Monday 1 October 2018

ચાહત...

ઝરણા સરીખી છે ચાહત પણ ખાસ છે
પર્વતને પાણી પાણી કરુ, એ પ્રયાસ છે

ઉછળે નદી આંખોમાં, સાગર ભીતરે
તોયે સળગતા શ્વાસોનો ઉત્પાત છે

અરમાનના આસોપાલવ હું બાંધુ પણ
છે બારસાખ ઉંચી..ને ટૂંકા હાથ છે

તુટ્યો તરાપો પણ એ પાર ઉતારશે
હા આખરે તો એ કાસ્ટની જાત છે 

આછી જ છે શક્યતા કે પામી શકુ તને
છે ઝાંઝવાની જાતનો, તોય ઉજાશ છે

આ ઓલવાતુ અંધારું કે'છે "દિપા"
કે રાખ ધીરજ, બસ ઢુંકડું જ પ્રભાત છે

...દીપા સેવક.  

Tuesday 21 August 2018

અરમાની સુરજ..

તારા આસપાસ હોવાના અહેસાસની ઝરમરથી ..
મારી આંખોમાં ઉગેલી કુણી કુણી લાગણી પર..
તે મદભરી નજર ફેરવી ત્યાં ...
બાઝી ગયા અપારદર્શક ઝાકળના થર..
અસમંજસતાના વાદળોને ચીરીને ચમક્યા ..
અચાનક.. અસંખ્ય અરમાની સુરજ..
જેના કિરણોના સ્પર્શથી જ ... 
હું,તું ને અંધારુ બધ્ધુ.. ઝળહળ !!!..

       ...દીપા સેવક.

Friday 3 August 2018

યાદનું વાદળ...

તારી યાદનું વાદળ આવ્યું
મુજ આંખે ચોમાસું વાવ્યું

ભીતર તો ઉનાળો ભડકે
પણ પાંપણ, ઝાકળ લટકાવ્યું

સાંજપડે તું વ્હેવા લાગ્યો
રાત સુધી તો..,જો પુર આવ્યું

સપના સાથે રમવા કાજે
ઉંઘનેય કેટલુ લાડ લડાવ્યુ

અડધી રાતે સૂરજ ચમક્યો
જ્યાં તે સપને મુખ મલકાવ્યું

રોમેરોમથી તું છલકાયો
તો ખોબે ઝીલવુ ના ફાવ્યું

અનરાધારે વરસ્યો વિરહ,
ધખતું ભીતર વધુ ઝુલસાવ્યું

અંજાયેલી આંખો ઉઘડી
તો જુદાઈએ જોર જમાવ્યું

એક અધુરી ઈચ્છા વકરી
ખાલીપાએ ઘર ખખડાવ્યુ

એકલતાની સાંકળ ખખડી
રાતને જાણે ઝોકુ આવ્યું

દીપા' તરસથી તરબતર ભલે
પણ હજુ ધૈર્ય નથી ગુમાવ્યું

ધરતી જેવી ધીરજ રાખી
બસ એને સઘળુ અપનાવ્યું..

દીપા સેવક.



Wednesday 11 July 2018

પ્રીતની પરી...

જીંદગીએ એને માપવામાં ક્યાં કચાશ રાખી છે?
પણ પીડાઓની પીઠી ચોળી ત્યારથી
પ્રીતની પરીની રંગત નીખરવા લાગી છે..

સાંજે શૂન્યતાની શરણાઈ સાંભળી..
સંવેદના સિંદુર લગાવી 
આંગણે આશનો દીવો પ્રગટાવી 
સન્નાટાની સેજ સજાવી ઉભી..
 ત્યાં ..તો..
સપનાએ હકીકતના ખભા પર હાથ મૂકી પૂછ્યું 
આ ભરમના દીવામાં હજુ કેટલું તેલ બાકી છે?

અને હકીકત હસીને બોલી 
અરે પાગલ...
જુદાઈની બળબળતી બપોરનો તાપ ઠારવા તો.. 
યાદની આંખેથી ટપકેલ એક જ આંસુની ભીનાશ કાફી છે..
અને તારી પાસે તો આખું સરોવર છે..
બસ પછી તો શું..
"દીપા" હવે હસીને જીવવા લાગી છે...😊

દીપા સેવક... 

Wednesday 11 April 2018

જાણું છું કે..

હા ..હું સારી રીતે જાણું છું કે..
સર્વગુણ સંપન્ન હું નથી..
ખામીઓ..હશે..ને..
ઘણી બધી હશે..
મારામાં...તારામાં...
પણ... ચાલને એકબીજાની..
ખામીઓ અવગણી
ખૂબીઓ જોઇને જીવીએ..
કે..
રોશની મારી..
નથી પુરતી તારા માટે સમજુ છું..
હા... નથી આભનો ચાંદ હું..
કે વાર ને તિથી પ્રમાણે ચમકુ...
પણ... એ દીવો છું
જે બસ તારા માટે જ પ્રગટું છું..
ને તને અજવાળવા આઠે પ્રહર સળગુ છું...
...દીપા સેવક.

Wednesday 4 April 2018

તારી યાદ


આ ધડીયાળ નો કાંટો 
લાગે ખોડંગાતો..
જયારે તારા આવવાના.. 
વાયદે અટવાતો ..
આ સમય..
ભલે ધીમેથી વહેતો
તારા વિરહમાં એની
હરચાલ હું વધાવું છું..
ભીડમાં કે એકાંતમાં..
તારી યાદ મને હંફાવે..
હું સમયને હંફાવું છું
..
  ...દીપા સેવક.

માછલી હું ઝાંઝવાના જળની ...

છો મળ્યું સંબંધમાં રણ, રેતમાંએ મોતી ગોતી લઉ છું
માછલી હું ઝાંઝવાના જળની તરસ પી ને તૃપ્ત થઉ છું

રાતપાળી સુરજ કરે આંખોમાં, તોયે ભીતર છે અંધારૂ
તે જે ભરમનાં દીવા ધર્યા, એને આંજીને ઉજળી રઉ છું

મહેફિલ મન મારું મૂંઝવતી,સન્નાટાની સોબત ગમતી
એથી આજકાલ તારી આંખમાં ઝાંખું તો છળી જઉ છું

આંસુ,અવહેલનાને અગન બધુ પચાવ્યું હસતા હસતા
પણ તારું નકલી હાસ્ય જોયા પછી સાવ તૂટી જઉં છું

'દીપા' નથી મેલતી ઓછપ કઈ લાગણીની વાવણીમાં
પછી મ્હોરે કે મુરઝાય, સઘળું સંજોગ પર છોડી દઉં છું.

...દીપા સેવક.