Monday 31 August 2015

અગરબત્તીનું અજવાળુ ...

કાશ..રોજ સાંજના આંગણે..
તારા પગરવને પંપાળી શકું..
આથમતા સુરજની સોડમાં..
એક અટકળનું અસ્તિત્વ નીખારી શકું..
આ એકલતાના ઝંઝાવાતને..
તારા સંગાથના સપનાથી ખાળી શકું..
આંખ બંધ કરીને ફેલાતુ અંધારુ ટાળી શકું..
અરે..ધારવા માટે તો..
તારી યાદને..પૂનમની ચાંદની ધારી શકું..
પણ એવું છે તો નહિ..
એટલે સ્વીકારી રહી છું હવે કે...
એમ કઇ આ જિંદગી જીવાતી નથી..
હા..અગરબત્તીના અજવાળે સોય પરોવાતી નથી.
...દીપા સેવક.

Wednesday 19 August 2015

દાઝ્યા પછીનો કેફ...

આ હવામાં ભરઉનાળે આટલો જે ભેજ છે
કોઈ વિરહી આંખના વરસાદની એ દેન છે

વેદનાના વાદળો ઉમટ્યા છે ઘાયલ મનમહી
આ અચાનક ત્રાટકી છે વીજ કારણ એજ છે

મ્હેકતી માટી અડે ને શ્વાસને ખાલી ચડે
યાદનો છાંયો પડે ત્યાં આગ તો લાગે જ છે  

સેહરાના રણ સમો ભીતરનો ખાલીપો વધ્યો
તોય કોરી આંખમાં લીલોતરી એની એજ છે  

કરુ સદીઓથી ખુલ્લી આંખે હું ઉંઘની આરતી
આ સપનના સ્પર્શથી દાઝ્યા પછીનો કેફ છે
(ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા)
...દીપા સેવક.

Thursday 13 August 2015

હવે મારે ...

પવન સામે નથી પડવુ હવે મારે 
સમય સાથે નથી લડવું હવે મારે

છે પથ્થરના શહેરમાં કાચની મેડી 
તિરાડોથી નથી ડરવું હવે મારે

ઉભી છું ઊમંગોની તપ્ત અટારીએ 
ખરીદી આગ નીતરવું હવે મારે   

પ્રકાશની આંગળી ઝાલી ગબડતી જે
એ સાંજની જેમ ઝળહળવું હવે મારે

હા છે, મારામાં તારાપણું છલોછલ છે
છતાં ખાલીપણું જીરવવું હવે મારે  

છે રેતીની નદી ને કાચની હોડી
તો પણ ભવ પાર ઊતરવું હવે મારે
(લગાગાગા લગાગાગા લગાગાગા)
...દીપા સેવક.

Wednesday 5 August 2015

ચાહતનો અહેસાસ...

પાસે નથી જે એની જ સાથે રહુ છું
એથી તો ચાહતનો અહેસાસ કરુ છું

આંખોથીય અડવુ શક્ય નથી જેને
એને અહેસાસની આંખોથી અડું છું

ઉજાગરાની આંખોમાં આશકી આંજી
પાંપણના પાલવમાં સપના ભરુ છું

ભીતરને યાદોથી તરબતર રાખી
તપતા વિરહ પર વરસ્યા કરુ છું

તરસ્યુ હરણ ઝાંઝવાને જેમ ચાહે 
બસ એમ જિંદગીને ચાહ્યા કરુ છું
...દીપા સેવક.


Tuesday 4 August 2015

યાદોનુ જાગરણ...

સપનામાંએ એનુ આવવુ જો સપનુ થઇ ગયુ હવે.
આ યાદોનુ જાગરણ રોજેરોજનું થઇ ગયુ હવે.

છે આંખો અજવાસનું સરનામુ સદીઓથી છતાં,
અંધારુ પણ સાથ રે'તા પોતાનું થઇ ગયુ હવે. 

રાતની પેલે પાર છે ઝરણા ઉજળી આશના,
પણ ત્યાં સુધી પ્હોચવું કેટલુ અઘરુ થઇ ગયુ હવે.

ખુલ્લું છે આકાશને પિંજર જેવુ પણ કઇ નથી, 
પણ આ મન પાંખો વિનાનું પારેવુ થઇ ગયુ હવે.

ઈચ્છાના આગોતરા જામીને છૂટ્યા અરમાન પણ,
આ આખુએ જગ જમાદારના જેવુ થઇ ગયુ હવે.

સ્મરણ લણતો સમય ને કરતો સઘળી કારીગરી,
ઝાકળભીનુ ઝાંઝવું  ખળખળ ઝરણું થઇ ગયુ હવે.

આછા અજવાળે જો ઝળહળ આખો ઓરડો,
"દીપા"નું દિલ કાયમી તમ સરનામુ થઇ ગયુ હવે.
(ગાગાગાગા ગાલગાગા ગાગાગાગા ગાલગા)
...દીપા સેવક.