Friday 31 January 2014

રણ સળવળ્યા આંખમાં....

એવી નજર કોની પડી કે રણ સળવળ્યા આંખમાં
એવી કદર કોણે કરી કે જળ ખળભળ્યા આંખમાં


ક્ષિતિજો રહી રણની વિસ્તરી છેક જો ભીતર સુધી 
ને રણ રડ્યું ત્યાં ઝાંઝવાના ઝરણ ફૂટ્યા આંખમાં

આશા નથી જો એમ તો એકેય આશ થશે સફળ   
હાંફી ગયા હરણ સપનાના,જો તરફડયા આંખમાં

પૂછો ઈચ્છાનો ત્રાસ સ્હેતા લાગણીના ઊંટને 
દોડી સતત થાક્યા પછી દમ કેમ તોડ્યા આંખમાં

આ સમય સરતો જેમ રેતી સરકતી હો હાથથી
એના સિતમોની નિશાની ડાઘ રઈ'ગ્યા આંખમાં 

(ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા)

.....દીપા સેવક

Thursday 30 January 2014

તો આવજે ....

રણની સફર છે જિંદગી, તાપ સહી શકે તો આવજે
લાંબી ડગર છે જિંદગી, સાથ આપી શકે તો આવજે

નથી મળતું એમ આસાનીથી સફળતાનું જળ અહી
રણની તરસ છે જિંદગી, ઝાંઝવા પી શકે તો આવજે

દિલને ખુશ રાખવા મળશે અસંખ્ય રમકડા સપનાના
ઈચ્છાનું વળગણ છે જિંદગી,તરછોડી શકે તો આવજે

જુઠા મોહરા ચડાવેલા માણસોનું છે આ આખું નગર
સાચની શોધ છે જિંદગી,સત ઓળખી શકે તો આવજે

મોતના સોદાગર દોડે છે ચોતરફ જિંદગીના વેશમાં     
કાળની કડણ છે જિંદગી, દાવ લગાવી શકે તો આવજે

સાચું છે બદલાતા નથી રસ્તા કોઈ દિવસ કોઈના માટે
અકળ ફેરબદલ છે જિંદગી, જાત સંભાળી શકે તો આવજે
....દીપા સેવક  



Wednesday 29 January 2014

સાચા પ્રેમના સરનામાં ....



 જેમ કોઈ'દી વહેતા સમયના વહેણ પલટાતા નથી
એમ સાચા પ્રેમના સરનામાં ક્યારેય બદલાતા નથી
 
જન્મોની તપસ્યા છતાં ચાતક-ચાંદની મળતા નથી  
તોય.. એમની માંગેલી તરસના દરિયા સુકાતા નથી

સદા રહ્યું લાખો જોજન દુર ભલે આ આકાશ ધરતીથી
તોય આકાશની આંખમાં નેહ ધરતીના વિખરાતા નથી

ભલે થોડી પળો મળે તોય આખા દિવસની છે રાહ ફળે
એટલે જ સુરજને બાળતા લાંબા'દી અકળાવતા નથી

હોય છે એથી જ રાતીચોળ આ સાંજ મારા આંગણમાં
ભલે સંધ્યાના ગાલ પર સુરજના ચુંબન દેખાતા નથી


અલગતાના અહેસાસ છતાં ભરે શ્વાસ એકબીજાને જોઈ  
એવું કોણે કહ્યું કે દુર રહીને અહી સંબંધો સચવાતા નથી 
....દીપા સેવક.     

Tuesday 28 January 2014

દુઃખને હાંફ...

 

મને પીડા આપીને આ દુઃખને હાંફ ચડ્યો લાગે છે
ને વેદનાને'ય હવે તો..બહુ પરસેવો વળ્યો લાગે છે
કારણ રોજ આંખોમાં ઉગતી'તી જે ધૂંધળી સવાર
એનો મુરઝાયેલો વાન આજે થોડો ઉઘડ્યો લાગે છે... દીપા સેવક.

ઋતુ વરસાદની ....

 

ઋતુ વરસાદની અમને મોઘી પડી
જયારે બુઝેલી આગને વાછંટે પ્રગટાવી ફરી

ભડકેલી આગમાં મોસમે આહુતિ ધરી
જયારે સળગતા એકાંતે આંસુની હેલી ચડી

તે તો એ પુર રોકવા હથેળીયે ના ધરી
જયારે આંખોથી છલકી'તી વેદનાની નદી   

મોતથીય વસમી લાગી હતી એ ઘડી
જયારે તારી દેખીતી અવગણના સહેવી પડી

મારી લીલીછમ લાગણી દાઝી ગઈ
જયારે ભાવનાના જંગલ પર વીજળી પડી
....દીપા સેવક.

Monday 27 January 2014

એકતરફી લાગણી ....

એકતરફી લાગણી કદી ફળતી નથી
એમ તાલી એક હાથથી પડતી નથી

થાય નારાજ ભલે આ દુનિયા આખી
પણ હું ખુશામત કોઈની કરતી નથી

આંસુથી એમ નહિ છલકે સાગર પણ
એમ કે'વાય કેમકે આંખમાં ભરતી નથી

હું તો ડૂબકી લગાવી અજમાવું નસીબ
જો ના મળે મોતી તો પછી રડતી નથી

ડૂબવાના ડરે સફર અધુરી તો ના મુકુ
મજધારે કિનારાની માયા નડતી નથી

ખરતો તારો જોઈને માંગીએ તે મળે
માન્યતા ખોટી મને પરવડતી નથી

શાને તારાઓને આકાશથી ખરવું પડે
કોઈની પડતી કઈ મારી ચડતી નથી

અમરત્વનું વરદાન લઈને જન્મી જે
એ ઇચ્છાઓ માનવીની મરતી નથી
....દીપા સેવક.
   

હવે મને મંજુર નથી ....

 

અજનબી આગળ બોલવું હવે મને મંજુર નથી
તારી સામે હૃદય ખોલવું હવે મને મંજુર નથી

સમજાય જો ભાષા નયનની એ ભર્યા છે દર્દથી
બાકી દર્દ વિષે કંઈ બોલવું હવે મને મંજૂર નથી

વેચાઈ જઈશું વિના મોલ પ્રેમના બે બોલ થી
વાંકા વાગ્બાણથી મરવું હવે મને મંજૂર નથી

સહી લઈશું તરસ મળી જે લાગણીના રણમહી
મૃગજળની પાછળ દોડવું હવે મને મંજુર નથી

ખબર છે ડૂબવું આસાન નથી દર્દના દરિયામહી
પણ ખોટા કિનારે પહોચવું હવે મને મંજુર નથી

શ્વાસ મારા છુટશે તુજ યાદમાં એનો ગમ નથી
જુદાઈથી ડરીને જીવવું હવે મને મંજુર નથી
....દીપા સેવક.

Friday 24 January 2014

તને ચાહું છુ....

મનોકાશમાં પ્રેમરંગો ઢોળાયા ત્યારથી તને ચાહું છુ
પ્રીતના પારેવાને પાંખ આવી ત્યારથી તને ચાહું છુ

તારી એક નજર મનની તરસ છીપાવવા  કાફી હતી 
પ્રેમના મોસમની એ તપતી બપોરથી તને ચાહું છુ 

આંખોથી આંખ  મળતા કાયમ જે શરમાઈ જતી 
એ ઝુકી જતી પલકોની પેલી પારથી તને ચાહું છુ 

સ્પર્શ તારો પામતાની સાથે ધબકારો જે ચુકી જતું 
તડપતા હૃદયના એ હરેક ધબકારથી તને ચાહું છુ.

એ અગત્યનું હવે નથી કે ક્યારથી અને કેટલું પણ 
પ્રિયતમ આજે'ય પહેલી નજર જેટલું જ તને ચાહું છુ ....
....દીપા સેવક.



Thursday 23 January 2014

હું એટલે....

તારી જ છું..
સમજી લે મને..
હું એટલે..
તારા આલિંગને લપેટાયેલી
આંખોમાં ઉભરાયેલી
એષણાની મધુરી હલચલ

તારી જ છું..
વાંચી લે મને..
હું એટલે...
તારા સ્પર્શથી સરકીને
શબ્દોમાં સમેટાયેલી
શ્રુંગાર રસથી ભરપુર ગઝલ

તારી જ છું..
સ્પર્શી લે મને..
હું એટલે..
તારા ઉરમાં ઉગેલી
ઉમંગોથી સિંચાયેલી
પ્રીતની વેલની કળી કસુંબલ

તારી જ છું
પામી લે મને
હું એટલે
તારા અરમાનની વેદી
સન્માનની સપ્તપદી થી
મંગળફેરા સુધીની મજલ
તારી જનમો જનમની હમસફર

...દીપા સેવક.

Wednesday 22 January 2014

પાનખરના પાનને ....

 

પાનખરના પાનને પોતાની મરજી ક્યાં હોય છે?
જાય હવા ઉડાવે ત્યાં એની રજામંદી ક્યાં હોય છે?

લીલાશ વળગેલ ડાળી પર પીળું પડેલું પર્ણ એક
સમયના તડકે શેકાયેલને વસંત ફળતી ક્યાં હોય છે?

અંધકારમાં જ ઉગે ને આથમે છે અમાસની રાત
ચાંદનીની ચમકને ભલા એ ઓળખતી ક્યાં હોય છે?

હોય જન્મથી જીરવવાનું ભારણ જેના નસીબમાં
એ વેદનાના વાદળને આંધી નડતી ક્યાં હોય છે?

તું લાગણીની માંગણી ના કર હવે કોઈની પાસે
વૃક્ષના ટેકા વગર કોઈ વેલ પાંગરતી ક્યાં હોય છે?
.....દીપા સેવક.

Tuesday 21 January 2014

સંબંધો ....

હું ક્યાં કંઈ લખું છું બધું આપમેળે લખાય છે
કાગળ પર હૃદયની સંવેદનાઓ પડઘાય છે

સંબંધો એમતો અહી આકર્ષણથી જ રચાય છે
હૃદય સમજાયા પછી જ તેનું રૂપ બદલાય છે

જરૂરી નથી હાથ પકડીને જ બેસવું પડે કાયમ
આંખના આંસુ સમજાય તોય દર્દ વહેચાય છે

એને લાગણીની ભાષાની સાક્ષરતા કહેવાય 
શબ્દ મૌન રહેને આંખોથી કોયડા ઉકેલાય છે

જીવનપથમાં મુશ્કેલીનો સામનો જો થાય તો
સાથ આપતા એ સંબંધોનું સાચુ મુલ્ય અંકાય છે
.....દીપા સેવક.

મોસમનું મેનોપોઝ....

મને એવો વિચાર આવ્યો કે..
વરસાદનું વરસવું શું હશે?
જો એવું કહેવાય કે ધરતીની જુદાઈમાં રડે આકાશ તો .. વરસે વાદળ
તપતી ધરતીની પુકારને સાંભળી વરસાદ રૂપે... વરસે વાદળ
ઠંડક પર ગરમીના પાતળા પડળથી ધુંમસ ચોપાસ સરજે વાદળ
ચોક્કસ ધરતી આકાશના મિલનનું બહાનું હશે ..

તો આ જે બરફ વરસે તે શું હશે?
અચાનક આકાશને એવું તો શું થતું હશે?
શું આકાશ સૂરજનો પડછાયો ગળી જતું હશે?
કે વાદળ શૂન્યતામાં ભળી જતું હશે?
કે પછી ધરતી પર મોસમનું મેનોપોઝ અસર કરતુ હશે?
કે થીજેલી ધરતીને જોઈ આકાશનું વહાલ પણ ઠરી જતું હશે?
......દીપા સેવક.

Monday 20 January 2014

તું કહે કે ના કહે ....

તું કહે કે ના કહે તારા મૌનને પણ હું સમજી જઈશ  
જોઇશ ખાલી તસ્વીર તોય આંખમાં હું ઉતરી જઈશ
 
તું ભલે અજાણ બની હકીકતથી આંખ આડા કાન કરે
બંધ રાખીશ આંખ તોય ત્યાં સપનું બની આવી જઈશ
 
મારા વગરની સાંજને પણ તું સાવ જયારે અવગણે
સુરજની લાલી બની છેક તારી રૂહ સુધી પ્રસરી જઈશ
 
રાતના અંધકારમાં મન તારું ડરે ને તું કદી રસ્તો ભૂલે
તો રાહ તારી અજવાળવા,ચાંદની બની ફેલાઈ જઈશ
 
કાંટા જુદાઈના વાગવાની ફરિયાદ જયારે તારું મન કરે
યાદના ફૂલોની સુગંધ બની તારા શ્વાસમાં મહેકી જઈશ
 
અફવા બધે ફેલાઈ ગઈ છે તારી મારી તકરારની છતા
જોજે દરેક વાતમાં તારી જાણે અજાણે હું આવી જઈશ
 
મનમહી મને આવવાની મનાઈ તું ફરમાવીશ તોયે
ગઝલ બનીને તારી આંગળીના ટેરવેથી ટપકી જઈશ
દીપા સેવક .....

વિશ્વાસ વહેમથી અભડાયો છે....

જ્યારે જયારે અહી વિશ્વાસનો આઈનો તરડાયો છે
ત્યારે ત્યારે શ્વાસ વેદનાના વમળમાં જકડાયો છે

રોજ રોજ નવી રીતે ઘાયલ થાય દિલ વિના વાંકે  
સંબંધનો શ્વાસ એના ટપકતા લોહીથી ખરડાયો છે

ધક્કા મારીને એને ધકેલે કોઈ ક્યાં સુધી ભલા કહો
લપસણો રસ્તો સંબંધને પગ સમયનો મરડાયો છે

શકની ઉધઈએ ખોતરીને ખોખલો કર્યો હોય જે સંબંધ
એ હાથથી સરકતી રેતની જેમ સરકતો વરતાયો છે

શકના શહેરમાં જયારે નાતબાર મુકાય છે લાગણી
તો દોષ કોને દેવો કે વિશ્વાસ વહેમથી અભડાયો છે
....દીપા સેવક .

Saturday 18 January 2014

તને જરા જુદી રીતે સ્મરું છું....

આજકાલ તને જરા જુદી રીતે સ્મરું છું
ગીત તારા ગાઈને સાંજ વહાલી કરું છું

જો આ યાદોનો વાયરો કરે તારી વાતો
એની સાથે વાતો કરી મન હલકું કરું છું

તારાનો સાથ પામી ચાંદ ઠીઠોલી જો કરે
તો ઇતરાતા ચાંદને હું તારો ચહેરો ધરું છું

રાતરાણીની મહેકમાં માણું શ્વાસ તારા
એને શ્વાસોમાં ભરી સંગ હું તારો કરું છું

ઝીલી પાલવે તને છાતીએ ચાંપી રાખું
જો કદીક તું આંખોથી આંસુ બની સરુ છું       

આ આંગણમાં ઉગેલી મહેંદીની પાસેથી
પીસાઈને ખીલવાના પાઠ હું ભણું છું

રાતના અંધારમાં રોજ દિલનો દીવો કરી
એ રોશનીમાં તારી કવિતા ઘુંટ્યા કરું છું

એક એક શબ્દ નિખરે તારા જ ખયાલમાં
કે સૌ પૂછે તું આટલું સારું કેવી રીતે લખુ છું?
.....દીપા સેવક.

   

Friday 17 January 2014

એકથી ભલા બે...

લાવ જરા તારી હથેળીમાં ઝાંખવા દે
મારા નામની બસ એક રેખા ટાંકવા દે

રણની સફર છે જિંદગી,એકથી ભલા બે
કિસ્મતને મારી તારી સાથે બાંધવા દે

દિલના દ્વાર જે દુનિયા માટે કર્યા બંધ
એ સ્હેજ ઉધાડ મને ભીતર આવવા દે

શબ્દો ભલે મૌન રહે ને તું કઈ ના કહે
પણ મને તારી આંખને તો વાંચવા દે

દામનમાં મારા ફૂલ નથી તો શું થયું?
મને તારાથી કાંટાને તો દુર રાખવા દે

ધોમધખતો તાપ છે બહાર ને ભીતર
મારવા દે પ્રેમની છાલક, એ ઠારવા દે   

જિંદગીની સફર અજાણી છોને રહી
સાથ જાણીતો લઇ મંજિલ પામવા દે
....દીપા સેવક.

Wednesday 15 January 2014

શીતયુદ્ધ...

મધરાતે તારી યાદની મહેફિલમાં ભંગ પડ્યો
ઉંઘે આવીને અચાનક પાછળથી હુમલો કર્યો

ઉંઘ સામે લડતા લડતા જરા આંખ મીંચી ત્યાં
મોડા સુવા બદલ તારા સપનાને વાંધો પડ્યો

રિસાયેલા સપનાને મનાવવાની કોશિશ કરવામાં
નટખટ નીંદરડીએ સતત સવાર સામે પહેરો ભર્યો

માંડ માંડ માનેલા સપનાએ બાથ જરા ભીડી ત્યાં
મારી સાથે બાથમાં ભીડાયેલ તકિયો નીચે પડ્યો

ત્યારથી મારાથી ઉંઘ અને સપના બંને રીસાયા
તેમને મનાવું તે પહેલા તો સુરજ આવી ચડ્યો

આમ યાદ, સપનાને ઉંધના શીતયુદ્ધ સરીખો
તારા વગરની સુની મારી રાતનો કિસ્સો રહ્યો

.....દીપા સેવક.

Monday 13 January 2014

ખબર નહિ કેમ..

સમયની શાખ પર...
માળો બાંધીને બેઠી'તી લાગણીઓ
તે બેરુખીથી ડાળ હલાવી એટલે જ ઉડી ગઈ
જોને મારી આંખમાં તો ફક્ત આંસુ  જ હતા ...
ખબર નહિ કેમ..

તારી તસ્વીર એ પાણીથી સળગી ગઈ
... દીપા સેવક.

Sunday 12 January 2014

થીજેલી લાગણી ...

ભલે થીજેલી દેખાય લાગણી ...
તોય પ્રીતનો સાગર કદાચ ભીતર ખળભળતો મળે 
જેમ આ દેખાતા બરફની ભીતર નદી હજુ ખળખળ વહે...

  ......દીપા સેવક 

પ્રેમમાં મારે....

પ્રેમમાં મારે હદો સૌ પાર કરવી છે હવે
જિંદગી બસ તુજ પર નિસાર કરવી છે હવે

મનપંખીને રોક્યું બહુ ઉંચી ઉડાન ભરતા
માંગણી એની બધી સ્વીકાર કરવી છે હવે

પાલખી ઇન્દ્ર્ધનુની સજી આંખના આકાશમાં
પ્રીતની પરીને પરણવા તૈયાર કરવી છે હવે  

વાદળોને આંખમાં આંજી તું મુજ પર વરસ
સદીથી તરસતા મન પર ધાર કરવી છે હવે

ચાહ તો હતી રાહ ફૂલોની મળે,કાંટા મળ્યા
ચુભન સહેવા જાતને તૈયાર કરવી છે હવે

હોય કાંટાળી ભલે પ્રેમનગરની હર ડગર
પ્રેમનો હાથ પકડી સઘળી પાર કરવી છે હવે

દુનિયા ભલે પાગલ કહી બદનામ મને કરે
પણ પ્રેમની તાકતને પુરવાર કરવી છે હવે
.....દીપા સેવક 

Friday 10 January 2014

વિવાદીતતા .....

 

સૂરજ છે ઉષ્ણતાનો પર્યાય
એની પાસે...
શીતળતાની આશા પણ ના રખાય
સુરજ એ તો સુરજ જ છે
એ વાદળમાં છુપાય એટલે
કઈ શીતળ ના થઇ જાય...
સ્વભાવ એનો રોશની પાથરવાનો
ભલે કોઈ ખીલે કે કરમાય ... 

જોડાયું નામ સૂરજથી એનું
એટલે તો એ સુરજમુખી કહેવાય
આમ તો પારિજાતની ચાહત છે ચાંદની
પણ ચાંદનીય સુરજનો પડછાયો કહેવાય
એથી જ તો પારિજાતનો પ્રેમ
સુરજ પર બેવડો છલકાય
તો.. ચાહત સુરજની પામવા જ
હૈયે ધરી પ્રેમ પારિજાત પૃથ્વી પર પથરાય
પ્રીતમાં.. એક ખીલેને.. બીજું કરમાય ..
એથી કઇ.. સુરજમુખીના મીતને
પારિજાતનો વેરી તો ના ગણાય

પોત પોતાની રીતે નિભાવે સૌ પ્રીત
પામવા પ્રીતને પોતાની રીતે વરતી જાય
છે અલગ રીત સુરજમુખીની તો
પારિજાત પોતાની રીતે પ્રીત નિભાવી જાય  
બંનેને છે પોત પોતાની રીત 
એમાં કોઈ સરખામણી ના થાય
એક સવારથી સાંજ સુધી સાથ આપે
બીજું ઉપકાર જતાવા પ્રીતમાં ફના થઇ જાય

હવે રહી વાત સુરજની તો ... 

સત્યની રાહે ચાલનારની
વાતો દુનિયામાં બંને રીતે થાય
કોઈને સારું લગાડવા
કઈ સાચો રસ્તો ના છોડાય
સત્ય જ છે કે ...સતકર્મ કરવા નીકળેલાથી
કઈ સૌનું વહાલુ ના થવાય...

....દીપા સેવક

Thursday 9 January 2014

આંખોમાં તને સમાવ્યો પછી ...


આંખોમાં તને સમાવ્યો પછી આખી દુનિયા પોતાની લાગે છે
ચોતરફ માહોલ મજાનો ને લહેરાતી હવાઓ રુમાની લાગે છે

હાથમાં તારો હાથ આવ્યા પછી જાણે આશાઓને આવી પાંખો
મંજીલની પરવા નથી.. મને આ સફર જ બહુ સુહાની લાગે છે

સુરજ ઉગેથી સાંજ સુધી પાંખ ફેલાવી ઉડતા ફરે છે અરમાનો
સતત ઉંમંગોની હેલી ઉછળે ભીતર ઈશ્કની મહેરબાની લાગે છે

જાગતી આંખોમાં મારી રાત પડે સપનાના વાવાઝોડા ઉમટે
ચમકતા એ હરએક સપના સાથે મારો નાતો રુહાની લાગે છે

વાદળોમાં વાતો આપણી સાંભળી પવન પોરસાયેલો ભાસે   
તો સુરજ પણ સૌમ્ય થયો જોઈને ચાંદની જવાની લાગે છે

મને તાકતી આસમાની ચાંદનીમાં તારી છબી દેખાય છે સાથી
તારાઓની મહેફિલે આપણા મિલનની થતી ઉજાણી લાગે છે

એમ તો મિલન આપણુ ધરતી આકાશ સરીખું ભાસતું હતું મને
જ્યારથી પામ્યો છે મેં તને જિંદગી સિન્ડ્રેલાની કહાની લાગે છે

....દીપા સેવક  


Wednesday 8 January 2014

कोई वादा नहीं करते ...

याद तो आजभी हम तुम्हे उतना ही है करते
फर्क ये है अब किसीसे कोई फरियाद नहीं करते

जीते है अपने आसुओको पलकोमे छुपाकर
अब उसको आखोसे गिराकर जाया नहीं करते

आशियानेमें दिया यादो का जलाया जबसे
अश्क के अंधेरो की अब हम परवाह नहीं करते

चांदनी चाहत की लुटाई है हरदम जिसपर
उस दिलबर की नजर का बस सामना नहीं करते

ख्वाबो के परिंदे के पर कट गए है हकीकत से मिल के
टूटे हुए पंख लेकर उड़ने का होसला नहीं करते

जब तक तेरे अहेसासमे महकते है जिन्दा है
कब तक रहेंगे जिन्दा कोई वादा नहीं करते ...

...दीपा सेवक.

નામ વગરનો સંબંધ .....

નામ વગર જ સારો છે આ સંબંધ,તેનું નામ દેવું નથી
દિલથી દિલનો છે આ ઋણાનુબંધ,એનું નામ દેવું નથી

ઘણી રાહ જોયા પછીએ કોઈ ખબર તારી ના આવતા
આંખોમાં ઉતરેલા પડછાયાને, ઉદાસીનું નામ દેવું નથી

જતા જતા સુરજ સંધ્યાનો સાથ મને આપતો જ જાય છે
એકલી છે સાંજ તોય એને, એકલતાનું નામ દેવું નથી

અરમાનોના દરિયે લાગણીના મોજા ઉછળે છે એ સાચું છે
આંખોમાં ઉભરાતા સપનાને, ભરતીનું નામ દેવું નથી

ઓશીકે મુકીને ચાંદની, સપનાની સાથે કરું રાતની સફર ,
રાતભર સતાવતી તારી યાદોને, લોરીનું નામ દેવું નથી

હતાશાને ખંખેરવામાં વીતેલી પળો હાથ મારો પકડે છે,
એ તો છે સંભારણા મીઠા એને, ફરિયાદનું નામ દેવું નથી

....Deepa Sevak.

Tuesday 7 January 2014

ચાહવાની સજા...

મનના ઉપવને મુરઝાયેલી હરેક કળી છે
તોય સુગંધ સંબંધની ત્યાં અકબંધ પડી છે

બની છે રાતો બધી મારી ઉદાસીનું પનઘટ 
જો સપનાની ગાગર પલકોને ભારે પડી છે

ચાંદનીની ચાદર ઓઢીને આવે છે ઉજાગરા
આંખો આંસુના સિતારાથી છલોછલ ભરી છે  


યાદોના અંગારે ઢોળાયું છે આંખોનું ઝાંકળ
એટલે તો સળગતી રાત થોડી ઠંડી પડી છે

દિનરાત તડપે છે દિલ અને જાગે છે આંખો
સતત તને ચાહવાની જ સજા આ મળી છે    

તારી આંખોમાં ચમકે છે અહંનું અજવાળું
લાગે છે તને કુરબાની મારા દિલની ફળી છે

... દીપા સેવક

Sunday 5 January 2014

સંબંધમાં હજુ મીઠાશ જીવે છે ....

તુટી ગયું છે દિલ તોય વિશ્વાસ જીવે છે 
ઊંડે ઊંડે હજુ પ્રીતનો અહેસાસ જીવે છે 

ભલે ટીપે ટીપે નીતરે છે નેહ નેવેથી 
આશા છે મોભમાં હજુ ભીનાશ જીવે છે 

સંજોગની એરણે તપીને ઘટીતી ઘટના
એ મહી હજુ સંબંધની ગરમાશ જીવે છે

તૂટી ગયો તરાપો પણ ડુબતાને તારી શકે
તૂટેલા તરાપે હજુ લાકડાની જાત જીવે છે

હૃદયથી ઉઠતી ચીસોની અસર થાય તો
તાર તુટ્યો છે ભલે અંદર અહેસાસ જીવે છે

હોય કડવી વાતો પણ સમજો તો ઓસડ બને
જરા સાચવશો તો સંબંધમાં હજુ મીઠાશ જીવે છે 
......દીપા સેવક.

Friday 3 January 2014

નસીબ મારુ...

જાણું છું કે ભૂલી જઉં તને છે એજ સારું 
પણ દિલ પર ક્યા જોર ચાલે છે મારુ?

એક સપનુ હકીકત જો ના બની શકે તો
આંખના ગુને દંડાય છે આ દિલ બિચારુ

કહી શકાયું નથી કદી જે તને આજ સુધી
હવે એ વાત હોઠ પર લાવી શાને વધારું?

જે વાતની શરૂઆત જ નહતી થઇ શકી
એનો અંત કેવો હોત કેવી રીતે વિચારું?

મનની વાત મનમાં જ રાખવાનું વિચાર્યું
પણ મન ના માન્યુ જાણીને'ય મન તારુ

યાદમાં તારી જાગીને લખ્યા જે કાગળ
હજુએ પ્રેમથી સાચવે છે ચોરખાનુ મારુ

અજાણ્યા ડરથી જ કદી ના મોકલ્યા તને
બાકી સરનામુ તો હતુ જ મારી પાસે તારું

જે પ્રેમનો અહેસાસ હતો મારા મનને મિતવા
એ ના પહોચ્યો તારા મન સુધી..નસીબ મારુ.
.....દીપા સેવક
      

Thursday 2 January 2014

જીવતી લાશ...

તારા વગરની જિંદગી
 એટલે...
જાણે સુરજ વગરનું આકાશ
ને અજવાળા વગરનો ઉજાશ
જાણે વાયુ વગરનું વાતાવરણ 
ને ગરમાહટ વગરની આગ
જાણે ફૂલ વગરના ઉપવન
ને સુગંધ વગરના પારિજાત
જાણે જાગતી આંખોની રતાશ
ને સપના વગરની સુની રાત 
હવે બીજું તો શું કહું તને
તું છે ધડકન મારી.. મારા શ્વાસ
અને
તારા વગરની હું એટલે
જીવતી લાશ...
 
....દીપા સેવક    

ગુજરતી પળોનો હિસાબ....

 

ગુજરતી પળોનો હિસાબ ક્યાં રાખી શકાય છે?
એને તો બસ યાદ બનાવી આંખોમાં સમેટાય છે

વીતેલા વખતની પાંખ પર બેસી ઉડી શકાય ના
ઉડવું હોય તો મન મક્કમ કરી આગળ જોવાય છે

રણની સફરે નીકળ્યા પછી આંખને શું પંપાળવી
ઉડતી રેતીને નેજવું ધરી ક્યાં સુધી રોકી શકાય છે?

શું કરવુ?.. જો તરસનો દેશ જ હોય કાયમી સરનામુ
તો.. ગળીને થુંક પોતાનું ત્યાં કંઠ ભીનો રખાય છે

જાણું છું મૃગજળ પીતા શીખવુ એટલું આસન નથી
તોય સમયની સોટી વાગવાથી બધું શીખી જવાય છે

આંધીનું કામ છે ધૂળ ઉડાડી અંતરાય ઉભા કરવાનું
પણ મક્કમ પગલે ચાલનારને ક્યાં થંભાવી શકાય છે?
  ....દીપા સેવક