Monday 28 September 2015

રાત હજુ કાચી હતી...

પાકી નહોતી રાત હજુ કાચી હતી
આંખોમાં થોડી સાંજ હજુ બાકી હતી

લઇ એક ચપટી રંગ વીતી વાતનો
રાતે ઉદાસી આંખમાં આંજી હતી

વાદળના વેષે ઉભુ અતિત જ્યાં આંગણે
ત્યાં વાયરાની વેલ કરમાતી હતી

ટહુકે અજંપો યાદના આંબા ઉપર
ને વેદનાની વાવણી થાતી હતી

આંખોમાં આગાહી હતી વરસાદની
પણ મેં બપોરને ભીતરે રાખી હતી

અંગાર જેવુ કૈક તો સળગતું હતું
કે ચાંદનીની આંખ હજુ રાતી હતી

ચારે તરફ અંધારના ઢગલા મફત
પણ રોશની રાશનથી વેચાતી હતી

'દીપા'ને અજવાળા સદે એવુ બને 
પણ સૂર્ય સાથે હોડ આગિયાની હતી
(ગાગાલગા ગાગાલગા ગાગાલગા)
...દીપા સેવક.





Thursday 24 September 2015

કેટલાક સંબંધો ...

કેટલાક સંબંધો ...
અધૂરા મહીને જન્મેલા બાળક જેવા હોય છે..
ખુબ કાળજીથી ઉછેરવાના પ્રયત્ન છતાં..
અધવચ્ચે દમ તોડી દે છે... 
અને છોડી જાય છે અખંડ શૂન્યતા..
અગમ્ય અનંત ખાલીપો..
એ અધૂરપની પીડા એવી હોય છે કે...
જે કહેવાતી પણ નથી ને સહેવાતી
પણ નથી...
...દીપા સેવક.

પ્રયાસ...

સમજી શક્યો ના તું મને ક્યાં એની કો' ફરિયાદ છે
વંકાયલા આ હોઠ તો અશ્રુ રોકવાનો જ પ્રયાસ છે

મળતો નથી આરામ તોયે જે દવાના નામ પર 
વેચાય છે તારા શહેરમાં નામ એનું વિશ્વાસ છે  

છે બરફનું પંખી આ જીદ્દી ઝંખનાની જાત પણ
એને નથી કઇ વીજળીની બીક, ભીની પાંખ છે

થીજેલ લાગે લાગણી પણ શ્વાસ હાંફે છે હજુ 
આ આંસુ તો આંખે કિધેલો દર્દનો અનુવાદ છે

"દીપા"ને એકલતાના ઉપદ્રવનો જરીયે ડર નથી
કે શુન્યતાના શ્હેરમાં એનો તો નોખો નિવાસ છે
(ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા)
...દીપા સેવક.

Monday 21 September 2015

ख़ामोशी...

तुमने सुनी ना वो बाते जो आँखे कहेती रही 
जो ना कहे सके तुमसे, दिलमे चुभती  रही

फिसलती रही रात सन्नाटे की चादर ओढ़े 
बेखबर तू,और हया लब मेरे भी सीलती रही

यादो के समंदर शोले ख्वाबो के उगलते रहे
बरसाती मौसममे सांसे बूंदों से जलती रही 

बेखयाली के दामनसे आंधी-ए-जजबात उठे
जिसमे डूबकर सांसे शबभर जिंद ढूंढती रही 

करती गुस्ताखी तेरे शहेर से गुजरी जो हवा  
चूमकर मेरे गालो को तेरी खुश्बू बहेती रही 

'दीपा' के होठो पर हरदम है तेरे ही अफसाने 
जिसकी आवाज सिर्फ खामोशी सुनती रही 
....दीपा सेवक 

Friday 18 September 2015

ઝાંઝવાયે તરસે છે...

આંખમાં ઉતરીને મારી ઝાંઝવાયે તરસે છે.
છે નદીનો વારસો પણ રણની રેતી સરજે છે.

ખળભળાવે છેક ભીતર, વહે વારિ સપનાના,
કેમ જાણે માછલી જળના સ્પર્શથી ફફડે છે.

મેઘધનુનું મ્હોરુ પ્હેરી લે ઉદાસી મુજ આંખમાં,
આભની આંખોમાં જ્યાં વાદળની વેલો વિસ્તરે છે.

રણ સરીખો વિસ્તરતો આ શૂન્યતાનો પડછાયો,
ચોતરફ ખરતો જે ખાલીપો ખનનખન ખખડે છે.

તપ્ત સાંજે અઠંગ એકલતાની ઘેરી આડાશે,
એકદમ બેબાકળો થઇ દિલને સન્નાટો વળગે છે.

જ્યાં જરા લાગે કે ભૂલાઈ ગયો છે તું બિલકુલ, 
ત્યાં જ તારી યાદમાં  'દીપા'નું  ટેરવું સળગે  છે.
(ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાગાગા)
...દીપા સેવક.
 



 

Tuesday 15 September 2015

ઝાંઝવું પૂજાય છે...

કોણ જાણે કેમ એવું થાય છે?
ના ઝરણ પણ ઝાંઝવું પૂજાય છે

રાત ગુજરે કલ્પનાની કેદમાં
ને સવારો કેફથી અંજાય છે

હો હકીકત હાથ જોડીને ઉભી
તોય પગલા સ્વપ્નના પોંખાય છે

તરફડે છે કોણ આ પાંપણ વચ્ચે
ચીસ જેની ભીતરે પડઘાય છે

બંધ આંખે પાંખ ફફડાવે અને
સ્વપ્ન ખુલ્લી આંખમાં મુંઝાય છે

ભાર "દીપા" લાગતો ના ટેરવે
દર્દ જ્યા ગઝલો થકી ઠલવાય છે 
(ગાલગાગા ગાલગાગા ગાલગા)

...દીપા સેવક.




Thursday 3 September 2015

સ્પર્શ..

તું જાય તે પહેલા..
તારા છેલ્લા સ્પર્શને
ટેરવેથી ટપકાવી..
કાગળમાં સંઘરી લીધો હતો..
મેં કવિતા રૂપે ..
હવે..
તારા વગર જયારે..
ખાલીપણું ખખડે છે ત્યારે
તને આંખોથી સ્પર્શી લઉં છું..
તને પૂછ્યા વગર..
...દીપા સેવક

પ્રતિબિંબ...

મારામાં મારું મળવુ છે બહુ અઘરુ..
કે શોધુ મનેને તું જ મળે તો શું કરુ?

વિસ્તરવાની એષણામાં સતત બળું,
પણ પ્રતિબિંબ છું કે' શી રીતે પાંગરું?

પડુ પાણીમાં તોયે સ્હેજે પલળું નહિ,
બસ ભીંજ્યાંની ભ્રમણામાં રાચ્યા કરુ..

સાચું ખોટું મો પર કહીને ચુપ રે'વુ,
માની લે આવુ તપ કરવુ છે આકરુ..

લંબાવું હાથ પણ હાથ કઇ આવે નહિ, 
પછી ઓછપની આંખે ભીનુ અવતરુ.

સ્વીકાર્યુ તું અસ્તિત્વ, તું જ આંખ છે,
જેના થકી મારી દુનિયા હું દેખ્યા કરુ..
...દીપા સેવક.

Wednesday 2 September 2015

પિંજરનું પંખી ...

દર્દ તો યાદ રાખનારને સહેવાનું હોય છે.. 
ભૂલનારને ક્યાં ભરમમાં જીવવાનું હોય છે..

ભીના હો ભાવ ભલે પણ કોરી આંખ લઇ, 
ધગધગતા રણની જેમ તપવાનું હોય છે..

અહેસાસના અસ્થિઓ અંતરમાં વહાવી,
મનમાંને મનમાં રોજ મરવાનું હોય છે.. 

ભીતરના ભેજને છાતી સરસો સાચવી,
દુકાળના દેશે એને ઝઝુમવાનું હોય છે..

પિંજરના પંખીને પાંખો હોય તોય શું,
આભ તો આંખથી જ આંબવાનું હોય છે..  
...દીપા સેવક.