચાલ્યા કરે
જીવન સુતર રાતદિન કાંત્યા કરે

ખેતર ખમીરથી જો ખેડે છે વખત 
જાણે અજાણે સ્મરણ વાવ્યા કરે

ભીતર તો છે વેદનાના વ્હેણ પણ 
ચ્હેરો સતત હોઠ લંબાવ્યા કરે  

જો આંખના ઉપરવાસે આયુ પુર 
જે અડગતા મનની ડોલાવ્યા કરે 

માંગને સમય પાસ પણ ઊતર કદી
શેં દ્વાર દિલના તું ખખડાવ્યા કરે?

ખોલી પવનપંખ ,મનપંખી ઉડે 
પળમાં યુગો પાર પ્હોચાડ્યા કરે

અઘરી ભલે આરપારની આ સફર
યાદના સહારે મુકામ મળ્યા કરે 
(ગાગાલગા ગાલગાગા ગાલગા)

...દીપા સેવક.

Wednesday 19 November 2014

આભાસી સૂરજ ...

કાગળ પર લખેલું સહજ વાંચી શકાય છે
પણ ભેદ ભીતરના ક્યાં ઊકેલી શકાય છે?

સમયે મુક્યા દિલ પર નશ્તર બેરેહમીથી જે
એ ઘાવને પણ ક્યાં હવે રૂઝવી શકાય છે?

જો શોર ઉપરી હો તો તું દાબી શકે હજુ 
પણ ભીતરી આ શોર ક્યાં દાબી શકાય છે?

એવો અક્ષર લખ એક જે અંકાય અંતરે 
અંકાય જે અંતરમાં ક્યાં ભુસી શકાય છે?

છે બસ તું આભાસી સૂરજ જાણુ છુ તે છતાં 
આંખને અર્ધ્ય દેતાય ક્યાં રોકી શકાય છે? 

તડકો તિરાડમાંથી પહોચે આરપાર જો
અજવાળુ તો અમથુંએ ક્યાં આંબી શકાય છે?
(ગાગાલગા ગાગાલગા ગાગાલગા લગા)

....દીપા સેવક.



 

Tuesday 18 November 2014

એવું નથી કે....

એવું નથી કે ચુભન નથી
બસ કૈ કેવાનું મન નથી

અંતરના તળ માપી શકે 
એવું કોઈ સાધન નથી

તું ધારે તો તાગી શકે  
સાગર જેમ ગહન પણ નથી 

અટકી આંખોમાં એકપળ 
વ્હાલી છે,પણ વળગણ નથી

તારી યાદના ઊજાગરા
અઘરા છે,પણ અડચણ નથી

છે અરમાની વાછંટ પણ  
પરપોટો કઇ સ્પંદન નથી 

હળવા આચ્કે હાલી જશે   
લાગે ગઢ મજબુત,પણ નથી

કરવા તો છે બહુ પ્રશ્ન પણ 
ઊતર આપે એ જણ નથી 
(ગાગાગાગા ગાગાલગા)

...દીપા સેવક.

Wednesday 12 November 2014

તરસ...

સરિતા કિનારે જે વસ્યા હતા
એ પણ તરસથી ક્યાં બચ્યા હતા?

ઝરણા પહાડથી નીકળ્યા પછી
કે'દી ઉપર પાછા ચડ્યા હતા?

આંખોએ આંજ્યા સજળ ઝાંઝવા
જે થઇ કરચ આંખે ખુંચ્યા હતા

આંસુના વરસાદથીય ના બચ્યા 
સપના જે વિખવાદમાં બળ્યા હતા 

શોધો રણમાં મોતી તો ના મળે
તોયે મળ્યા જ્યાં અશ્રુ પડ્યા હતા 

વ્હેતા વખતને રોકવો છે પણ
કોના અહી સપના ફળ્યા હતા?
(ગાગાલગા ગાગાલગા લગા)

...દીપા સેવક.

Monday 10 November 2014

આઈનો યાદનો....

આઈનો યાદનો ફુટી ગયો છે એવુ નથી
પણ પડછાયા પાછળ હવે પડવુ નથી

આંખો ટેવાઈ ગઈ છે ગાઢા અંધારથી
કે આગીયાના આશરે ભટકવુ નથી

જો કારણ કોઈના હાસ્યનું ના થઇ શકું
તો મારે કોઈનુ આંસુ પણ બનવુ નથી

તરડાયેલા સંબંધને તડનો શું ડર?
મારે તિરાડની આડ લઇ લડવુ નથી

છો યાદનો સૂરજ રાત આખી સર કરે
પણ ભીતરના તાપથી હવે ઝુલસવુ નથી

પાછા પડતા જ્યાં લાગણીના બોલ પણ  
ત્યાં અહેસાસનુ પ્રદર્શન હવે કરવુ નથી
(ગાગાગાગા ગાગાલગા ગાગાલગા)

...દીપા સેવક.


Thursday 6 November 2014

મૌન ...

કે છે ઘણુ પણ વાત ક્યાં સમજાય છે?
મૌન ઘણુ આંખોથી બોલી જાય છે

વાત દિલની હોઠ પર ના'વે તોયે 
આંખ સઘળા રાઝ ખોલી જાય છે 

છો છુપાવે ભેદ તું સીવી અધર
મૌનના પડઘા નયનમાં પડઘાય છે

હોઠ લંબાવી અભિનય કર ભલે
આંખના છળ આંખ પામી જાય છે

શબ્દથી જેને અસર થાતી નથી
કામ ઘણુ એ મૌનથી થઇ જાય છે
(ગાલગાગા ગાલગાગા ગાલગા)

...દીપા સેવક.





Tuesday 4 November 2014

આંસુ આંખમાં નહિ....

આંસુ આંખમાં નહિ હું દિલમાં રાખું છું
મારી જ સહનશક્તિ એમ કરી માપું છું

શૂન્યતા સાંજની ને યાદનો સરવાળો
મળતા ઉતરનો રાતે તાળો માંડુ છું

આ ચાંદો ચમકી શીતળતાથી બાળે
આપે એ બળતરા તોયે એને ચાહુ છું 

ખાલીપો રાતભર આંખનું ખેતર ખેડે
ઓરી આશના દાણા આંસુ ખાળુ છું

ઘા,એકલતા જયારે નખ મારી ખોત્રે
ત્યારે આંખે તસવીરી હાસ્યને આંજુ છું

રાતી આંખે આંજ્યા અજવાળા તેથી  
પ્રભાતી સૂરજની પ્રતિકૃતિ લાગુ છું
(ગાગાગાગા ગાગાગાગા ગાગાગા)

...દીપા સેવક

Monday 3 November 2014

કારણ વગર કોઈ....

કારણ વગર કોઈ અહી મળતું નથી
તરફેણ પણ કારણ વગર કરતુ નથી

સ્વાર્થી બનીને જીવવું ફેશન બની
દુઃખ કોઈનું કોઈને અહી અડતું નથી

છે માનવીના દિલનું પણ એવું જ કઈ
પાણી બરફમાં જેમ સળવળતું નથી

જો આંખ આડા કાન ધરશે એમ એ  
જળ જેમ પથ્થરને અસર કરતુ નથી

શેની શરમ ફૂલોને ઓંસના દાગથી
તડકાની બદનામી તો કો' કરતું નથી 

પતંગીયુ હજુ પણ પાંખને ખોલી શકે
કોશિશ બસ જગના ડરથી કરતું નથી 

ફેલાવ પાંખો તુજ ગગન મળશે તને
કે આપમુઆ વિણ સ્વર્ગ મળતુ નથી 
( ગાગાલગા ગાગાલગા ગાગાલગા) 

...દીપા સેવક

Sunday 2 November 2014

લાગણીનો દુકાળ ...

દુકાળ જયારે લાગણીનો થાય છે
ત્યારે નદી સંબંધની સુકાય છે

જ્યાં થોર માફક આ ઈચ્છાઓ વિસ્તરે
ત્યાં લાગણીના રણ નિશ્ચિત સરજાય છે 

હો ઝાંઝવાના ઝરણ અવિરત આંખમાં
ક્યાં તોય મોતી હૃદયમાં પકવાય છે

ભીતર ભરી જે ઝેર, મધ ઢોળે જીભથી
સાચી શ્રધ્ધા તે દ્વાર ઠોકર ખાય છે  

માઝા મુકે છે તાપ જગમાં સ્વાર્થનો
વિશ્વાસની ધરતી પછી તરડાય છે

પીળા પડેલા પાન ખરશે સૌ પ્રથમ 
જો વાયરો મુસીબતનો ફુકાય છે   

જ્યાં ખુદગરજીની આગ લાગે ફાલવા
સંવેદના ત્યાં જીવતી હોમાય છે 
(ગાગાલગા ગાગાલગા ગાગાલગા) 

...દીપા સેવક.  

Friday 31 October 2014

યાદનો ઉજાશ....

બારીમાંથી મારી આંખમાં
ઉતરી આવેલા સાંજના સુના આકાશને
તારા સ્વપ્નના રંગથી ભરવાની
હજુ કોશિશ કરું ત્યાં તો...
આંધીના એંધાણ વર્તાયા 
અચાનક એકલતાના પવન ફૂંકાયા ...
ખાલીપાના વર્તુળ રચાયા ..
અંતર..આંખો ..ને દિમાગના ત્રિભેટે
અટવાયેલા અહેસાસ મૂંઝાયા   
વેદનાના વાદળ ઘેરાયા..
પછી તો ..
અંધારાનો અવાજ ..
ખાલીપાનો ખખડાટ
ગમની ગાજવીજ ..
ધોધમાર વરસાદ...
સંયમ સાથેના સગપણ તૂટી ગયા 
પાંપણે બાંધેલા બંધ તૂટી ગયા
બધું જળબંબાકાર..
મનનો ડુમો બહાર..
ત્યાં દુર તારી યાદનો દીવો ટમટમ્યો
ને ..પછી જોયુ તો ..
હલકુ હૃદય ..
ખુલ્લુ આકાશ ..
આહા...બધે ઉજાશ જ ઉજાશ 

....દીપા સેવક 



Thursday 30 October 2014

દ્વિધાના અંગાર ....

એને ભણક પણ નથી કે સફરમાં
ડૂબ્યા છે શબ્દો સૌ મૌનના ભવરમાં

સુનાપણાના શહેરમાં જશ નથી
જાણે છતાં શબ્દ ભટકે ડગરમાં

એના વગર સાંજ સુની તો છે પણ
લાગે છે વધુ સુનુ રાતની સફરમાં

ભીતરની કશ્મકશ નયનથી નીતરે
ભૂલા પડ્યા ભાવ ભીના નગરમાં

ખુલ્લી આ આંખોના સપના સેંકડો
તરડાઇ તુટ્યા છે ખાલી નજરમાં

ખાલી છે ડેલી ને ખાલી આંગણું
અરમાન અટવાઈ ઉભા ઉંબરમાં

અટવાય ઉમરે કે લપસે લાગણી
આ દ્વિધાના અંગાર ઠરશે કબરમાં
(ગાગાલગા ગાલગાગા ગાલગા)

...દીપા સેવક.



Wednesday 22 October 2014

મનમાં જો અજવાળુ થયું...

એમ ના પૂછ કે શું થયું?
કે નથી હજુ મોડું થયું..

હાથ સાંજે છોડ્યા પછી
છોને એકાંત ઘાટું થયું..

બોજ લાગે અંધારપટ
એવું ક્યાં અંધારુ થયું?

ચાંદ વાદળમાં છે તો શું? 
મન નથી હજુ આળુ થયું.. 

ઊંઘને થોડા સપના છે બસ 
બીજુ બધુ તો નાનુ થયું..

છે વિચારમાં વિવેક હજુ
એટલું મારે ઘણું થયું..  

એક જ મુઠ્ઠી આશથી
મારુ ભીતર ઉજળુ થયું..

થોડું તોયે ઘણુ ઘણું થયુ
મનમાં જો અજવાળુ થયું.
(ગાલગાગા ગાગાલગા)

....દીપા સેવક.

Tuesday 21 October 2014

સરળતાની આડઅસર ....

ખારાશ જો આંખોના ભેજમાં વધી છે
લાગે છે અંતરમાં સુકાતી નદી છે

આદત એ એની તો હતી,વ્હેવું ખળખળ 
બંધનમાં બંધાઈને નદી રણ બની છે

અંતરના ઉનાળે તપ્યો ઊર્મિસાગર
તો તડપની આંખોમાં હેલી ચઢી છે

વાદળ ભરી ઝાકળ જે આંખેથી વરસ્યુ  
જેને તરસ મારી આ બમણી કરી છે  

છે રાતના પાલવ ઉપર છાંટ રાતી
આંખોમાં એની સાંજ અટકી હજી છે

એકાંતના દરિયે ઉઠ્યા ચક્રવાતો 
પણ તોય ખાલીપાની હોડી બચી છે 

છે આડઅસરો આ સરળતાની શાયદ
કે આંખથી ઝાકળની ઝમઝમ વહી છે
(ગાગાલગા ગાગાલગા ગાલગાગા)

....દીપા સેવક

Saturday 18 October 2014

છલકે છે ટેરવા....

સાવ કોરી છે આંખને, ભીના છે સપના
છે હથેળી ખાલીખમને છલકે છે ટેરવા

આંખોના ઓરડે ઉભરાયા જો ઝાંઝવા
તો કોરા કાગળે શબ્દો માંડ્યા સરકવા

સંવેદનાના સોળ ઉઠ્યા સુની આંખમાં
એથી રાતી ઝાયથી ખરડાયા પોપચા

આંસુના અજવાળા પાથરીને આંખથી
અંતરના અંધારાને રાખ્યા છે પાધરા

ચસોચસ બંધ કીધા લાગણીના કાનને
જો ભીતરમાં લાગ્યુ તારાપણુ ગુંજવા

લાગણી પર તો લગામ લાગતી નથી
પણ,અભિનય અમે માંડયો છે શીખવા  

ચડાવી શકાતુ નથી કો' પડ ભીતર તો
બહારથી બારણા એથી લાગ્યા ભીડવા

મારુ મારામાં હોવાનો ઉઠ્યો સવાલ તો
તારા વગર 'હું'નો લાગ્યો શ્વાસ હાંફવા

.....દીપા  સેવક.

Friday 17 October 2014

સદીઓની તરસ...

છે તરસ સદીઓની,એક જામથી બુઝશે નહિ  
હોઠ છે તરડાયેલા પણ,ચૂમી જો ચુભશે નહિ

છે સનમની આંખમાં ઝાંઝવાના પાતાળ કુવા 
પીધા જ કર તું મનમૂકીને,એ કદી ખુટશે નહિ

એક રેતીની નદીના ભીના કિનારા આપણે 
કાચના વહાણ અહી તરશે, કદી ડુબશે નહિ 

મહેલ સમજીને જ્યાં મુક્યા'તા થોડા ટહુકા મેં
એ નીકળ્યું ખંડેર ખબર છે પડઘા સુણશે નહિ 

માન્યું ચાર દિવસ ચાંદની,પછી અંધારી રાત  
હકીકત આંજીશ આંખમાં તો સપનું ફુટશે નહિ   

રાતની સાથે આજ અંધાર પણ અપનાવી જો 
અંજાઈ ગયેલી આંખ જેમ એ કદી ખૂંચશે નહિ 

....દીપા સેવક  

यादो से धुले कुछ ख्वाब....

तेरी यादो से धुले कुछ ख्वाब जो आंखोमे घुलते रहे 
तो कुछ आहे, कुछ अश्क, रातभर मेरे गले मिलते रहे

एक और गहेरा होता गया अँधेरा मुझे सुलाने को   
दूजी और टूटे हुए वो ख्वाब मेरी आंखोमे चुभते रहे

सीनेमें शोर मचाती रही खामोशिया तेरे ख़यालो की 
जिनकी आहोसे सदीओसे जमे जजबात पिघलते रहे

देखते ही देखते कितने मौसम बदलते गये ज़मानेमें 
और हम है के हर मौसममें पतजड़ की तरह जड़ते रहे

मानते तो नहीं है तुम्हे अपनी तन्हाई का सबब, पर  
तू हासिल न हुआ तो हम इस तनहाई पर मरते रहे 

उमरभर दिल को जलाया फिरभी उजाला न हुआ 
तो अश्को के उजालो से ही रोशन राहो को करते रहे

.... दीपा सेवक  

Wednesday 15 October 2014

કોઈ ક્યાં સુધી....

એકતરફી ચાહતને કોઈ ક્યાં સુધી ઢસડયા કરે?
તરસના દેશે જન્મીને કોઈ ક્યાં સુધી વરસ્યા કરે?

રણમાં રહી લોકમાં લીલુછમ દેખાવુ સહેલુ નથી
ઝાંઝવાના વરસાદમાં કોઈ ક્યાં સુધી પલળ્યા કરે?

એની એક અવગણનાથી પડે સો ઉઝરડા અંતરે
મોઢું ફેરવી હકીકતથી કોઈ ક્યાં સુધી તડપ્યા કરે?

વેદના છુપાવી ભીતરે, હાસ્યને સજાવી હોઠ પર
આંખથી અભિનય કરી, કોઈ ક્યાં સુધી મલક્યા કરે?

રોગ જે લાગ્યો છે હૃદયને, શું ઈલાજ એનો નથી?
આ દર્દના દાવાનળમાં કોઈ ક્યાં સુધી સળગ્યા કરે?

અંતરનો ઓરડો  આશથી કોઈ ક્યાં સુધી રોશન રાખે
ભલા કોઈની રાહે બેસીને કોઈ ક્યાં સુધી તપસ્યા કરે?

એહેસાસ પ્રેમનો દોડે રગોમાં બનીને તાર વીજળીનો
વીજળી વગરનો બલ્બ બની કોઈ ક્યાં સુધી ઝબક્યા કરે?

પણ તારામાં ભરાયેલો જીવ મારું માનવાની મના કરે 
તો વંઠેલા અંતરને લગામ કોઈ ક્યાં સુધી લગાવ્યા કરે?

એવો સમાયો તું મારામાં છલોછલ, છેક ભીતર સુધી કે 
જેટલો ઉલેચુ ઉપરથી, ભીતર તું બમણો થઇ છલક્યા કરે..   

.....દીપા સેવક.

Tuesday 14 October 2014

તને અડુ એહસાસી આભમાં...

છે અમાસી રાત પણ ખીલી છે પુનમ આંખમાં
ક્યાંથી અંધારુ નડે જો હોય સપના સાથમાં

ચાંદનીને છે ગ્રહણને ઉપરથી વાદળ ગહન 
તોય જુગનુ જેમ ચમકે છે તું મનમ્હેલાતમાં

એક કિરણ તુજ  મિલનનું જો પડ્યું આ આંખમાં    
ત્યાં, રચાઈ ગ્યા ઇન્દ્રધનું મુજ દિલે-ખાસમાં 

જિંદગી થાશે વધુ રંગીન.. જો તું ત્યાં સજે  
સાત રંગના છે સપન જ્યાં આંખના આકાશમાં

શી ખબર ભર્યું જોમ કોણે આજ જજબાતમાં  
આખુયે આકાશ લઈને ઉડ્યું પંખી પાંખમાં

વિસરી ગ્યુ પીડ સઘળી કણસતા અરમાનની
લાલસા મરહમ બની આ ઝંખનાના ગામમાં    

તું મળે કે ના મળે હું તો સતત ઉડતી રહું
હાથ લંબાવી તને અડુ એહસાસી આભમાં
(ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા )

...દીપા સેવક.

Monday 13 October 2014

શું કરું?

એક પળ પકડી રાખીને શું કરું?
ખુદને ભ્રમમાં રાખીને શું કરું?

એક તો કાળી અંધારી રાતને 
ઉપરથી પરદો રાખીને શું કરું?

ફુલ ફરતું જોયું સુગંધની શોધમાં
બાગ પર પ્હેરો રાખીને શું કરું?

જે વખત વેરી થઇને ડંખે મને
એ વખત જકડી રાખીને શું કરું?

રેતના દરિયે મોતી ક્યાથી મળે?
ખોબલે છીપને રાખીને શું કરું?

આવડી ગ્યું છે રણમાં રે'તા મને 
મૃગજળ સંઘરી રાખીને શું કરુ?

હું મને જ હજુ જ્યાં ઓળખતી નથી
ત્યાં તક્તી નામની રાખીને શું કરું?
(ગાલગાગા ગાગાગાગા ગાલગા)
....દીપા સેવક.

Sunday 12 October 2014

યાદનું સગપણ...

ભરોસો તારો ચાંદનીની  છે ચમક સાજન
ને પ્રીત મારી ચક્રવૃદ્ધિ વ્યાજની થાપણ

ધીરજ મારી ઝળહળતો છે સુરજ સાજન
ને સાથ તારો છે સંધ્યાના પ્રકાશનું દર્પણ

મન પર સુની સાંજનું છે જે વજન સાજન  
એથી હલકુ છે યાદના ઉજાગરાનું ભારણ   

વિરહ તારો ઉદાસીનું છે પનઘટ સાજન
ને સ્મરણ તારું અજવાળી રાતનું આંજણ

તું છોડીને જાય,એ નિભાવે છે સાથ સાજન
તારાથી તો સારુ છે તારી યાદનું સગપણ

....દીપા સેવક.

Friday 10 October 2014

અંધારુ..

અંધારુ..હા.. છવાયુ છે આસપાસ અઠંગ અંધારુ
જાણે પૂનમની ચાંદનીને ઘેરા વાદળ બનીને વળગ્યું અંધારુ
હા.. રાતરાણીને વળગતા સાપની જેમ.. મને વળગ્યુ અંધારુ
એકલતાના અડાબીડ જંગલમાં ઉગ્યુંને ઊછર્યું અંધારુ
જ્યાં ઉદાસી પર જોબન ચડ્યુ ત્યાં મચલ્યું અંધારુ 
આંખોમાં એક સપનુ ઓલવાયુ ને સળગ્યુ અંધારુ  
બે હાથના છુટા પડતાની સાથે જ ભીતર ભડક્યુ અંધારુ
પાંપણોથી ટપકતા ઝાકળમાં ભળીને ટપક્યું અંધારુ
આંખની આસપાસ ફેલાયેલા કાજળમાં વરસ્યુ અંધારુ   
બે હોઠ વચ્ચે ભીડાયેલી ચીસમાં છલકયું અંધારુ
હા સંબંધોમાં પડેલા સળની સલવટોએ જ સર્જ્યું અંધારુ
પણ સાચું કહું તો ..હવે લાગે છે ... 
ભરમની ઝળહળ કરતા તો ઉજળું છે આ અંધારુ  

...દીપા સેવક. 


 

Wednesday 8 October 2014

લાગતા અંગત

લાગતા અંગત બધા, પણ પોતાના હોતા નથી
પીળા આભુષણ બધા કઈ સોનાના હોતા નથી

કાગળના ફૂલ તુલના શું કરે બાગના ફૂલની ?
છે એ ઓછા સુંદર,પણ ખુશ્બુ વિનાના હોતા નથી

જૂઠ મોઈને સંઘરશે તોય જીવડા જરૂર પડશે,પણ    
સચવાશે વરસો સત્યના ધાન, મોવાના હોતા નથી  

સંબંધો સૌને ફળે એવું સદા નથી હોતું.. પણ એથી  
વિશ્વાસના વારિને વહેમથી ધોવાના હોતા નથી 

હોય જો સાચા સંબંધ તો સાચવવા પડતા નથી 
ને જે સાચવવા પડે એ ખોઈને રોવાના હોતા નથી

...દીપા સેવક.


Tuesday 7 October 2014

દર્દનો ઉત્સવ...

કોણે કહ્યું કે અહી અંતરનો અવાજ પડઘાતો નથી
પણ દિમાગી શોરમાં દિલનો સાદ સંભળાતો નથી

પથ્થરમાંથી પાણી કાઢવાની લાખ કરો કોશિશ
પણ ભીતર ઝરણ ના હોય તો પથ્થર તરડાતો નથી

એક ચહેરો આંખમાં ઉતરી ઘર કરી ગયો પછી
પડછાયો બીજો કોઈ મારી આસપાસ પડછાતો નથી

મને ખુલ્લી આંખે સપના ભેગા કરવાની આદત
અને તારાથી બંધ આંખેય તારો ભાગ ભજવાતો નથી

હકીકતના કેનવાસે સપના દોરવાની થઇ ખતા
એ ગુનાની સજા ભોગવી મારો માંહ્યલો શરમાતો નથી 

એના વિના આંખથી જો ખાલીપો ખળખળ વહે
અમસ્તો આ સાંજમાં સુનકારી આસવ છલકાતો નથી

છે વિરહ તો.. વેદનાના વાદળનેય વરસવા દો
વગર વરસાદે અંતરથી દર્દનો ઉત્સવ ઉજવાતો નથી

..દીપા સેવક

Friday 3 October 2014

વાલમજી મારો ....

વાલમજી મારો છે સખી વ્હાલનો દરિયો
જેની આંખોમાં ઉતરી મહેરામણ ભૂલો પડ્યો

એ આવે ખયાલમાં તો મન મહેકી જાય
એ અડકે જો આંખથી તો ફૂલ ખીલી જાય
વાલમજી મારો છે સખી મીઠો સુગંધનો દરિયો  
મારી ધડકનના બાગે જેની પ્રીતનો મોગરો મહોર્યો

એની આંખોના દર્પણમાં રૂપાળી હું લાગુ
એના સ્પર્શની સુગંધથી સુંવાળી છે રાત્યુ
વાલમજી મારો છે સખી સરળતાનો દરિયો 
જેને પામ્યા પછી મને સરળ લાગે બધી મુશ્કેલીયો   

અંધારી રાત્યુમાં છે અજવાળું એનો સાથ 
ખુલ્લા પગે ચાલુ રણમાં એ પકડે જો હાથ 
વાલમજી મારો છે સખી રૂડો ઉજાશનો દરિયો 
જેની પ્રિત્યુના અજવાળે મારો ભવ ઝળહળીયો

જેની બાથમાં મળે દુનિયાભરનો આરામ 
જેના સથવારે સહેલો લાગે જીવનસંગ્રામ
વાલમજી મારો છે સખી હુંફાળી ઉષ્માનો દરિયો 
જેની હુંફથી ઉગે મનમાં આત્મવિશ્વાસની વેલીયો .. 

...દીપા સેવક.

Thursday 2 October 2014

તોયે ઘણું છે...

આંખ સામે છો ના રે, સપને તું રે તોયે ઘણું છે
રાતના રણમાં મને મૃગજળ મળે તોયે ઘણું છે

હાંફવાની આદત પડી, ઝાંઝવે પાળેલ હરણને  
જે હકીકત છે, એ હાથવગી રહે તોયે ઘણું છે  

છે સમય સામે પડ્યોને, સ્મરણના સસલાય ચંચળ
ના ભલે ચમકે સુરજ, ધુંમસ હટે તોયે ઘણું છે

છે સફરમાં શૂન્યતા પણ, સાથ હું ક્યાં હકથી માંગું? 
હાથ ના ઝાલે ભલે, ચીંધે રસ્તો તોયે ઘણું છે 

ના ભલે તું માન પોતાની મને, મંજુર છે એ 
બસ જો મનથી પારકી તું ના ગણે તોયે ઘણું છે

ચાંદની આકાશની બાહોમાં સજતી રે જ્યાં સુધી
ત્યાં સુધી તું મુજ હૃદય પર રાજ કર તોયે ઘણું છે    

પામવાની ખેવનાથી તો પ્રણય થાતો નથી.. પણ  
ના મળે માંગ્યું બધુ.. બસ તું મળે તોયે ઘણું છે
(ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગાગા)

...દીપા સેવક

Friday 26 September 2014

વરસો થયા...

પ્રણયના જામ છલકે તો વરસો થયા
જો વેદનાને વળગે તો વરસો થયા

તોડી હતી મને જેને ભીતર સુધી 
એ વીજળીને કડકે તો વરસો થયા

હા થુંક ગળીને ભીનો રાખ્યો કંઠ મેં  
નઈ તો તરસને ઉઘડે તો વરસો થયા

જુદી છે વાત આંખોમાં રણ ના વસ્યા
કે મૃગજળને છલકે તો વરસો થયા

છે ભીનુ મન આ આંસુના વરસાદથી 
બાકી વફાને વરસે તો વરસો થયા

ભૂલી હવે તો ગણત્રી કે થ્યા કેટલા
કે એ સમયને ગુજરે તો વરસો થયા

હજુ આંગણે સલામત છે વૃક્ષ આશના   
છો પાનખરને જકડે તો વરસો થયા
(ગાગાલગા લગાગાગા ગાગાલગા) 

...દીપા સેવક      

Thursday 25 September 2014

ચાહું છું તને...

રોજ એજ વાત કહી શું કરુ તને? 
તનેય ખબર છે કે ચાહું છું તને

આંખ મારી એટલી તો પાગલ
કે દર્પણ સામે હોઉં ને દેખુ તને

પતંગીયા પાંપણે આવી છેતરે
ભમરો ગણગણેને હું સાંભળુ તને

તારી પ્રીતનો નશો એટલો છે કે
જ્યાં નજર પડે ત્યાં હું પામું તને

આંખમાં આકાશ સમ વિસ્તર્યા
એ સર્વે સપના અર્પણ છે તને  

ચાંદ હોય તોજ ચમકે ચાંદની
છે મારો ચાંદ તું ખબર છે તને

મારી હર દુઆમાં બસ તું વસે 
ઈશની આરતીમાં માંગુ છું તને

મારી સેંથીનો સુરજ તારા થકી
જનમોથી માંગીને પામ્યો છે તને

....દીપા સેવક  








Saturday 20 September 2014

તૂટી જવાય છે....(PAIN OF COMMON MAN ...)

સવારે સમેટું છું ખુદને,ને સાંજે તૂટી જવાય છે
એમ જ કેમ જાણે સાંજ પડેને થાકી જવાય છે 

એ જ રસ્તા, એ જ મંજિલ, અને એજ છે સફર
રોજ આંબવા નીકળું છું ને,બસ ચુકી જવાય છે

છે મૃગજળના જ દરિયા ચોતરફ જાણું છું છતાં
એની પાછળ દોડ્યા કરું ને પછી હાંફી જવાય છે

આમ તો લડી લઉં છું એકલા હાથે દુનિયા સામે
પણ ક્યારેક જાતને જ હરાવતા હારી જવાય છે

બાજી બીછાવી રોજ રાહ જુએ છે પડકારો નવા
જેને પડકારતા પડકારતા પછી હાંફી જવાય છે  

એવી કિસ્મત છે કે બાર સાંધુને તેર તૂટે છે અહી 
પછી બે છેડા મેળવવાની કોશિશે તૂટી જવાય છે

મજબુત કદમથી ચાલવું છે ફિતરત મારી પણ
આ મોંઘવારી સામે હોડમાં હવે હારી જવાય છે 

....દીપા સેવક.

Friday 19 September 2014

આંસુ ...

આંસુ આંખોને સુકાવા દેતું નથી
દિલના દર્દોને ભુલવા દેતું નથી

યાદના નખ ફુંક મારીને ખોતરે
રીઝતા ઘાવો રૂઝાવા દેતું નથી

ખુબ તીણા તીર મારે છે શૂન્યતા 
પણ નઠારું પ્રાણ વિંધવા દેતું નથી 

મૌનમાળા ફેરવીને થાક્યા છતાં
કૈક છે જે હોઠ ખુલવા દેતું નથી

રોજ સાંજે કૈક પડછાયા ભૂલા પડે
જેનું સાનિધ્ય મુંઝાવા દેતું નથી  

રોશની વેરે છે અજવાળું પ્રીતનું 
જે શમા આશની બુઝાવા દેતું નથી
(ગાલગાગા ગાલગાગા ગાગાલગા)

..દીપા સેવક

Wednesday 17 September 2014

આછા ઉજાશમાં..

આછા ઉજાશમાં..
તારા આછકલા સ્પર્શથી..
રોમે રોમ ઉઠી
ધગધગતી લહેર
એની જ છે આ અસર
કે અમાસની રાતે ચાંદની
અચાનક ઝળહળી મારી ભીતર
તારી આંખોમાં ઉભરાતા
પ્રેમના ઘોડાપુરની અંદર
જો તણાયા સંયમના જેવર
છલકાયા આરઝૂના સરવર
સમયની ગતિ મંથર
ધડકનો વધતી નિરંતર
ઢળેલી પલકને.. થરથરતા અધર
સાંભળને સજન..
એ કહે છે ઘણું બધુ..કઈ કહ્યા વગર 

....દીપા સેવક

Tuesday 16 September 2014

શૂન્યતાનો શ્રાપ મને ફળી ગયો...

તારા વગરની સાંજની એકલતાથી જો એ છળી ગયો 
પડછાયો મારો સરકતી સાંજના પાલવે ઢળી ગયો

મારી તરસને આંખમાં પૂરી આથમી ગયો એ ઓળો 
મારા દર્દનો અણસાર એની આંખનો આઈનો કળી ગયો 

આ આંખોની ક્ષિતિજે ફેલાતી નકરી શૂન્યતાને જોઇને 
ઉતરતી સંધ્યાનો સુરજ જો મારી આંખમાં ભળી ગયો

રાતી આંખના આકાશે સળવળ્યા સપનાના પંખી તો  
એકલતાની આંગળી છોડી ખાલીપો પાછો વળી ગયો 

આશાના એક ધક્કે ગતિ મળી અટકી ગયેલ સમયને 
કે યાદના આગોશમાં શૂન્યતાનો શ્રાપ મને ફળી ગયો

...દીપા સેવક.





Friday 12 September 2014

ખખડતો ખાલીપો ...

હોઠ પર દિલનું દર્દ આસાનીથી આવતુ નથી
દિલ લખે છે આંખમાં જે કોઈ જ વાંચતુ નથી

આઈનાની આંખમાં આંખો પોરવી શું કરું?
આંખનું હાસ્ય જ્યા અંતર સુધી જો ફાલતુ નથી

દિ'ઉગેથી સાંજ સુધી ભટકે છે વિચારમાં
તોય સામે તું મળે ત્યારે કે'વુ ફાવતુ નથી

આંખમાં વરસોથી યાદો વાદળના રૂપે રહે 
એ અચાનક આંસુરૂપે વરસે તો માવઠું નથી 

ચાંદનીની આંખમાં ઉપહાસ છે જોયા છતાં
રાતની ડાળે લટકતુ મન મારુ માનતુ નથી

જ્યાં નજર નાખુ ત્યાં ખાલીપો મળે છે ખખડતો 
શૂન્યતાના ઘરમાં એથી એકલું  લાગતું નથી 
(ગાલગાગા ગાલગાગા ગાગાલગા ગાલગા)

...દીપા સેવક.

Thursday 11 September 2014

ભીતરની તડપ ...

જો એમ તો ફરિયાદનું એવું કઈ કારણ નથી
તો તડપ ભીતરની વળી એવી પણ અકારણ નથી

બેચૈન દિલમાં ચોટ છે તોયે હસે છે હોઠ જો
એનો અર્થ એવો નથી કે આંખમાં ભારણ નથી

આપી પરીક્ષા કે સદા રે પ્રેમની રોશન શમા
પણ જાણ કે પેઠા પછી મન, વ્હેમનું મારણ નથી

શ્રધ્ધા અને સન્માન બે વિશ્વાસના છે શ્વાસ એ
ના આવવા દો શક સબંધમાં જેનું નિવારણ નથી 
 (ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા)

....દીપા સેવક 






Wednesday 10 September 2014

સ્મરણના ટહુકા ....

પાનખર વિના પાન સૌ પીળા થયા 
જ્યાં સ્મરણના ટહુકા જરા તીણા થયા 

સાંજની શૂન્યતા મને ડંખે છે પણ 
યાદના પડછાયે દર્દ ધીમા થયા   

ગુલમહોરી રાતો મને જે આપતા 
એ સપનના મુજ આંખમાં લીરા થયા

રાજરાણી સમ જ્યાં વિરાજે વેદના
દિલના એ ભાગે ભાગ્ય પણ ભીના થયા

એક સંબંધના શ્વાસ જીવન દે છે હજુ 
એટલે તો સોળ સમયના સજીલા થયા 

(ગાલગાગા ગાગાલગા ગાગાલગા ) 

....દીપા સેવક.

Tuesday 9 September 2014

તો આવજે...

જીવનમાં કમી કદી જણાય તો આવજે
મન પર ભાર કદી વર્તાય તો આવજે

બળબળતા રણની સફર જેવી જિંદગી 
મૃગજળ તારાથીય પીવાય તો આવજે

મેં તો રોજ પીધી વેદના વાદળ ભરી
દર્દથી તારી તરસ છીપાય તો આવજે   

ઝૂમતી હું આંખમાં આંસુનો આસવ ભરી 
એ તારાથી હસીને પી શકાય તો આવજે 

ખભો મારો ઘરી દઈશ કઈ પૂછ્યા વગર
સૌ કારણો કોરે મુકીને અવાય તો આવજે 

જ્યાં લાગણી છે ત્યાં ખુલાસા હોતા નથી  
મલાજો સંબંધનો સચવાય તો આવજે  

લાગણીના મોલ તો કદી માંગ્યા નથી
પણ લાગણી મારી સમજાય તો આવજે

...દીપા સેવક.



આ શું અંદર અંદર....

આ શું અંદર અંદર કોરે છે મને?
આ શું ભીતરથી ઝંઝોડે છે મને?

કોણે બાથ ભરીને છોડી એકલી 
આ શું સાથે રાખી છોડે છે મને?

યાદોના નામે ભીતરથી વિસ્તરે 
આ શું જે અંદરથી છોલે છે મને?  

હો સામે તોયે લાગે દુરી જોજનો
એ તો પામીને તરછોડે છે મને.. 

પુરાવા પ્રિત્યુના આપું શાને હવે?      
પ્રીતમ ખોઈને જો ખોળે છે મને..

(ગાગાગાગા ગાગાગાગા  ગાલગા)

..દીપા સેવક 

Monday 8 September 2014

ભણકારો...

તારા પગરવનો જરાક જો ભણકારો પણ થાય
સુતેલા શાંત હૈયે અચાનક હલચલ મચી જાય

ઇચ્છાના અવતરણે વસી જાય બેચેનીનું નગર  
ભીતરના ભરમ ત્યાં આળસ મરડીને ઉભા થાય

પડ્યા સ્મરણના સસલા એક એષણાની પાછળ
તો એક શક્યતાના અણસારે આખુ ઘર પડઘાય

અરમાનના આભલાથી  સજ્યો પ્રીતનો પાલવ 
આશાના સૂરજથી અડધી રાતે અજવાળા રેલાય

સુનો સુનો ઓરડો તોય થાય છે તારો અહેસાસ 
કે રાતરાણીની સુગંધ બનીને તું મને વીંટળાય  

અધખુલી પાંપણને પંપાળે છે ચાંદની મદભર   
એથી આંખના આભે સતરંગી ઇન્દ્રધનુષ રચાય

સ્હેજ હાથ પકડે નિંદ્રા તો શરુ થાય રંગીન સફર 
રાતની નદીની આરપાર પછી સ્વપ્નસેતુ બંધાય 

પણ જ્યાં ભરમની આંખ ખુલે ત્યાં શૂન્યતા છવાય 
સવારનો પાલવ પછી આંખના ઝાકળથી ધોવાય  

...દીપા સેવક.