Friday 26 September 2014

વરસો થયા...

પ્રણયના જામ છલકે તો વરસો થયા
જો વેદનાને વળગે તો વરસો થયા

તોડી હતી મને જેને ભીતર સુધી 
એ વીજળીને કડકે તો વરસો થયા

હા થુંક ગળીને ભીનો રાખ્યો કંઠ મેં  
નઈ તો તરસને ઉઘડે તો વરસો થયા

જુદી છે વાત આંખોમાં રણ ના વસ્યા
કે મૃગજળને છલકે તો વરસો થયા

છે ભીનુ મન આ આંસુના વરસાદથી 
બાકી વફાને વરસે તો વરસો થયા

ભૂલી હવે તો ગણત્રી કે થ્યા કેટલા
કે એ સમયને ગુજરે તો વરસો થયા

હજુ આંગણે સલામત છે વૃક્ષ આશના   
છો પાનખરને જકડે તો વરસો થયા
(ગાગાલગા લગાગાગા ગાગાલગા) 

...દીપા સેવક      

Thursday 25 September 2014

ચાહું છું તને...

રોજ એજ વાત કહી શું કરુ તને? 
તનેય ખબર છે કે ચાહું છું તને

આંખ મારી એટલી તો પાગલ
કે દર્પણ સામે હોઉં ને દેખુ તને

પતંગીયા પાંપણે આવી છેતરે
ભમરો ગણગણેને હું સાંભળુ તને

તારી પ્રીતનો નશો એટલો છે કે
જ્યાં નજર પડે ત્યાં હું પામું તને

આંખમાં આકાશ સમ વિસ્તર્યા
એ સર્વે સપના અર્પણ છે તને  

ચાંદ હોય તોજ ચમકે ચાંદની
છે મારો ચાંદ તું ખબર છે તને

મારી હર દુઆમાં બસ તું વસે 
ઈશની આરતીમાં માંગુ છું તને

મારી સેંથીનો સુરજ તારા થકી
જનમોથી માંગીને પામ્યો છે તને

....દીપા સેવક  








Saturday 20 September 2014

તૂટી જવાય છે....(PAIN OF COMMON MAN ...)

સવારે સમેટું છું ખુદને,ને સાંજે તૂટી જવાય છે
એમ જ કેમ જાણે સાંજ પડેને થાકી જવાય છે 

એ જ રસ્તા, એ જ મંજિલ, અને એજ છે સફર
રોજ આંબવા નીકળું છું ને,બસ ચુકી જવાય છે

છે મૃગજળના જ દરિયા ચોતરફ જાણું છું છતાં
એની પાછળ દોડ્યા કરું ને પછી હાંફી જવાય છે

આમ તો લડી લઉં છું એકલા હાથે દુનિયા સામે
પણ ક્યારેક જાતને જ હરાવતા હારી જવાય છે

બાજી બીછાવી રોજ રાહ જુએ છે પડકારો નવા
જેને પડકારતા પડકારતા પછી હાંફી જવાય છે  

એવી કિસ્મત છે કે બાર સાંધુને તેર તૂટે છે અહી 
પછી બે છેડા મેળવવાની કોશિશે તૂટી જવાય છે

મજબુત કદમથી ચાલવું છે ફિતરત મારી પણ
આ મોંઘવારી સામે હોડમાં હવે હારી જવાય છે 

....દીપા સેવક.

Friday 19 September 2014

આંસુ ...

આંસુ આંખોને સુકાવા દેતું નથી
દિલના દર્દોને ભુલવા દેતું નથી

યાદના નખ ફુંક મારીને ખોતરે
રીઝતા ઘાવો રૂઝાવા દેતું નથી

ખુબ તીણા તીર મારે છે શૂન્યતા 
પણ નઠારું પ્રાણ વિંધવા દેતું નથી 

મૌનમાળા ફેરવીને થાક્યા છતાં
કૈક છે જે હોઠ ખુલવા દેતું નથી

રોજ સાંજે કૈક પડછાયા ભૂલા પડે
જેનું સાનિધ્ય મુંઝાવા દેતું નથી  

રોશની વેરે છે અજવાળું પ્રીતનું 
જે શમા આશની બુઝાવા દેતું નથી
(ગાલગાગા ગાલગાગા ગાગાલગા)

..દીપા સેવક

Wednesday 17 September 2014

આછા ઉજાશમાં..

આછા ઉજાશમાં..
તારા આછકલા સ્પર્શથી..
રોમે રોમ ઉઠી
ધગધગતી લહેર
એની જ છે આ અસર
કે અમાસની રાતે ચાંદની
અચાનક ઝળહળી મારી ભીતર
તારી આંખોમાં ઉભરાતા
પ્રેમના ઘોડાપુરની અંદર
જો તણાયા સંયમના જેવર
છલકાયા આરઝૂના સરવર
સમયની ગતિ મંથર
ધડકનો વધતી નિરંતર
ઢળેલી પલકને.. થરથરતા અધર
સાંભળને સજન..
એ કહે છે ઘણું બધુ..કઈ કહ્યા વગર 

....દીપા સેવક

Tuesday 16 September 2014

શૂન્યતાનો શ્રાપ મને ફળી ગયો...

તારા વગરની સાંજની એકલતાથી જો એ છળી ગયો 
પડછાયો મારો સરકતી સાંજના પાલવે ઢળી ગયો

મારી તરસને આંખમાં પૂરી આથમી ગયો એ ઓળો 
મારા દર્દનો અણસાર એની આંખનો આઈનો કળી ગયો 

આ આંખોની ક્ષિતિજે ફેલાતી નકરી શૂન્યતાને જોઇને 
ઉતરતી સંધ્યાનો સુરજ જો મારી આંખમાં ભળી ગયો

રાતી આંખના આકાશે સળવળ્યા સપનાના પંખી તો  
એકલતાની આંગળી છોડી ખાલીપો પાછો વળી ગયો 

આશાના એક ધક્કે ગતિ મળી અટકી ગયેલ સમયને 
કે યાદના આગોશમાં શૂન્યતાનો શ્રાપ મને ફળી ગયો

...દીપા સેવક.





Friday 12 September 2014

ખખડતો ખાલીપો ...

હોઠ પર દિલનું દર્દ આસાનીથી આવતુ નથી
દિલ લખે છે આંખમાં જે કોઈ જ વાંચતુ નથી

આઈનાની આંખમાં આંખો પોરવી શું કરું?
આંખનું હાસ્ય જ્યા અંતર સુધી જો ફાલતુ નથી

દિ'ઉગેથી સાંજ સુધી ભટકે છે વિચારમાં
તોય સામે તું મળે ત્યારે કે'વુ ફાવતુ નથી

આંખમાં વરસોથી યાદો વાદળના રૂપે રહે 
એ અચાનક આંસુરૂપે વરસે તો માવઠું નથી 

ચાંદનીની આંખમાં ઉપહાસ છે જોયા છતાં
રાતની ડાળે લટકતુ મન મારુ માનતુ નથી

જ્યાં નજર નાખુ ત્યાં ખાલીપો મળે છે ખખડતો 
શૂન્યતાના ઘરમાં એથી એકલું  લાગતું નથી 
(ગાલગાગા ગાલગાગા ગાગાલગા ગાલગા)

...દીપા સેવક.

Thursday 11 September 2014

ભીતરની તડપ ...

જો એમ તો ફરિયાદનું એવું કઈ કારણ નથી
તો તડપ ભીતરની વળી એવી પણ અકારણ નથી

બેચૈન દિલમાં ચોટ છે તોયે હસે છે હોઠ જો
એનો અર્થ એવો નથી કે આંખમાં ભારણ નથી

આપી પરીક્ષા કે સદા રે પ્રેમની રોશન શમા
પણ જાણ કે પેઠા પછી મન, વ્હેમનું મારણ નથી

શ્રધ્ધા અને સન્માન બે વિશ્વાસના છે શ્વાસ એ
ના આવવા દો શક સબંધમાં જેનું નિવારણ નથી 
 (ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા)

....દીપા સેવક 






Wednesday 10 September 2014

સ્મરણના ટહુકા ....

પાનખર વિના પાન સૌ પીળા થયા 
જ્યાં સ્મરણના ટહુકા જરા તીણા થયા 

સાંજની શૂન્યતા મને ડંખે છે પણ 
યાદના પડછાયે દર્દ ધીમા થયા   

ગુલમહોરી રાતો મને જે આપતા 
એ સપનના મુજ આંખમાં લીરા થયા

રાજરાણી સમ જ્યાં વિરાજે વેદના
દિલના એ ભાગે ભાગ્ય પણ ભીના થયા

એક સંબંધના શ્વાસ જીવન દે છે હજુ 
એટલે તો સોળ સમયના સજીલા થયા 

(ગાલગાગા ગાગાલગા ગાગાલગા ) 

....દીપા સેવક.

Tuesday 9 September 2014

તો આવજે...

જીવનમાં કમી કદી જણાય તો આવજે
મન પર ભાર કદી વર્તાય તો આવજે

બળબળતા રણની સફર જેવી જિંદગી 
મૃગજળ તારાથીય પીવાય તો આવજે

મેં તો રોજ પીધી વેદના વાદળ ભરી
દર્દથી તારી તરસ છીપાય તો આવજે   

ઝૂમતી હું આંખમાં આંસુનો આસવ ભરી 
એ તારાથી હસીને પી શકાય તો આવજે 

ખભો મારો ઘરી દઈશ કઈ પૂછ્યા વગર
સૌ કારણો કોરે મુકીને અવાય તો આવજે 

જ્યાં લાગણી છે ત્યાં ખુલાસા હોતા નથી  
મલાજો સંબંધનો સચવાય તો આવજે  

લાગણીના મોલ તો કદી માંગ્યા નથી
પણ લાગણી મારી સમજાય તો આવજે

...દીપા સેવક.



આ શું અંદર અંદર....

આ શું અંદર અંદર કોરે છે મને?
આ શું ભીતરથી ઝંઝોડે છે મને?

કોણે બાથ ભરીને છોડી એકલી 
આ શું સાથે રાખી છોડે છે મને?

યાદોના નામે ભીતરથી વિસ્તરે 
આ શું જે અંદરથી છોલે છે મને?  

હો સામે તોયે લાગે દુરી જોજનો
એ તો પામીને તરછોડે છે મને.. 

પુરાવા પ્રિત્યુના આપું શાને હવે?      
પ્રીતમ ખોઈને જો ખોળે છે મને..

(ગાગાગાગા ગાગાગાગા  ગાલગા)

..દીપા સેવક 

Monday 8 September 2014

ભણકારો...

તારા પગરવનો જરાક જો ભણકારો પણ થાય
સુતેલા શાંત હૈયે અચાનક હલચલ મચી જાય

ઇચ્છાના અવતરણે વસી જાય બેચેનીનું નગર  
ભીતરના ભરમ ત્યાં આળસ મરડીને ઉભા થાય

પડ્યા સ્મરણના સસલા એક એષણાની પાછળ
તો એક શક્યતાના અણસારે આખુ ઘર પડઘાય

અરમાનના આભલાથી  સજ્યો પ્રીતનો પાલવ 
આશાના સૂરજથી અડધી રાતે અજવાળા રેલાય

સુનો સુનો ઓરડો તોય થાય છે તારો અહેસાસ 
કે રાતરાણીની સુગંધ બનીને તું મને વીંટળાય  

અધખુલી પાંપણને પંપાળે છે ચાંદની મદભર   
એથી આંખના આભે સતરંગી ઇન્દ્રધનુષ રચાય

સ્હેજ હાથ પકડે નિંદ્રા તો શરુ થાય રંગીન સફર 
રાતની નદીની આરપાર પછી સ્વપ્નસેતુ બંધાય 

પણ જ્યાં ભરમની આંખ ખુલે ત્યાં શૂન્યતા છવાય 
સવારનો પાલવ પછી આંખના ઝાકળથી ધોવાય  

...દીપા સેવક.

Sunday 7 September 2014

પાંપણની કેડીથી ....

પાંપણની કેડીથી કોઈ આંખમાં ઉતરી ગયું
નેહના આંજણ કરી કોઈ હળવેથી સરી ગયું 

લીધા સુખચેન મારા એક જ નજર નાખીને 
એક મીઠી મુસ્કાનથી મને ઘાયલ કરી ગયું 

અમાસની રાત પણ હવે અંધારી ના લાગે 
કે નજરુથી કોઈ રોમેરોમ ચાંદની ભરી ગયુ

આજ વાયરે લહેરાય છે ભીની ભીની સુગંધ
કોઈ સ્પર્શથી શ્વાસ મારા સુગંધિત કરી ગયું 

હવે શ્વાસેશ્વાસમાં ઉભરાય સુગંધના દરિયા
કોઈ બારમાસીને સ્પર્શી રાતરાણી કરી ગયું 

કાનમાં ગુંજે સુની રાતેય સતત એનુ નામ
કોઈ એકાંતે ધબકારમાં ગુંજારવ ભરી ગયુ

....દીપા સેવક. 


Saturday 6 September 2014

અંતરના ઓરડે....

અંતરના ઓરડે છેડી વેદનાની રમઝટ
તો આંખો બની મારી ઉદાસીનું પનઘટ

એકલતાની પનીહારી રૂમઝુમતી આવે
બેડલે ખાલીપો ભરી નેણ નચાવે નટખટ

આંસુઓની હેલ આંખ ઉપાડીને થાકી
તેથી છૂટી મેલી છે મેં ભાવોની વધઘટ

વિરહનો વાંકાચૂકો રસ્તો નથી સરળ
પણ પકડે જો હાથ યાદ કપાશે ફટફટ...

..દીપા સેવક.

Thursday 4 September 2014

हम से नहीं मिला जाता ....

यु अपनों से अजनबी बनकर हमसे नहीं मिला जाता 
खुल्ले आम यु नकाब पहेनकर हमसे नहीं मिला जाता 

आंखोमे अश्क और दिलमे चुभन, कैसे छुपाये ये अगन
यु भीतर ही भीतर में जलकर हमसे नहीं मिला जाता

एक वार जो दिल पर हुआ उसने हमें भी तोड़ दिया, फिर 
टूटे दिल के साथ सीना तनकर हमसे नहीं मिला जाता

जिसके दिल से उठता रहा है दर्द का धुआ हरसू हरपल 
उस जमीन से आसमा बनकर हमसे नहीं मिला जाता 

उस गली से गुजर भी है मुश्किल जहा इश्क रुसवा हुआ   
ज़माने की रवायतोमें ढलकर हमसे नहीं मिला जाता 

वैसे तो अदा हमें भी आती है जूठा आइना दिखाने की पर 
दिल को रुलानेवालो से हस हसकर हमसे नहीं मिला जाता 

किसी के घाव पर नमक मलकर हमसे नहीं जिया जाता 
जैसे आप मिलते हो हमसे अकसर, हमसे नहीं मिला जाता

....दीपा सेवक   

आँखों से सरकते खंजर ...

आँखों से सरकते ये खंजर सीधा दिल का निशान साधते है
होठ फेलाती खोखली हसी को जालिम दो हिस्सोमे बांटते है
एक तरफ घुटन का अहेसास और दूजी तरफ है तेरा खयाल
इसलिए छुपा के दर्द हम गम की ताल पे बेसुध से नाचते है
..दीपा सेवक.