Wednesday 24 July 2013

નવી શરૂઆત કરીએ ....

રાતભર સપના ઉલેચીને થાકી છે આંખો
લાવ એને પંપાળી થોડી શાંત કરીએ

રાતભર યાદોના ઉત્પાતથી ત્રાસી છે આંખો
ચાલને એને પીડાથી થોડી મુક્ત કરીએ

રાતભર ખોટી પીડા લઇ બહુ રડી છે આંખો
ચાલ એને હળવેથી થોડી છાની કરીએ

રાતભર હકીકતથી ભાગતી ફરી છે આંખો
એમાં સચ્ચાઈભરી સવારને ભરીએ

રાતભર જેના સામનાથી ડરી છે આંખો
એ હકીકતનો હાથ પકડી નવી શરૂઆત કરીએ
...Deepa Sevak.

સંબંધમાં સળો શેષ નથી ...


લાગે છે મને હવે સંબંધમાં સળો શેષ નથી
મારા એકાંતમાં તારી યાદ નિષેધ તો નથી
હા વહે છે તારી યાદમાં કોઈ ફરિયાદ વગર
પણ મારા આંસુમાં હવે ખારાશનો અંશ નથી
..Deepa Sevak.

Tuesday 23 July 2013

તને કહ્યા વગર તારી થઇ ગઈ ....

 

મને જાકારો દીધા પછી....
પાછુ જોયા વગર..
જયારે તું આગળ જતો હતો
તારા ચાલવાનો અંદાજ બિલકુલ બદલાયેલો હતો,
જે ઘણું કહી જતો હતો..
ચોખ્ખું દેખાતું હતું,
જાણે કોઈ પોતાની જિંદગી હારીને જતો હતો
એ જોઇને...
હા આંસુની ધાર હતી મારી આંખમાં
પણ હવે મારી આંખમાં...
અફ્સોસ જરીએ નહતો
ને તારી જેમ જ હું પણ દિલમાં તને કેદ કરી
પાછું જોયા વગર આગળ વધી ગઈ
અને જનમભર તને કહ્યા વગર તારી થઇ ગઈ
....Deepa Sevak.

Monday 22 July 2013

ખુદાનેય હવે કરગરવું નથી....


 હળવું નથી, મળવું નથી,મારે કોઈને હવે જડવું નથી
એકાંતની દુનિયામાંથી મારે પાછા હવે ફરવું નથી

મેં તો આંખો બંધ કરીને સોંપ્યા મારા સપના તને
તું પુરા કરશે કે કચડશે, એ વાતમાં મારે પડવું નથી

મજબુર હું કેમ કરી શકું તને મારી સાથે સહેમત થવા
છે તારા પોતાના જે મત,એનાથી મોં મારે ફેરવવું નથી   

નથી જોઈતા ખોટા દિલાસા મારે નસીબની આડ લઇ
છે હકીકતનો સ્વીકાર મને, સમય સાથે હવે લડવું નથી

માનતો હોય મારો હક તો તું માંગ્યા વગર આપ મને
બાકી મન્નતો માનીને મારે ખુદાનેય હવે કરગરવું નથી
.....Deepa Sevak.

Friday 19 July 2013

મનથી ચાહો તો મંજીલ મળી જાય છે ...

 
કહેવું છે ઘણું પણ શબ્દો જડતા નથી
ને મૌન રાખવાથી દિલમાં ડંખ રહી જાય છે

કોરી આંખોથી કાગળ લખાતા નથી
ને ભીની પલકે લખું તો શાહી ફેલાય છે

મૌનના અવાજ તને સંભળાતા નથી
ને બોલવા જો જાઉં તો જખમ લીલા થાય છે

લીલા જખમના ઘા તને દેખાતા નથી
ને છુપાવવા જો જાઉં તો પીડા બહુ થાય છે

પણ પીડાથી પગ મારા ડગમગતા નથી
ને હવે મંજિલના મારગે મક્કમ પગલે ચલાય છે

સાચું છે હંમેશ કોઈ સાથ દેવાના નથી
ને તોય મનથી ચાહો તો મંજીલ મળી જાય છે

Deepa Sevak.

બસ દિલની વાતો કરું છું....

સૌ પુછે કેવી રીતે બધું લખું છુ
કે સીધી સૌના હૈયે પહોચું છું

હું કેવી રીતે કહું કે શું કરું છું
બસ મારા દિલને અનુસરું છું

હું વસંતની વાણીને વહેચું છું
ને વેદનાના વાદળ નીચવું છું

હું પાનખરની પીડાને સમજુ છું
ને આંસુની ચાદરને પાથરું છું

હું પ્રણયની પીડાને અનુભવું છું
ને પ્રીતનું પાગલપન ચોરું છુ

હું તો અંતરનો કુવો ઉલેચું છું
એ વારિથી કાગળ ભીંજવું છું

હું આંખની ઉર્મીઓને જક્ડું છું
ને શબ્દોથી આગળ વિહરુ છું

હું હૃદયના તરંગને પકડું છું
એ કલમને કહીને વિસ્તરું છું

હું દિલમાં આશાઓને ભરું છું
ને ટેરવેથી કાગળ ચીતરું છું

હું તો બસ દિલની વાતો કરું છું
એ કરી સૌના દિલમાં ઉતરું છું

...Deepa Sevak

કવિતાના ઝરણા સુકાઈ ગયા....


તારી આંખોના તીરથી અમે વીંધાઈ ગયા
મારી આંખોમાં તારા સપના સમાઈ ગયા

સપનાએ સાથ મારો છોડ્યો એક રાતમાં
આંખ સામે હકીકતના ઢગલા ખડકાઈ ગયા

સપના જોડે હકીકતનો સામનો થયો જરા
ને રાતની પરીઓના પાલવ ભીંજાઈ ગયા

હૃદયના રણમાં ફૂટ્યા મૃગજળના વીરડા
ને આંખોમાં ઉતરેલા દરિયા સુકાઈ ગયા

સર્જાયા રણ જ્યાં લીલા વનરાવન હતા
સુકા ઠુંઠા ચીતના કેનવાસે ચિતરાઈ ગયા

શબ્દોની આસપાસ મૌનના ઝાકળ છવાયા
તો કલમથી કવિતાના ઝરણા સુકાઈ ગયા

...Deepa Sevak.

દરેક અધુરી વાતના....


દરેક અધુરી વાતના મતલબ બે થાય છે
સમજ સમજનો ફેર છે, જેને જે સમજાય છે

તને લાગ્યુ હું તારી સાથે બોલતી નથી
મને એમ કે તું કેમ મને બોલાવતો નથી
આમ મૌનની કરવતથી દિલ બંને કપાય છે
દરેક અધુરી વાતના મતલબ બે થાય છે
સમજ સમજનો ફેર છે, જેને જે સમજાય છે

તને લાગે હું યાદ બિલકુલ તને કરતી નથી
મને એમ કે તને યાદ મારી હવે આવતી નથી
સમય કરે એક ઘાને ઘાયલ બંને થાય છે
દરેક અધુરી વાતના મતલબ બે થાય છે
સમજ સમજનો ફેર છે, જેને જે સમજાય છે

તને એમ કે તું મારા પ્રેમને કાબિલ નથી
મને એમ કે તું માને છે હું તારી મંજિલ નથી
એમ અણસમજની આગમાં બંને શેકાય છે
દરેક અધુરી વાતના મતલબ બે થાય છે
સમજ સમજનો ફેર છે, જેને જે સમજાય છે

તું મનના બધા ડર છોડીને એક વાર આવી તો જો
મારા મનના દરવાજાને એકવાર ખટખટાવી તો જો
આ અધુરી વાતને એકવાર આગળ વધારી તો જો
આ સમજના ફેરને થોડો આગળ પડી સુલઝાવી તો જો
પછી જો જે દિલમાં કેવા ગુલમહોર ખીલી જાય છે...

...Deepa Sevak.

બસ હવે તો આવ તું ...

 
શું કહું તારા આવવાના ભણકારાથી જ શું થાય છે
સજન, આંખ ખુલ્લી હોય કે બંધ,તું જ બધે દેખાય છે

આમ તો લયમાં ચાલવું ફિતરત છે મારા હૃદયની
તું હોવાના અણસારથી, ધડકનોની ચાલ બદલાય છે

સજ્યા સોળ શણગાર છે સાંજથી તું સ્વાગતમાં, તોયે
ખુદને સવાંરવા અચાનક દર્પણમાં જોવાઈ જાય છે

કંગન ,કાજળ, બિંદી, ઝુમર સઘળું સંગીત રેલાવે છે
બેસુરા મારા શ્વાસોમાં પણ વાંસળીના સુર રેલાય છે

દિલને ડુબાડું તારી આંખમાં,તારા હાથમાં હાથ પરોવું
આલિંગન તારું પામવા મારું મન અધીરું બહુ થાય છે

ધડીયાળ જોઈ જોઈ થાકેલી નજર દરવાજે ખોડાઈ છે
બસ હવે તો આવ તું કેમ આટલી બધી વાર થાય છે ?
...Deepa Sevak.

સુરજના ચસચસતા આલિંગનથી ...

 
સુરજના ચસચસતા આલિંગનથી સંધ્યા શરમાઈ ગઈ
મુખડું શરમથી લાલ થયું, આકાશે લાલી પથરાઈ ગઈ

મિલન હજુ માણે ત્યાં સુરજ કહે, મારી જવાની વેળા થઇ
મિલન પીયુંનું ક્ષણિક થયું ત્યાં વિદાયવેળા આવી ગઈ

મનાવ્યો માન્યો નહિ સુરજ તો એની અસર એવી થઇ
સુરજ હજુ ગયો ના ગયોને સંધ્યાય જો કરમાઈ ગઈ

રાત પાલવ પાથરી સંધ્યાને મનાવતી જો રહી ગઈ
ઝુરાપે સૂરજના રોઈ રોઈને સંધ્યા અલોપ થઇ ગઈ

...Deepa Sevak.

તારા વગરની સાંજ ....

તારા વગરની સાંજ બહુ ઉદાસ લાગે છે
રાતનેય અહી આવતા બહુ થાક લાગે છે

પલળી ગયું છે મારા દર્દથી રાતનું દામન
એટલે થોડો ઠંડો અંધારનો મિજાજ લાગે છે

મોઢું છુપાવી ચાંદની પણ આંસુ છુપાવે છે
ચાંદનીને રડાવવામાં તારો જ હાથ લાગે છે

તારાઓની મહેફિલમાં તારી જ ચર્ચા છે
વાદળ નથી તોય અહી વરસાદ લાગે છે

રજનીગંધાથી ખેંચાઈ નાગ આવે છે જેમ
એકાંત મારું સીંચવા આવતો વિશાદ લાગે છે

મારે સપનાના શહેરમાં એકલું નથી ફરવું
સાથે તું આવે તો જ આ સફર ખાસ લાગે છે
...દીપા સેવક.

મળશે તને ....


એક માંગીશને અહી હજારો તાળી મિત્ર મળશે તને
પણ જગમાં સાચી મૈત્રીના તો જુંજ ચરિત્ર મળશે તને

એકવાર દિલને ઢંઢોળીને પૂછી જોજે કેટલાક સવાલ
સાચા જવાબો દિલની અંદરથી જ મિત્ર મળશે તને

દુધથી દાઝી ગયેલી જીભ છાશ પણ ફૂંકીને પીએ
જો જગમાં સંબંધના કૈક કિસ્સા વિચિત્ર મળશે તને

સમય વગાડે વાંસળીને અહી રાસ સહુ લોકો રમે
ઓળખ સમયના રાગને ગમતું વાજિંત્ર મળશે તને

દિલની અંદર જે સ્થાપી શકાય એવી હોય એક છબી
ઘરની દીવાલને સજાવવા તો હજારો ચિત્ર મળશે તને
....Deepa Sevak. 

તે કેમ ચાલે ?...

સુરજ સાવ વાદળ પાછળ સંતાય તે કેમ ચાલે ?
ઉગ્યા વગર એમનેમ આથમી જાય તે કેમ ચાલે ?

હોય વરતારો વાતાવરણમાં ભલે આંધીનો પણ
ડરીને તું લાગણીને ખાળી જાય તે કેમ ચાલે?

વરસાદ,વીજળીને વાવાઝોડા ભલે ત્રાટકે પણ
આત્મવિશ્વાસ સુરજનો ડગી જાય તે કેમ ચાલે ?

જે રાતોના અંધારા ડરતા'તા તારા આગમનથી
તે તારી સામે સાવ દીવો ધરી જાય તે કેમ ચાલે?

વણબોલી હાંક હતી જ્યાં તારા નામની એ શહેરમાં
અજનબી કોઈ આવીને તને છળી જાય તે કેમ ચાલે ?
...Deepa Sevak.

તારા આવવાની ખબરથી ...

તારા આવવાની ખબરથી ...
આંસુની ઓળખ બદલાઈ ગઈ
આંખના એક ખુણેથી ઉતરી
ગાલ પર હજુ અટક્યું ત્યાં
આંખની ભીનાશ
હોઠ પર છવાઈ ગઈ
સ્મિત બની ફેલાઈ ગઈ..

આગમન તારું થયું ત્યાં...
હૃદયની ઋતુ પલટાઈ ગઈ
ધડકનની ચાલ બેવડાઈ ગઈ
તારી એક નજરની અસર થઇ
લાગણીના મેહ વરસ્યા ને
હું આખે આખી ભીંજાઈ ગઈ..
....Deepa Sevak.

ઋતુઓનો રાગ ...


 જે દી વાદળને રસ્તો જડતો નથી
એ વીજળીને મનામણા કરતો નથી

બાંધી દે હવાનેય પોતાના પાશમાં
વાદળનો રૂઆબ કઈ કમ તો  નથી

એનેય ગરજ છે વીજળીના સાથની
તોય કદી એ વ્હાલથી વિનવતો નથી


ધરતીની પ્રીત આકાશને રડાવે તો 
વાયરો વિરહનો વાદળનેય છોડતો નથી 

વીજળી ચમકીને જયારે છડી પોકારે
પછી આગમનમાં વાર કરતો નથી 


આકાશની પ્રીત પાડે ચોધાર આંસુ
એમનેમ કઈ વરસાદ પડતો નથી
 

ઋતુઓની રાણી કહેવાય વસંતને
એનાથી ચોમાસાને ફર્ક પડતો નથી

ચોમાસે ભીંજાયા પછી તારા પ્રેમમાં
જિંદગીનો ઉકળાટ હવે નડતો નથી

સજન તું છે વાદળને તો હું છું વીજળી
આ ઋતુઓનો રાગ મેં ગાયો અમથો નથી
....Deepa Sevak.

આશાઓ રોપ્યા કરું છું....

ખબર છે કે છે ઠગારી તોય રોજ આશાઓ રોપ્યા કરું છું
અવગણી આડાશોને, આંસુઓથી આરઝુઓ સીંચ્યા કરું છું

આવીને દ્વારે ઉભા રહે આંખના, અસંખ્ય સપનાના ટોળા
નથી કોઈ ઘરમાં કહી, ડેલીએથી પાછા વળાવ્યા કરું છું

શીતલ પવનની લેરખી આવીને સહેલાવ્યા કરે લટને
આંખ બંધ કરી, તારા મધુર સ્પર્શને એમાં માણ્યા કરું છું

ઉદાસીના ઓળામાં ડુબી અધીરુ આ દિલ છળે લાગણીને
પંપાળું હું લાગણીને પછી હળવેથી દિલને ટપાર્યા કરું છું

પત્ર લખું કે ભલે સમજે નહિ, હાલ મારા વાંચી તો શકે તું
લઇ કલમનો સહારો તારા દિલના દ્વાર ખટખટાવ્યા કરું છું

બારી પર તારી સંદેશનો વાવટો ફરકતો હશે આજ તો
એવું વિચારીને રોજ તારી ગલીમાં ફેરા હું માર્યા કરું છું

થશે કોક દી આશાને તારો ભેટો એવું સમજાવું છું હૃદયને
એમ નિરાશાના નગરથી રોજ ખુદને પાછી વાળ્યા કરું છું
....Deepa Sevak.

તું ના આવે તો...

તું ના આવે તો હોઠ થોડા વંકાઈ જાય છે
આંખોમાં એક ઉદાસીનો ઓળો
ઉતરીને અલોપ થઇ જાય છે
રસ્તાની બંને બાજુ સુમસામ થઇ જાય છે
નજરની સીમાઓ લંબાઈ જાય છે
પણ મનને માનવતા શીખી ગઈ છુ,
એકની એક વાતથી હવે નિરાશ થવાતું નથી
...Deepa Sevak.

ઇન્તજાર ...

તે કહ્યું નહિ અલગ થવાનું કારણ..
મેંય પૂછ્યું નહિ...
તે હાથ પકડ્યો નહિ તો..
પછી મે પણ લંબાવ્યો નહિ..

તું મૂંગો થઈ ગયો એટલે..
હુંયે બોલી નહિ.. 
તે મો ખોલ્યું નહિ કદી તો..
હું પણ પછી ચુપ જ રહી..

તારા ગયા પછી પણ..
હું આગળ વધી શકી નહિ
તે પાછું વાળીને જોયું નહિ
હું તો ત્યાની ત્યાં જ ઉભી
હતી..
ઉભી છું …ઉભી રહીશ...

...દીપા સેવક.

તું આવે ...

તું આવે તોય ઠીક છે ને ના આવે તોય ઠીક રે
દે ડામ હૈયે તોય, મને વ્હાલી છે તારી પ્રીત રે

જેમ વાદળે ઘેરાઈને આભથી વરસે છે મેહુલો
તેમ તારા નેહ સજન, મારી આંખોએ નીતરે

જો તારા વગરની સાવ સુની છે મારી સાંજ
અને ચાંદનીએ ચોરી લીધી છે મારી નીંદ રે

એક એક ધડી વિરહની બની ગઈ મારી વેરણ
એવામાં તારી,મધમધતી યાદ મને કેમ વિસરે

હૃદયના રણમાં ખીલ્યા છે મોગરા તારી પ્રીતના
અને પ્યાસ તારા મિલનની, મૃગજળ થઇ વિસ્તરે

સીંચ્યા છે છોડ આશાઓના આંસુના નીરથી
ખીલશે મિલનના ફૂલ ને, થશે પ્રીતની જીત રે

Deepa Sevak.

Wednesday 17 July 2013

ગમે છે

 
હલકું હલકું તારું વરસવું ગમે છે
ભર વરસાદે તારું તરસવું ગમે છે

એક આરઝુની અદાલતની આગળ
તારા મારા નયનનું લડવું ગમે છે

જુઠા ઇન્કારને મારો એકરાર માની
આમ આંખોથી તારું અડકવું ગમે છે

તારી આંખોમાં મારા હોઠોની સુરખી
એની લાલાશે દિલને રંગવું ગમે છે

તું એક સુર છેડે પ્રીતની વાંસળીનો
એ સૂરે મારા મનને ઝુમવું ગમે છે

નજર મારી વાંચીને આગળ વધે તું
છતાં "ગમે છે?" એવું તારું પૂછવું ગમે છે
Deepa Sevak.

Monday 15 July 2013

કેવી રીતે....?

રોજ રોજ એકની એક વાર્તા કરવી કેવી રીતે?
ભરાઈ ગયેલી ડાયરી ફરી ભરવી કેવી રીતે?

મોસમની જેમ બદલાય જેનો મિજાજ કાયમ
હાથ જોઈ કિસ્મતની આગાહી કરવી કેવી રીતે?

સમંદરથી ગહેરા રાઝ છુપાયા છે જેના દિલમાં
એની આંખોથી અંતરની વાતને અડવી કેવી રીતે ?

આકાશમાં વાદળ ઘેરાય તો જોઇને સમજાય
પણ અચાનક આવતી આંધીને કળવી કેવી રીતે?

તારી કહેલી વાત પથ્થરની લકીર તો નથી
મન મારું ના માને તો એ માનવી કેવી રીતે?

તું કહે છે તો ચાલ માની લઈશ તારી બધી વાત
પણ શીખવ મને વાતને ફરી ગોઠવવી કેવી રીતે?

લખાઈ ગયેલા શેરને મઠારવા છે ઘણા મુશ્કેલ
કહે મનમાં છપાયેલી છાપને ભુસવી કેવી રીતે?
Deepa Sevak.
 

Sunday 14 July 2013

શબ્દો જડતા નથી ...


કહેવું છે ઘણું મારે પણ શબ્દો જડતા નથી 
ખરી ગયેલા પાંદડા, જો ઝાડને નડતા નથી
 
અલગ થયા પછી ક્યાં તને મેં દીધો છે સાદ
જાણું છુ સમયના પગલા, પાછા વળતા નથી 
 
મૂંગી થઈને રોજ સહન પીડા હું કરતી રહી
દિલને એ દર્દથી હવે, કોઈ ફરક પડતા નથી 

હું જુદાઈની આગમાં બળીને ભસ્મ થઇ ગઈ 
એવી રાખમાંથી, દિલના રમકડા બનતા નથી 

સમય તારી મરજીને મેં માથે ચડાવી પ્રેમથી 
માન્યા પછી હાર, જીતના જંતુ કનડતા નથી
....દીપા સેવક ...



Wednesday 10 July 2013

कैसे?

 
सोचती हु के निकल जाऊ तुज से दूर कही
पर तुजसे जुड़े रहेने की जिद करते इस दिल को समजाऊ कैसे?
सोचती हु के तुम्हे भूलकर आगे बढ़ जाऊ
पर दिल को घर समजकर रहेती तेरी यादो से निजात पाऊ कैसे?
...Deepa Sevak.

સંવેદના...

તેજ ઓળખી નહિ મારી સંવેદના મનથી કદી
નહિ તો ખાનગી તારાથી કશું મેં રાખ્યુ નથી
...Deepa Sevak.

अशकों की मुराद...

भीगी आँखों को देख तू ये ना समजना के रो रहे है हम
ये तो कुछ अशकों की मुराद है जो आँखों से ढो रहे है हम
हमने आईने तक से छुपाये है दर्द अपने बड़ी चालाकी से
तो तेरे आगे दर्द का रोना रोये इतने तो मजबूर नहीं है हम
...Deepa Sevak.

સફર ઈશ્કની ...


સફર ઈશ્કની આમ આસાન ક્યાં કહેવાય છે?
શોધતા રસ્તા હૃદયના કદી ભૂલું પડી જવાય છે
 
દુનિયા વસાવે રોજ દિલ આંખ બંધ થતા સાથે
આંખો ઉઘડ્યા પછી, એ સપનું ક્યાં સચવાય છે?
 
આંખોમાં ઉગ્યા પછી જેનું  આથમવું અઘરું પડે
એવા સુરજ રોજ આવી, આંખોને દઝાડી જાય છે
 
રોજ થડકી જાય છે જિંદગી અજાણી દસ્તકથી
કોણ જાણે કોણ ટકોરા દઈ, પાછું વળી જાય છે
 
રણની સફરે નીકળ્યા પછી શું ડરવું તાપથી?
રાતપડે ચાંદની તો રણમાં પણ પથરાય છે
 
મંજિલ મારી તું નથી તોય, બસ હું ચાહું તને
દુરથી જ તને જોઇને આંખો તૃપ્ત થઇ જાય છે
Deepa Sevak.

Tuesday 9 July 2013

गुबार..

 
अकेलेपन का ये गुबार दिल से क्यों निकल नहीं जाता
तेरा जाना तय था फिर भी दिल क्यों संभल नहीं पाता
..Deepa Sevak.

ख़ामोशी...

टूट गई थी अंदर तक उनकी ख़ामोशी से
के ये सोचकर खामोश होना चाहती हु के
शायद अब मेरी खामोशी
उन्हें कुछ बोलने पर मजबूर करे
और जो फांसले उनकी खामोशीने बढ़ाये है
मेरी ख़ामोशी शायद उन फांसलो को दूर करे
Deepa Sevak.

परछाई ही सही...

 
साथ में तेरे हम बराबर चलते रहे फिर भी तुमने हाथ पकड़ा नहीं
सोचा हमकदम न बन सके तो क्या साथ चलू बनके परछाई ही सही
...Deepa Sevak.

પ્રીતનું ઝળહળવું નક્કી છે..

આંસુની ધાર ચીરીને
આંખની આરપાર નીકળતો
આથમતો સુરજ
તારી યાદમાં ઓગળતા અંતરને
આશ્વાસન દેતા દેતા
કહી ગયો કાનમાં કે...
ઉગે છે એનું આથમવું નક્કી છે
તો આથમ્યા પછી ફરી ઉગવું
નકામું છે આમ વિરહમાં તારું તરફડવું
તારી પ્રીતમાં કશીશ હશે તો
વહી જશે વિરહની વસમી વેળા
ને મિલનમાં પ્રીતનું ઝળહળવું નક્કી છે
.દીપા સેવક.

Friday 5 July 2013

તું યાદ આવ્યો ...


 


એવું તો નથી
વરસાદમાં જ તું યાદ આવ્યો
પણ બુંદોમાં તારો ચહેરો દેખાયો ને
... મારી આસપાસ રૂમાની માહોલ ફેલાયો
ને તું યાદ આવ્યો

એવું તો નથી
સાંજના સૂનકારે જ તું યાદ આવ્યો
પણ તન્હાઈમાં તારો પગરવ સંભળાયોને
મારી ધડકનોનો લય અચાનક બદલાયો
ને તું યાદ આવ્યો

એવું તો નથી
રાતના સથવારે જ તું યાદ આવ્યો
પણ ચાંદનીએ મારો ગાલ સહેલાવ્યોને
મારા શ્વાસોમાં તારી સુગંધનો દરિયો લહેરાયો
ને તું યાદ આવ્યો

એવું તો નથી
કોઈ કારણે જ તું યાદ આવ્યો
પણ વિનાકારણે પણ તું દિલમાં જ સમાયોને
રહ્યો સતત મારા અસ્તિવમાં તારો જ પડછાયો
એટલે તું યાદ આવ્યો
Deepa Sevak.

સપનાની કેડી ....


રોજ નવી સપનાની કેડી કંડાર્યા કરું છું
હાથ તારો ઝાલી એ પર ચાલ્યા કરું છું

કદમ કદમ પર આવતી અડચણો અહી
ઉંઘને તારી આણ દઈ એ ટાળ્યા કરું છું

રાખું છું છાતીએ મધમધતી યાદોનો ભાર
ઝબકીને જાગું નહિ એટલે પંપાળ્યા કરું છું

છે અગણિત અરમાનોનો પાંપણ પર ભાર
આંખોની પાલખીમાં પ્રેમથી ઝુલાવ્યા કરું છું

મીંચેલી છે આંખ હવે ખોલવી નથી કદી
ના પાડે સવાર,હું રાતને મનાવ્યા કરું છું
...Deepa Sevak.

Thursday 4 July 2013

મેં તારી યાદને ...


 




મેં તારી યાદને આઘી કદી રાખી નથી
કારણ કે એ બહાને તું દિલમાં ઘર બનાવે છે

મેં આંખને આંસુની ના કદી પાડી નથી
કારણ કે એ બહાને દિલનું દર્દ બહાર આવે છે

મેં દિલના દર્દની ફરિયાદ કદી કરી નથી
કારણ કે એ બહાને તારી યાદ હક જમાવે છે

મેં તારી જુદાઈને કદી ઢાલ બનાવી નથી
કારણ કે એ મારી પ્રીતને તપાવી સોનું બનાવે છે

મેં દિલના દરવાજે સાંકળ કદી વાસી નથી
કારણ કે એ આઝાદી જ તને ફક્ત મારો બનાવે છે
...Deepa Sevak.

Wednesday 3 July 2013

સપનું નવું અવતરતુ હશે .....



આકાશથી છૂટો પડતા શું વરસાદને દુઃખ પડતું હશે?
આંખોને અલવિદા કહેતા શું આ આંસુ પણ રડતું હશે?

વાદળના ગરજાટમાં સંભળાય છે કોઈ વિરહીનો નાદ
દેખાય ના દુઃખ દુનિયાને માટે આ વાદળ શું કરતુ હશે?


વાદળની વેદનાનું વીજળીના ચમકારમાં દુઃખ દેખાય છે
શું એનુય સપનું રોજ મારા સપના જેમ આંખથી ખરતુ હશે?


અસ્તિત્વને ભૂલી આંસુને કેદ રહેવું ગમે છે આંખમાં,પણ
હૃદયમાં ઉઠતી ટીસ સાંભળી કદાચ આંખમાં ઉભરતુ હશે


આંસુના આંગારથી શેકાઈને થયા છે મારા ગાલ લાલ
વિરહની વેદનાને દામનમાં લઇ આંસુ શું આગ ઝરતુ હશે?

વરસ્યા પછી વરસાદ જેમ આકાશ ખાલીખમ ભાસે બધે
વહ્યા પછી દર્દ આંખથી હૃદય પણ શું ખાલીખમ ભાસતુ હશે?

ચાલ વહાવી જોઉં ભાર બધો આ આંખોના વાદળ તણો
કદાચ ખાલી જગ્યા જોયા પછી જ સપનું નવું અવતરતુ હશે

...દીપા સેવક.