Wednesday 25 June 2014

પામ્યો છે તને...

જ્યારથી નજર મળી મનના માળામાં પામ્યો છે તને
જ્યાં જ્યાં નજર પડી સઘળા નજારામાં પામ્યો છે તને

તું નજરથી સ્પર્શે જરા ત્યાં તારી સુગંધથી મ્હેકે શ્વાસ
મહેકતી નજરોએ માંડેલા સરવાળામાં પામ્યો છે તને 

ક્ષિતિજે સુરજ ઢળે ત્યાં રાતરાણી સોળ કળાએ ખીલે 
એની મહેકના નશીલા આવકારામાં પામ્યો છે તને

તારા સાથની હુંફ મળે તો ખીલી ઉઠે મનની મોસમ
વૃક્ષને વીંટળાતી વેલના અટકચાળામાં પામ્યો છે તને

મનના શાંત સરવરમાં કોઈ પથ્થર નાખે તારા નામનો
તો ભીતરે ઉઠતા વલયોના કુંડાળામાં પામ્યો છે તને   

તારા આગમનની આશે આંખોમાં ઉડે રોશનીની છોળો 
અંધારી રાતે યાદોના તીણા ચમકારામાં પામ્યો છે તને

યાદો આંખ મીંચે જરાને સુરજ સપનાના બાહ પસારે
સુની રાતે સપનાના સોનેરી અજવાળામાં પામ્યો છે તને

આંખી રાત તારી સંગે રમીને રાત જરા જ્યાં હલકી પડે 
સુગંધભીના પરોઢીયે પાંપણના પલકારામાં પામ્યો છે તને

અહેસાસ તારી પ્રીતનો વસે છે મારી ભીતર આઠે પ્રહર 
કે આ ધડકતા દિલના દરેક ધબકારામાં પામ્યો છે તને

....દીપા સેવક.


Tuesday 24 June 2014

હજુ ગયો નથી...

જુદાઈનો અનુભવ મને કદી થયો નથી 
જાણે મને છોડી તું, ક્યાય હજુ ગયો નથી

અહીની હવામાં આવે હજુ તારી સુગંધ 
કે તું સર્યો, તુજ સ્પર્શ અહીંથી સર્યો નથી

અંતરના આંગણે હજુએ સતત ટહુક્યા કરે  
તારી પ્રીતનો ટહુકો પીળો હજુ પડ્યો નથી  

દિલના દ્વારે દસ્તક દઈ પસ્તાઈ તનહાઈ
કે યાદોએ ઓરડો.. ખાલી હજુ કર્યો નથી 

સાંજ પડી એટલે નજર જરા લાંબી થઇ 
બાકી તારા પગરવનો રવ હજુ શમ્યો નથી

એ રસ્તો હજુએ પૂછે છે મને તારી ખબર 
જ્યાંથી તું પસાર થયો પણ હજુ ગયો નથી 

...દીપા સેવક 

 

Friday 20 June 2014

દર્દના દરિયા ...

આંખોમાં દર્દના દરિયા ઉભરાયા
આંસુ એટલેજ તો ખારા જણાયા

સપનાના સૂર્ય એ દરિયે ડૂબ્યા તો
ભરબપોરે અમને તારા દેખાયા

અંતરના સાદ ના ઓળખ્યા તમે
તો અવગણનાથી અમે વીંધાયા

દિલના જખમ પર આંસુ ટપક્યા
ત્યાં રુઝાયેલા ઘા ફરી ખોતરાયા

તાજા જખમ બહુ ચચરે ખારાશથી
પીડાના શ્વાસ પર દબાણ વર્તાયા

છુટતા શ્વાસ બંધાઈ જશે પ્યારથી
જો કરો ઈશારો તમે અમથી બંધાયા

...દીપા સેવક  

Thursday 19 June 2014

આંસુ બની એ ...

આંસુ બની એ આંખથી સરતા રહ્યા
તોયે સિફારિશ સોણલા કરતા રહ્યા

રાતની નદીએ ખ્વાબની નૈયા ડૂબી 
તો દિવસે સત્ય આંખમાં તરતા રહ્યા

ગ્રહણ હકીકતનું હતું ખ્વાબને છતાં 
અરમાનના ઝરણા હજુ ઝરતા રહ્યા

ત્યાં જે તરસના વાદળા ઉમટ્યા હતા
વરસાદ તે અમ આંખમાં ભરતા રહ્યા  

પાતાળ રણની વીરડા છુપ્યા હશે
એથી જ તો ત્યાં મૃગજળ ઝરતા રહ્યા  

સઘળા રસ્તા અનજાન લાગે છે છતાં
દિલને બનાવી ભોમિયો ફરતા રહ્યા

આશા સમયના સાથની છોડી ન'તી 
માટે મહેનત ખંતથી કરતા રહ્યા

બનશે હકીકત સ્વપ્ન એવી આશથી
સાથી સમય સાથે અમે સરતા રહ્યા
(ગાગાલગા ગાગાલગા ગાગાલગા)

...દીપા સેવક    
 

Friday 13 June 2014

વીતેલી પળ ...

મોલ મારા નહતા થયા..
જે'દિ વરસી'તી અનરાધાર..
તે'દિ તે હથેળીએ ના ધરીને.. 
નીર વહી ગયા બેકાર ..
પછીયે અહેસાસના આભમાં..
વરસો વરસ વાદળ ઘેરાયા આશના..
પણ તારી બેપરવાહીના વાયરે વિખરાઈ ગયા સંતાપમાં 

ને હવે જિંદગીના તાપમાં
તરસના દરિયા ઉભરાયા તારી આંખમાં..
તો.. પહેલા વરસાદની ઋતુ યાદ આવી
અઠંગ તરસે..પેલી હેલીની કિમત સમજાવી..
ને તે હથેળી તારી ફેલાવી...
પણ.. હવે ક્યાં એ વરસાદ હતો ?..
ક્યાં ભીનો એ સાદ હતો?
તો છોડ મારા વિચાર હવે
આમ ના પોકાર મને..
કે લાખો વિનંતી કર્યા છતાં..
વીતેલી પળ અહી કોને હાથ આવી? ..દીપા સેવક.

સમય બધો હિસાબ માંગે છે ...

રાતભર જાગેલી ગુલમહોરી આંખ હિજાબ માંગે છે
એકલતાના વન પાનખરની પીળી ભાત માંગે છે

સંબંધોની બેરુખીથી તપતા હૃદયમાં પડી તિરાડ 
જાણે ઉનાળાની સવાર ઝાકળના ખ્વાબ માંગે છે 

યાદોના પડછાયા લહેરાયા આંખમાં આખી રાત 
ડૂબવાથી ડરતા ખ્વાબ, ઊંડાઈનો તાગ માંગે છે  

સુરજની યાદમાં રડી રાતને ફૂલોએ ઝીલ્યા આંસુ 
વિરહમાં રાતના હવે તડકો એનો હિસાબ માંગે છે

હાથ લંબાવીને તો નહિ આવે આકાશ કદી હાથ
સર કરવાને ગગન હવે પંખી સ્વતંત્ર પાંખ માંગે છે

આથમતી સાંજના સમયની છો રહી મંથર ગતિ
 "મુજ વીતી તુજ વીતશે" કે સમય બધો હિસાબ માંગે છે  

....દીપા સેવક.

Wednesday 11 June 2014

જિંદગી ...

નથી આસાન તોયે માણવાની છે
જિંદગી અઘરી છતાં મજાની છે

છો બધું ધાર્યું થતુ નથી આપણુ 
પણ થાય એમાં ખુશી શોધવાની છે

બાગમાં ફૂલની સાથે કાંટાયે ઉગે
તારે દોસ્તી બંનેની કરવાની છે

અહી સુગંધની સરભરા તો સૌ કરે
સાચી કળા કાંટાને જીરવવાની છે

કોને કહ્યું ધરતીઆભ મળતા નથી 
બસ થોડી દ્રષ્ટિને કેળવવાની છે    

ક્ષિતિજ એ છલના છે તો શું થયું? 
છેવટે વાત તો આશા રાખવાની છે

માન્યુ કે દિવસની છે અલગ આભા
તો રાતનીયે આગવી આનબાની છે   

સતત અજવાળાથી થાકશે જયારે 
ત્યારે જરૂર અંધારાનીયે પડવાની છે  

સુખદુઃખની જુગલબંધી છે જિંદગી 
મજા તાલ મેળવીને ચાલવાની છે

...દીપા સેવક.   

Tuesday 10 June 2014

હું હજુ બદલાઈ નથી ...

તારાથી છુટા પડીને પણ..
એ રસ્તો હજુ મેં બદલ્યો નથી
જેના પર તારી રોજની આવન જાવન હતી.
કારણ..
ત્યાંની ધૂળ હજુ પણ તારા પગલા પર હક જમાવે છે
હજુ તારી ખુશ્બુ એ હવામાં આવે છે
એ ગુલમહોરના ઝાડ ..
દિલની નીશાનીમાં કોતરેલા બે નામ
રાતા ફૂલ ..એ ગુલદસ્તો ..
હાથમાં હાથ ..એક થતા બે શ્વાસ ..
પંખીઓનો કલબલાટ..પાંદડાનો સરસરાટ.
બધ્ધુ ..હજુ તારી યાદ અપાવે છે..
અને તારી યાદનો ખખડાટ..
મને તારા અહી જ હોવાનો અહેસાસ કરાવે છે
કે સમય સાથે તું અને તારો રસ્તો ભલે બદલાયો પણ..
હું હજુ બદલાઈ નથી કે મારો રસ્તો પણ..
...દીપા સેવક.

શું કરું?

ઠાલા અક્ષર ચીતરીને શું કરું ?
કાગળમાં દિલ નીચવીને શું કરું ?

જ્યાં લાગણીની જરી કિંમત નથી
ત્યાં હૃદયને પાથરીને શું કરું?

વાતોથી જે આંખમાં રણ પાથરે
એને નદી સમ ગણીને શું કરું?

આંખોથી આ આંસુને અળગા કરી
રેતીના રણ ભીંજવીને શું કરું?

હાથોમાં અંગાર રાખે જીવતો
એને હથેળી ધરીને શું કરું?

જે સાથ છોડે પડે વિપદ જરા
એ જણને તો મિત્ર ગણીને શું કરું? 

જે આગ સળગે સદીથી ભીતરે
એમાં ભવોભવ બળીને શું કરું?

'દીપા'એ એથી મુકી દીધી કલમ
કે ઝાંઝવાને સંઘરીને શું કરું?
(ગાગાલગા ગાલગાગા ગાલગા)

Thursday 5 June 2014

પ્રીતમાં પલળ્યા પછી..

કહો કેમ રહે કાબુમાં જોબન પ્રીતમાં પલળ્યા પછી
સાંજે સોનેરી નશો પ્રીતમની આંખમાં છલક્યા પછી

અંગઅંગ ઉઠે પ્રેમઅગન તસ્વીર તારી જોયા પછી  
ઘેરી શ્યામલ સાંજે સાજનને આંખથી અડક્યા પછી

એને કોણ બચાવે જેને વાગે નૈનકટારી સાજનની 
ઘાયલ મન તરસ્યા કરે એ વીજળીના કડક્યા પછી

ઉઠે ભીતર મીઠી મૂંઝવણ જો વાદળના ગરજાટથી
તરફડે છે માંહ્યલો સાજન વિચારોમાં વળગ્યા પછી

આ વરસાદી ભીની સુગંધ જાણે બળતામાં ઘી હોમે
પડતુ  નથી ચૈન મનને મેઘ મુશળધાર વરસ્યા પછી

હરપળ કરે તરબતર મને, બહાર મેહુલો ને ભીતર તું 
આખી રાત સંતાકુકડી રમે ઊંઘ આમ પલળ્યા પછી

કાશ આંખ મળેને રાત ફળે..મારું સપનુ સોનેરી ફળે
પ્રીતમ.. મુકે ભીની સુગંધ હોઠે આલિંગન આપ્યા પછી   

...દીપા સેવક.