Friday 20 May 2016

જો તું આવે તો...

જો તું આવે તો સુરજને આંખમાં રોકી લઉં
સરકતી આ સાંજને પાલવમાં મારા બાંધી લઉં

ઓગળે જો એક થીજેલી તિક્ષ્ણ ક્ષણ આંખો મહી
તો બરફની આખી નદી હું એક ઘુંટમાં પી લઉં 

એક દીવો આંગણે પ્રગટાવુ ને બીજો દિલમાં કરુ
પ્રીતનું અજવાળુ ઓઢી રાતને અજવાળી લઉં  

દિલને શણગારુ હું અરમાનોના આસોપાલવે
મનભરી જો તું મળે અંધારને પણ પોંખી લઉં 

આશના પંખીને જો તુજ આગમનની પાંખો મળે
તો હું ચીંદરડી વડે આકાશ આખુ માપી લઉં 

ચાલ સમયની બદલવી 'દીપા'ના વશમાં છોને નથી
તાલ મીલાવી સમય સાથે નસીબને બદલી લઉં 
...દીપા સેવક.   






Wednesday 18 May 2016

યાદની ઝરમર...

તારી જુદાઈની મોસમમાં
મનનું ઉપવન સાચવવા
આમ તો મેં..
મુળસોતું ઉખેડી
ફેકેલું 
અસ્તિત્વ ઉદાસીનું.. 
તોય..ઉગી જ નીકળે
છે 
નિંદામણની
જેમ ..
આંખોમાં ..
જયારે તારી
યાદની ઝરમર પછી 
એકલતાનો
આછો આછો તડકો પડે..
...દીપા સેવક.

Friday 13 May 2016

ચામડી સંબંધની...

છો તું જુઠ્ઠું બોલ તારી આંખ ચાડી ખાય છે
જ્યાં મજામાં તું કહે કે તરત ઝુકી જાય છે

હાસ્યની લઇ આડ હોઠો તો છુપાવે છે ઘણુ 
શબ્દની એ શાહુકારી નજરને પરખાય છે 

જાગતી આંખોના સપના સળગતા અંગાર સમ
આંખને અડકે જરી ત્યાં ભીતરે ચંપાય છે    

એટલી નાજુક તો ન્હોતી ચામડી સંબંધની
પણ નિસાસાથી 'તું' ના સાતેય પડ તરડાય છે

છે નદીની વાત પણ વાદળને એ સમજાય ના
કેટલુ ખોયા પછી સાગરનો સાથ પમાય છે 

આમ તો 'દીપા' ગઝલની ગોદમાં ખુશ છે છતાં 
જો ખભો તારો મળે જીવન સફળ થઇ જાય છે 
...દીપા સેવક.

રેતશીશી..


સમયની પેલે પાર..
અટકી ગયેલી કેટલીક ક્ષણો
આંખ બંધ કરુને અથડાય છે...
ભીતર ભરાયેલું એક જણ.. 
અચાનક પ્રગટ થાય છે...
થાય કે થંભાવી દઉં..

સમય સાથે શ્વાસ...
પણ...એમ ..
રેતશીશી આડી પડવાથી..

સમય ક્યાં રોકાય છે? ...દીપા સેવક.

Thursday 12 May 2016

નિઃશબ્દતા...(2)

શબ્દો સૌ ઝાંખા પડે 
નિઃશબ્દતા અહિ ઝળહળે 

બાળક મૂંગુ હો ભલે,
'મા' આંખો વાંચી શકે

કાગળ કોરો હોય પણ,
અંતર અંતરને પઢે 

કામ્યાબી મૃગજળ નથી 
મેહનતથી ચોક્કસ મળે 

સમદુખિયાની આંખને 
દર્દની ભાષા આવડે 

મેં દર્દને વ્હાલું કર્યું 
કવિતા એથી થઇ શકે

દિમાગ તો આપે દગો  
'દીપા' દિલને અનુસરે 
...દીપા સેવક.

Wednesday 11 May 2016

નિઃશબ્દતા...

શબ્દો ત્યાં ઝાંખા પડે,નિઃશબ્દતા જ્યાં ઝળહળે
ખામોશીના ગામમાં,શબ્દો સૌ પાણી ભરે

સંધ્યાના આસ્લેશમાં,સુરજ જયારે આથમે  
એકલતાની આંખમાં,ખાલીપો ખનક્યા કરે

મીઠાજળની માછલી,ખારા જળમાં તરફડે 
સપના પડછાયો બની.આંખોને આંજ્યા કરે   

ઝાકળની સંવેદના, સુરજ જે'દિ સમજશે
તે'દિ અસહ્ય તાપથી,એકેય ફુલ નહિ ખરે

યાદોના ખંડેરમાં,વખત મ્હેલાતો ચણે
ગીત-ગઝલ કાંઠે ઉભી,'દીપા' દિલને છેતરે 
...દીપા સેવક.    

Tuesday 10 May 2016

યાદનો આસવ...

લાગે છે યાદનો આસવ ચડ્યો છે ખુબ
મારી છલકે છે આંખો ને મલકે છે મુખ

સુની છે સાંજ છતાં તું જ બધે દેખાય 
તારી સુગંધમાં મારા શ્વાસ ગળાડુબ  

મનગમતા મૃગજળ પી લથડે ખાલીપો
ઝળહળતી ઝાંખપ નાખે આંખોમાં ધુળ 

મનઆંગણમાં ધામા નાખે એકલતા 
પણ અરમાની મેળો છે આંખોનું નુર

અંધારુ ભીતર ફેલાવે પાંખો પણ  
આશાનું અજવાળુ મારા તેજનું મુળ

ઓગળતી ગઇ 'દીપા' મૌનના અંગારે 
ત્યારે તો અહિ પ્રગટ્યુ કવિતા જેવુ કશુક.. 

...દીપા સેવક.

Monday 9 May 2016

વાડા..

આમ તો..
કાજળ શણગારે છે આંખને..
પણ
વહે જો આંખથી તો..
ગાલ કાળા કરે..
કૈક એવું જ..
સંબંધનું પણ..
સાચવો તો સજાવે આયખુ..
નહિ તો..
દિલ વચાળે વાડા કરે..
જે જીવતર આળા કરે...

  ...દીપા સેવક.

Thursday 5 May 2016

કોક જગથી છાનુ...

કોક જગથી છાનુ આંખોમાં રહે છે 
જે અડી આંખોથી રગરગમાં ભળે છે

પાંપણે અરમાનનો મેળો સજાવી
હાથમાં લઇ હાથ મારો એ ફરે છે  

દિલના દર્પણમાં એ અદ્રશ્ય જાળ નાખી 
માછલી મનની અજાણે વશ કરે છે

રોજ તરફડતી અનેકો ખેવનાને
એક એની નજરથી તૃપ્તિ મળે છે

સાંજના તટ પર ઉભો ઘાયલ ઝુરાપો
હાથ ઝાલી રાતનો વિરમવા મથે છે

આંગણે ઉતરેલ ચંદ્રની સોડ સાંધી
રાતની આંખો સુરજ શોધ્યા કરે છે 

સાવ ખાલી છો ને "દીપા"ની હથેળી
પણ છલોછલ ભાવ ભીતર નીતરે છે
...દીપા સેવક. 

Wednesday 4 May 2016

સળગતુ મૌન ...

છે એ જ જખમની જાત, રુઝે એક ત્યાં બીજો ઉગે 
હો એક દર્દ તો વિચારુ, અહિ તો રોજ નવા ફુટે

શબ્દોની જરૂર નથી અહિ તો મૌન પણ સળગશે   
દર્પણમાં લાગે કેદ સુર્ય, પણ તાપ ઓકી તાડુકે

વાદળ વગર વરસાદ સાથે વીજળી પણ ત્રાટકે  
ભીતરને ભેદી લાગણી મુજ આંખમાં એમ ઝબુકે

સ્પંદનનો ફાટે રાફડો જ્યાં સ્હેજ આ સપના સ્પર્શે
નેવે નજરના નાંગરી બેફામ કોઈ ઘર લુટે  

યાદોના બળબળતા રણે ભાંગે ઝાંઝવા તરસ 
આંખોમાં ઉતરેલા અગનગોળાની ઝાળે મન ઝુલે

જ્યાં શ્વાસ છોડે ઓક્સિજન પર જીવતા સંવેદનો
ત્યાં પ્રાણ તો તારી છબી "દીપા"ની આંખોમાં ફુકે.
...દીપા સેવક. 



Monday 2 May 2016

गुजरे मोसम की खुशबु...

इस गलीमे तुम तो मुद्तो के बाद आये लगते हो
अजनबी तो नही हो फिर क्यु अन्जाने लगते हो

चोखट तो पहेचान गई तेरे कदमो की आहट को
पर तुम ऐसे देख रहे हो घर को..पराये लगते हो  

पूरी गलीमें गुजरे मोसम की खुशबु यु फ़ैल गई
जैसे कोई बंजर बस्तीमे बंजारों के मेले लगते हो

नाच रही है डाली डाली बेसुध सी सुने आंगन की
बेचैन बस्तीमे तुम चैन की धुन बजाये लगते हो 

पर मन के आंगन तक आते आते ख़ुशी लौट गई
तुम यु आख चुराने लगे सचमुच बेगाने लगते हो

थोडा सा तो रहेने देते भी "दीपा"का भरम कायम 
नजर चुरानेवाले तुम कहा जाने पहेचाने लगते हो?
...दीपा सेवक.